સભ્ય:Gazal world/લોકરીતિઓ, રૂઢિઓ અને રિવાજ

વિકિપીડિયામાંથી

લોકરીતિઓ (folkways) : એવા સામાજિક ધોરણો છે કે જેનું અનુસરણ સમાજજીવનમાં પ્રણાલિકાગત અનૌપચારિક રીતે થતું આવે છે. લોકરીતિને અનુરૂપ વર્તન કરવા માટે કોઈ કાયદો કે અન્ય કોઈ સામાજિક સાધન (agency) જરૂરી હોતાં નથી.[૧]

જેની સાથે સંબંધિત લાગણીઓની તીવ્રતા ઓછી હોય, જેના અમલ માટેનાં આકર્ષણો કે સજાઓ બહુ સ્પષ્ટ કે ચુસ્ત હોતાં નથી, જેના પાલન માટે કદર કે સજાઓની ખાસ જરૂર રહેતી નથી તથા સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ જેનો અમલ કે ભંગ બહુ મહત્ત્વનો કે ગંભીર લેખાતો નથી તેવાં અનૌપચારિક અલિખિત સ્વરૂપનાં સામાજિક ધોરણોને લોકરીતિઓ કહેવામાં આવે છે.[૨]

જેમ કે, બહાર જતી વખતે જોડા કે ચંપલ પહેરવા અને ધર્મસ્થાનમાં જતી વખતે તે બહાર કાઢવા, સવારમાં ઊઠીને દાતણ કરવું, વડીલ હોય તેમને પત્રમાં માનાર્થે સંબોધન કરવું, પ્રશંસા દર્શાવવા તાળી પાડવી, કોઈ વાતચીત કરતું હોય ત્યારે વચ્ચે ન બોલવું વગેરે રોજિંદા વર્તન અંગેના ધોરણોના પાલન માટે કોઈ કાયદો ન હોવા છતાં સ્વાભાવિક રીતે જ સમાજના સભ્યો તે મુજબનું વર્તન કરતાં હોય છે.[૧]

રૂઢિઓ (mores) : જ્યારેઅ લોકરીતિઓમાં લોકકલ્યાણની ભાવના ભળે છે ત્યારે તે રૂઢિઓ બને છે. રૂઢિઓ હકારાત્મક તેમજ નકારાત્મક સ્વરૂપની હોય છે. હકારાત્મક રૂઢીઓ વ્યક્તિને અમુક પ્રકારના વ્યવહારો માટે ફરજ પાડે છે અને વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે. જ્યારે નકારાત્મક રૂઢિઓ અમુક પ્રકારના વ્યવહાર ન કરવા માટે વ્યક્તિઓને ફરજ પાડે છે. રૂઢિઓ સામાજિક નિયંત્રણનું મહત્ત્વનું સાધન છે. તેના પાલન માટે નોંધપાત્ર કદર અને ભંગ માટે સજા પ્રયોજાય છે. રૂઢિ ભંગ ગંભીર અને અસહ્ય લેખાય છે અને સમાજના રૂઢિવાદી સભ્યોની લાગણીઓ આવા ભંગની બાબતમાં તીવ્ર હોય છે. રૂઢિઓ સમાજની પરંપરાને જાળવી રાખવાનું કામ કરે છે.[૩]


રિવાજ (custom) : રૂઢિઓનું વિશેષીકરણ થતા તે રિવાજ બને છે. ભૂતકાળના અનુભવોમાંથી એ આપોઆપ ઉદભવે છે. સમાજ તેનો સ્વાભાવિક રીતે સ્વીકાર કરે છે. રિવાજ હંમેશા અલિખિત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. રિવાજના ભંગ બદલ અનૌપચારિક શિક્ષાની જોગવાઈ હોય છે. રિવાજમાં સરળતાથી પરિવર્તન આવતું નથી.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ શાહ, વિપીનભાઈ (૧૯૭૫). સમાજશાસ્ત્ર પ્રવેશ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: રચના પ્રકાશન. પૃષ્ઠ ૧૨૫.
  2. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૨૭. ISBN 978-93-85344-46-6.
  3. ૩.૦ ૩.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૨૨. ISBN 978-93-85344-46-6.