સાંખ્ય યોગ

વિકિપીડિયામાંથી

સગા સંબઘી અને ગુરૂજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાએ શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડિવને પરિત્યાગીને રથમાં બેસી ગયો, તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથિ ન રહેતા તેના માર્ગદર્શક બન્યા.

ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ચિંતાતુર છે, તે સર્વે તો મારા વડે ક્યારનાય હણાઇ ચુક્યા છે. આત્મા તો અમર છે, એનો કદી નાશ થતો નથી. જેવી રીતે લોકો જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો પરિધાન કરે તેવી જ રીતે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. શરીરનો નાશ થાય છે પરંતુ આત્માનો નાશ થતો નથી. નાશવંત એવા દેહ માટે શોક કરવો વ્યથા છે. વળી ક્ષત્રિયો માટે યુદ્ધ એ તો ધર્મ છે. જો તું યુદ્ધનો ત્યાગ કરશે તો તારા ધર્મને ચુકશે અને લોકો તારી હાંસી ઉડાવશે, તને અપયશ જ મળશે. યુદ્ધ ન કરવાના અપયશ કરતાં તો યુદ્ધમાં મોત મળે તે સારું.

ભગવાને બીજા અધ્યાયમાં જેમની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેઓ સમાધિ દશાને પામી ચુક્યા છે એવા સ્થિતપ્રજ્ઞના લક્ષણો પણ કહી બતાવ્યા. સ્થિતપ્રજ્ઞ વિશેના એ શ્લોકો ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ આદર્શ માનવના શકવર્તી માપદંડ તરીકે ગણી શકાય. દાર્શનિકો અને ચિંતકોને એ અનંત કાળથી પ્રેરણાની અવનવીન સામગ્રી ધરી રહ્યા છે.

અનાસક્તયોગ (ગાંધીજી રચિત) ના મત મુજબ[ફેરફાર કરો]

મોહાને વશ થઇ મનુષ્ય અધર્મને ધર્મ માને છે. પોતિકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથકતા તથા આત્માની નિત્યતા અને તેની એકતા બતાવે છે. આમ, ભગવાન અર્જુનને સમજાવે છે કે મનુષ્ય કેવળ પુરુષાર્થનો અધિકારી છે, પરિણામનો નથી. આથી તેણે કર્તવ્યનો નિશ્ચય કરી, નીશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઇએ. એવી પરાયણતાથી તે મોક્ષને સાધી શકે છે.

ઉપરાંત ૩૧મા તથા ૩૭મા શ્લોક દ્વારા લાભ-હાનિની વ્યવહાર દ્રષ્ટિનો મેળ તથા ૩૮મા શ્લોકને ગીતાનો મુખ્ય બોધનો પ્રવેશ ગાંધીજીએ ગણ્યો છે. વળી ૫૫મા શ્લોકમાં આનંદએ સુખથી નોખી વસ્તુ છે તેનું સુંદર ઉદાહરણ આપી આત્મસંતુષ્ટ રહી સ્થિતપ્રજ્ઞના લક્ષણ બહુ સરળ શૈલીમા સમજાવ્યા છે. ૫૯મા શ્લોકમાં ઉપવાસાદિની મર્યાદા સૂચવ્યા પછી ૬૯મા શ્લોકમા યોગી અને ભોગીના પંથ તેના આચાર દ્વાર નિરુપ્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]