સભ્ય:Uddesh

વિકિપીડિયામાંથી

‘ઉદ્દેશ’ :  સાહિત્ય અને જીવનવિચારનું ગુજરાતીમાં પ્રગટ થતું માસિક

  ‘ઉદ્દેશ’  એ સાહિત્ય અને જીવનવિચારનું ગુજરાતીમાં દર મહિનાની પંદરમી તારીખે પ્રગટ થતું માસિક છે.  ૧૫ ઑગસ્ટ ૧૯૯૦ થી ડૉ. રમણલાલ જોશી (૨૨-૫-૧૯૨૬ -- ૧૦-૯-૨૦૦૬)દ્વારા શરૂ થયેલ આ માસિકમાં પરંપરાનું સૂત્ર તો છે જ, સંક્રાંતિકાળમાં સર્જાતા જતા સાહિત્યનું પ્રતિબિંબ પણ ઝિલાય છે.

રમણલાલ જોશી ગુજરાતી સાહિત્યમાં વિવેચક તરીકે સન્માન્ય છે અને યુનિવસિઁટી અધ્યાપન કાર્ય ,સાહિત્યિક ક્ટારલેખન અને ‘ઉદ્દેશ’ ના સતત સત્તર વરસપર્યઁત સંપાદન કાર્યથી સાહિત્યજગતમાં સંસ્કૃતિપુરૂષ તરીકે સ્થાન - માનને પામ્યા હતા.  કોઇએ એમને ‘સાક્ષરજીવન અને અધ્યાત્મજીવનના ઉપાસક’ કહ્યા તો કોઇએ એમને ‘પ્રશિષ્ટ રૂચિના વિવેચક’ કહ્યા. કોઇએ એમને ‘મૈત્રી અને ઉમળકાના માણસ’  તરીકે ઓળખ્યા તો કોઇએ એમને ‘ગુણગ્રાહી વિવેચક’  તરીકે ‘યથાર્થ અને કૌતુકભર્યા સજ્જ્ન’ કહ્યા.  ‘વિદ્વત્તાના ભાર વગરના’ એ વ્યક્તિત્વમાં કોઇએ ‘શિશુની આંખનો ભોળો અચંબો’ જોયો તો એ ‘વત્સલ જોશી સાહેબ’ને કોઇએ ‘જાગતા વિવેચક - સંપાદક’ કહી બિરદાવ્યા...

ગોવર્ધનરામ અને ગોવર્ધન સાહિત્યના અભ્યાસી શ્રી રમણલાલ જોશી ‘પરિમાણ’,  ‘શબ્દસેતુ’,  ‘વિવેચનની પ્રક્રિયા’, ‘પરિવેશ’,  ‘નિષ્પત્તિ’, ‘વિવેચનની આબોહવા’ જેવા વીસેક વિવેચનગ્રંથ દ્વારા સાહિત્ય- વિવેચન ક્ષેત્રે;  ‘સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવન વૃત્તાંત’ અને ‘કવિજીવન’ તેમજ ‘અખેગીતા’  અને ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિધ્ધિ’  જેવાં સંપાદન-સંશોધન દ્વારા જેમ ગુજરાતી સાહિત્યમાં યાદ રહેશે તેમ ૧૯૭૬થી એમણે શરૂ કરેલી  ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ કે જેમાં તેમણે આપણી ભાષાના જાણીતા સર્જકોના વ્યક્તિત્વ અને સાહિત્યને મૂલવતા ૪૮ જેટલા ગ્રંથ વિવિધ વિદ્વાનો પાસે તૈયાર કરાવ્યા - એ પણ તેમનું યાદગાર પ્રદાન ગણાશે.યુનિવર્સિટી અધ્યાપન કાર્યમાંથી નિવૃત્ત થયા બાદ ૧૫ ઑગસ્ટ ૧૯૯૦થી   એમણે 'સાહિત્ય અને જીવનવિચારનું માસિક' ‘ઉદ્દેશ’ શરૂ કર્યુ અને જીવનપર્યત ચલાવતા રહ્યા...

  ‘ઉદ્દેશ’  શ્રી રમણલાલ જોશીના દેહાવસાન પછી પણ નિયમિત પ્રગટ થતું રહે છે. એનું સંપાદન પ્રબોધ ર. જોશી કરે છે. એમાં સર્જાતા સાહિત્યનું પ્રતિબિંબ ઝિલાતું રહે છે. સાહિત્યવિચાર અને સાહિત્યના પ્રશ્નોની ચર્ચાથી માંડીને તે સાહિત્યની સાંપ્રત ગતિવિધિ અને જીવન વિચારના  વિવિધ વિષયોને  સ્પર્શતા આ સામયિકની સુરખી ઑનલાઇન www.uddesh.org પરથી પણ મેળવી શકાય છે.