સભ્ય:Vitragvani

વિકિપીડિયામાંથી

અમારી વાત


આજથી ૨૫૩૬ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગત્પૂજ્ય ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોંનું સ્વરૂપ પોતાની સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતાં હતાં. તેમના નિર્વાણ પછી થયેલાં આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો. તે જ પરંપરામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયાં.દિગંબર જૈન પરંપરામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.

ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. તેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં છે. સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકામાં શ્રી કુંદકુંદાચાર્યદેવને ‘કળિકાળસર્વજ્ઞ’નું બિરુદ આપવામાં આવ્યું છે અને તેઓશ્રીના ઉપકારનું સ્મરણ આ રીતે કરવામાં આવ્યું છે: "પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્ર્ગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃદ્ધપિચ્છાચાર્ય એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે."

ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવની પરંપરામાં થયેલાં જ્ઞાનીઓમાં શ્રીમાન્ સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્દ રાજચંદ્રજીએ જનસમાજને અધ્યાત્મ સમજાવ્યું તથા અધ્યાત્મપ્રચાર અર્થે શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ સ્થાપ્યું. એ રીતે જનસમાજ ઉપર-મુખ્યત્વે ગુજરાત-કાઠિયાવાડ પર-તેમનો મહા ઉપકાર વર્તી રહ્યો છે.

વર્તમાનકાળમાં જિજ્ઞાસુ મુમુક્ષુઓના મહાન પુણ્ય પ્રતાપે સૌરાષ્ટ્રના ઉમરાળા ગામે પરમોપકારી યુગપુરુષ ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો જન્મ વિ. સં. ૧૯૪૬માં થયો. વિધિની કોઈ ધન્ય પળે વિ. સં. ૧૯૭૮માં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત પરમાગમ શ્રી સમયસારજી બાળવયથી જ સત્યના શોધક ગુરુદેવશ્રીનાં કરકમળમાં આવ્યું. તે પરમ પાવન ચિંતામણિને આ કુશળ ઝવેરીએ પારખી લીધું અને સમયસારની કૃપાથી તેઓશ્રીએ નિજ ચૈતન્યમૂર્તિ ભગવાન સમયસારનાં દર્શન કર્યાં. તેઓશ્રીનાં અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું, ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું, ઉપયોગ-ઝરણાનાં વહેણ અમૃતમય થયાં અને જિનેશ્વરનાં સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી. પૂજ્ય ગુરુદેવ જેમ જેમ સમયસારમાં ઊંડા ઊતરતા ગયાં તેમ તેમ તેમાં કેવળજ્ઞાની પિતાથી વારસામાં આવેલાં અદ્દભુત નિધાનો-કે જેને તેમના સુપુત્ર ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ચીવટથી સંઘરી રાખ્યાં છે તેને-જોયાં.

ઘણાં વર્ષો સુધી સમયસારનું ઊંડું મનન કર્યા પછી, ‘કોઈ પણ રીતે જગતના જીવો સર્વજ્ઞપિતાના આ અણમૂલ વારસાની કિંમત સમજે અને અનાદિકાળની દીનતાનો અંત લાવે’ -એવી કરૂણાબુદ્ધિને લીધે પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર પર અપૂર્વ પ્રવચનોનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ૪૫ વર્ષ સુધી સૌરાષ્ટ્રના રળિયામણા સોનગઢ ગામે સ્થાયી થઈ પ્રવચનસાર,પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર, અષ્ટપાહુડ, ઈષ્ટોપદેશ, સમાધિશતક, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય વગેરે અનેક શાસ્ત્રો પર માર્મિક પ્રવચનો આપ્યાં.

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢના પ્રમુખ સ્વ. નવનીતલાલ સી. ઝવેરીએ પરમ કૃપાળુ ગુરુદેવશ્રી દ્વારા પ્રરુપિત સનાતન દિગંબર જૈનધર્મ સમજવાનો લાભ જૈન તથા જૈનેતર જિજ્ઞાસુને મળે તે હેતુથી ગુરુદેવશ્રીનાં મંગલ પ્રવચનો ટેપમાં ઉતારીને તેની પ્રચારયોજના સ્વખર્ચે ચલાવી અને ભારતના અનેક ગામોમાં ટેપ મશિન સાથે માણસ મોક્લ્યા હતાં. પૂજ્ય ગુરુદેવશ્રીની અપૂર્વ વાણીનો એ ખજાનો આજે પણ જળવાઈ રહ્યો છે અને જૂની તથા નવી પેઢી ગુરુવાણીનું રસપાન સતત કરી રહી છે.

આદરણીય શ્રી નવનીતભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ટેપ-રેકોર્ડિંગ પ્રચાર-યોજનાના ઉમદા કાર્યને શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર દ્વારા પ્રેરિત શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટે આગળ ધપાવ્યું છે અને કૃપાળુ ગુ્રુદેવશ્રીનાં લગભગ ૯૦૦૦ જેટલાં ઉપલબ્ધ પ્રવચનોને DVD તથા Blu-ray Disc માં રૂપાંતર કરેલ છે. આ બધાં જ પ્રવચનો હવે "વીતરાગ વાણી વેબસાઈટ" (www.vitragvani.com) ઉપર તથા DVD માં ઉપલબ્ધ છે. તદ્ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો પુસ્તકાકારે શબ્દશઃ પ્રગટ કરવાનું કાર્ય પણ થઈ રહ્યું છે. આ પુસ્તકો ગુજરાતી તથા હિન્દી ભાષામાં PDF ફોર્મેટમાં વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

શ્રીમદ્ જયસેનાચાર્યદેવ કહે છે : ‘સ્વરૂપરસિક પુરુષોએ વર્ણવેલા આ પ્રાભૃતોનો જે કોઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે,પ્રસિદ્ધિ કરશે, તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્રપદને વિષે મુક્તિલલનામાં લીન થશે.’ આ જ અમારા વેબ સાઈટ તથા ટ્રસ્ટનો ઉદ્દેશ છે.

-શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર દ્વારા પ્રેરિત શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ.

  • *