૧૮૩૭ સુરત અગ્નિકાંડ

વિકિપીડિયામાંથી
૧૮૩૭ સુરત અગ્નિકાંડ
તારીખ24 April 1837 (1837-04-24) – 26 April 1837 (1837-04-26)
સમયસાંજે પાંચ વાગ્યે
સ્થાનસુરત, બ્રિટીશ ભારત (વર્તમાન ગુજરાત, ભારત)
અક્ષાંશ-રેખાંશ21°12′03″N 72°49′26″E / 21.200810°N 72.823840°E / 21.200810; 72.823840
કારણઘરમાં લાગેલી આગ
મૃત્યુ૫૦૦થી વધુ
સંપત્તિને નુકશાનઆશરે ₹૪૬,૮૬,૫૦૦

એપ્રિલ ૧૮૩૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળના ભારતીય શહેર સુરતમાં આગ લાગી હતી જે પોણા દસ માઈલના વિસ્તાર ફેલાઈ ગઈ હતી. દુર્ઘટનામાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૯૭૩૭ મકાનો નાશ પામ્યા હતા. સુરતના ઇતિહાસની આ સૌથી વિનાશક આગ હતી.[૧]

આગ[ફેરફાર કરો]

સુરત ૧૮૩૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ હતું. ઉનાળા દરમિયાન, ૨૪ એપ્રિલ ૧૮૩૭, સોમવારે સાંજે પાંચ વાગ્યે મછલીપીઠ વિસ્તારમાં એક અગ્રણી પારસીના ઘરમાં આગ લાગી હતી. ઉકળતા ડામરનું વાસણ ઢોળાઈ ગયું હતું અને લાકડાનું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.[૧] પડોશીઓએ આગ બુઝાવવા માટે પોતાના કૂવામાંથી પાણી આપવાની ના પાડી દીધી હતી.[૨] આગ ઝડપથી આસપાસના ઘરોમાં ફેલાઈ ગઈ હતી. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારની સાંકડી ગલીઓમાં લાકડાના મકાનો અને તેના લટકતા ઝરૂખાઓના કારણે આગ ઝડપથી ફેલાઈ. ઉત્તરથી આવતા ભારે પવનને કારણે થોડા જ કલાકોમાં આગ ત્રણ માઈલના વિસ્તારમાં ફેલાઈ ગઈ. રાત્રે આગના પ્રકાશથી ઝળહળતા ધુમાડાના ગોટેગોટા વીસથી ત્રીસ માઈલના અંતરેથી પણ દેખાતા હતા. બીજે દિવસે એટલે કે ૨૫ એપ્રિલના રોજ નૈઋત્ય દિશાથી પવન આવવાને કારણે આગ અન્ય દિશામાં ફેલાઈ ગઈ. બપોરે લગભગ બે વાગ્યે આગ તેની પરાકાષ્ઠા પર હતી. ત્યારબાદ આગ ઘટી અને ૨૬ એપ્રિલના રોજ સવારે હોલવાઈ ગઈ. આગને કારણે શહેરના લગભગ ત્રણ ચતુર્થાંશ વિસ્તારમાં મકાનો નાશ પામ્યા હતા. આગ કુલ પોણા દસ માઈલના વિસ્તારમાં ફેલાઈ હતી.[૧][૩]

નુકસાન[ફેરફાર કરો]

સુરતના દરેક વિસ્તારમાં લાગેલી આગમાં ધરાશાયી મકાનો [૪]
અસરગ્રસ્ત વિસ્તાર નાશ પામેલા મકાન
નગર ૬૨૫૦
મછલીપીઠ ૨૫૯
રાહીયા સોની ચકલો ૬૪૭
કેળાપીઠ અને કેનપીઠ ૧૧૭૪
રાણી તળાવ ૩૬૩
વારી ફળિયા ૯૯૮
સંગારીવાડ ૩૯૦
ભગાતળાવ ૫૮૧
કપાટીઆ ચકલો ૮૭૬
ગોપીપુરા ૮૯૨
ઉપનગર ૩૧૨૩
નવાપુરા ૧૮૮૦
હરીપુરા ૬૮
સલાબતપુરા ૫૨૪
બેગમપુરા ૭૨૧
કુલ ૯૩૭૩

આગમાં ૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા,[૨][૩] આ ઉપરાંત મળી આવેલ ૪૯ મૃતકોમાં બીજે દિવસે આગની દિશા બદલાવવાથી મૃત્યુ પામેલા ૭, પોતાની સંપત્તિ બચાવતી વખતે મૃત્યુ પામેલા ૩૨ અને જીવ બચાવવા તળાવ કે કુવામાં કુદી મૃત્યુ પામેલા ૧૦ લોકોનો સમાવેશ થાય છે.[૧]

કુલ આર્થિક નુકસાનનો અંદાજ લગાવી શકાય તેમ નથી. કુલ ૯૩૭૩ મકાનો નાશ પામ્યા હતા. તેમાંથી ૬૨૫૦ નગરમાં અને ઉપનગરોમાં ૩૧૨૩ હતા. નુકસાન પામેલ મકાન દીઠ ₹૫૦૦ સરેરાશ કિંમત મૂકીને કુલ નુકસાન ₹૪૬,૮૬,૫૦૦ અંદાજવામાં આવ્યું હતું.[૧][૫]

રાહત કાર્ય[ફેરફાર કરો]

બ્રિટિશ સરકારે રાહત માટે ₹૫૦,૦૦૦ની મંજૂરી આપી હતી અને દાતાઓએ મુંબઈમાં ₹૧,૨૫,૦૦૦ એકત્ર કર્યા હતા.[૧] રાહત કાર્ય માટે લંડનમાં ૧૦૦૦ પાઉન્ડ એકત્રિત કરવામાં આવ્યા હતા.[૬]

અનુગામી અસરો[ફેરફાર કરો]

આગ બાદ ઓગસ્ટ ૧૮૩૭માં સુરત ભારે પૂરથી પ્રભાવિત થયું હતું. આ આપત્તિઓને કારણે પારસી, જૈન અને હિંદુ વેપારીઓ મુંબઈ આવી ગયા. બાદમાં મુંબઈ ભારતના પશ્ચિમ કિનારાનું મુખ્ય બંદર બન્યું હતું, જે સુરતને પાછળ છોડી ને આગળ વધી રહ્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં અનેક આગથી શહેર પ્રભાવિત થયું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Gujarat State Gazetteers: Surat District (2nd (Revised in 1962), 1st (1877) આવૃત્તિ). Ahmedabad: Directorate of Government Printing, Stationery and Publications, Gujarat State. 1962. પૃષ્ઠ 976–978.
  2. ૨.૦ ૨.૧ The Annual Register: World Events 1837-1838 (અંગ્રેજીમાં). ProQuestrel. 1838. પૃષ્ઠ 82–83.
  3. ૩.૦ ૩.૧ Bartlett, Esquire Thomas (1841). The New Tablet of Memory; Or, Chronicle of Remarkable Events; with the Dates of Inventions and Discoveries in the Arts and Sciences; and Biographical Notices, Etc. [With Plates.]. Thomas Kelly. પૃષ્ઠ 475.
  4. Gazetteer of the Bombay Presidency: Gujarát Surat and Broach. Printed at the Government Central Press. 1877. પૃષ્ઠ 316–317.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  5. Haynes, Douglas E. (1991). "Part Two: Surat City and the Larger World". Rhetoric and Ritual in Colonial India. UC Press E-Books Collection, 1982-2004. Berkeley: University of California Press. પૃષ્ઠ 40.
  6. The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia. Parbury, Allen, and Company. 1837. પૃષ્ઠ 305.