સુંદરજી બેટાઇ

વિકિપીડિયામાંથી

સુંદરજી ગોકળદાસ બેટાઈ (૧૦ ઓગસ્ટ ૧૯૦૫ - ૧૬ જાન્યુઆરી ૧૯૮૯) (ઉપનામો: દ્વૈપાયન, મિત્રાવરુણૌ) કવિ, વિવેચક હતા.

જીવન[ફેરફાર કરો]

જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.

સર્જન[ફેરફાર કરો]

પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે.

‘જ્યોતિરેખા’ (૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત પાંચ ખંડકાવ્યો છે. ‘ઇન્દ્રધનુ’ (૧૯૩૯), ‘વિશેષાંજલિ’ (૧૯૫૨), ‘સદગત ચંદ્રશીલાને’ (૧૯૫૯), ‘તુલસીદલ’ (૧૯૬૧), ‘વ્યંજના’ (૧૯૬૯), ‘અનુવ્યંજના’ (૧૯૭૪), ‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણીની ઝરમર’ (૧૯૮૨) એ એમના કાવ્યસંગ્રહોની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વજનમૃત્યુથી જન્મતો શોક પ્રારંભથી અંત સુધી એમની કવિતાનાં ચાલકબળ રહ્યાં છે. અલ્પપરિચિત સંસ્કૃત શબ્દોના વિશેષ ઉપયોગવાળી સંસ્કૃતાઢ્ય પ્રસ્તારી શૈલીને લીધે સૉનેટ કરતાં લાંબાં ચિંતનમનનનાં કાવ્યો વધુ સફળ નીવડ્યાં છે.

પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ (૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે. ‘આમોદ’ (૧૯૭૮)માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ (૧૯૮૦) નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.

‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’ એ એમનાં શાળોપયોગી સંપાદનો છે.

જ્યોતિ રેખા (૧૯૩૪): સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ. એમાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘સુલોચનાનું લોચનદાન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘દાંપત્ય’ અને ‘સુવર્ણચદ્વારિકાનું સાગરનિમજજન’ એમ કુલ પાંચ ખંડકાવ્યો છે. દીર્ઘ રચનાઓ રૂપે પ્રસરેલાં આ કાવ્યોમાં ચુસ્ત શિલ્પવિધાનનો અભાવ છે. અપ્રતીતિકર ભાવાભિવ્યક્તિઓ અને છંદોનાં અસુભગ સંયોજનોને કારણે ઝાઝો પ્રભાવ ઊભો થતો નથી. શિથિલ બંધ છતાં એકંદરે શૈલી સ્વસ્થ અને ગંભીર છે.

ઇન્દ્રધનુ (૧૯૩૯): સુંદરજી બેટાઈનો, પાંચ વિભાગમાં વિભાજિત ૧૧૨ કાવ્યોનો સંગ્રહ. ‘પ્રયાણ’ નામક પ્રથમ ગુચ્છમાં જીવનની ગતિવિધિને લગતાં કેટલાંક સાદાં-સરળ સૉનેટ છે. કવિની વિચારદ્રષ્ટિ અને જીવનદ્રષ્ટિ ભાવનાપૂર્ણ છે અને તેનું નિરૂપણ ઠીક ઠીક મુખર છે. બીજા ગુચ્છ ‘પ્રણયમંગલ’નાં કાવ્યોમાં પ્રેમની વિવિધ અનુભૂતિઓ નિરૂપાયેલી છે. ‘ઇન્દ્રધનુ’ નામનું પુત્ર-વિયોગનું કાવ્ય કરુણપ્રશસ્તિ સ્વરૂપનું છે. અન્ય કાવ્યોમાં પ્રેમનાં પ્રત્યક્ષ સંવેદનો અને ભાવનાત્મક લાગણીઓનું આલેખન નોંધપાત્ર છે. ‘પ્રણયવૈષમ્ય’ નામના ગુચ્છમાં પ્રેમજન્ય વેદનાનું ગાન છે. ‘પ્રકૃતિદ્વારે’માં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે, તો ‘ઝાંઝરી’નાં ૨૭ કાવ્યોમાં રહસ્ય, અધ્યાત્મ અને સદભાવનાનું નિરૂપણ થયેલું છે. પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુનું નિરૂપણ કરતી આ સંગ્રહની કવિતાની પદાવલિ તત્સમ છે.

સદગત ચંદ્રશીલાને (૧૯૫૯): સુંદરજી બેટાઈ રચિત દીર્ઘ શોકપ્રશસ્તિ. નાના-નાના નવ ભાગોમાં વહેંચાયેલું, વિવિધ છંદોમાં લખાયેલું આ કાવ્ય અભિવ્યક્તિની તીવ્રતા, સૂક્ષ્મતા, ભાવની આર્દ્વસંયતતા, છંદ અને ભાષાની ભાવાર્થપૂર્ણ વિશદતા ધરાવે છે. પત્નીના અવસાનથી જન્મેલો શોક વર્ણવીને કવિ છત્રીસ વર્ષના દામ્પત્યજીવનની અનેક મધુર ક્ષણોને નિરૂપે છે. માથેરાન, ગોદાવરી, ગંગા-જમનાનો તટ, પૂનમની રાતો ને હૂંફાળી બપોરો આદિ સ્થળકાળ-સંદર્ભિત વિશેષ સંવેદનોને કવિ યાદ કરે છે. આ સૌની ઉપર તરી આવતો પ્રેમ કરુણના આવરણમાં વધુ ને વધુ સ્પર્શક્ષમ બને છે. વર્ણનોમાં ક્યાંક સ્થૂળતા કે સામાન્યતા આવી ગઈ છે, સિવાય કવિએ છંદોને સફાઈદાર રાખી તત્સમ પદાવલિ વડે ભાવાર્થની વ્યંજનાને જાળવી છે.

તુલસીદલ (૧૯૬૧): ‘વિશેષાંજલિ’ પછીનો સુંદરજી બેટાઈનો કાવ્યસંગ્રહ. આઠ- ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચોપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રનો સંસ્કાર ઝીલતી રચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. ‘સદગત ચન્દ્રશીલાને’ જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેનો વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતોમાં ‘પાંજે વતનજી ગાલ્યું’ નોંધપાત્ર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]