સુખલાલ સંઘવી

વિકિપીડિયામાંથી
સુખલાલ સંઘવી
પંડિત સુખલાલજી
જન્મની વિગત(1880-12-08)8 December 1880
મૃત્યુ2 March 1978(1978-03-02) (ઉંમર 97)
વ્યવસાયલેખક, ફિલસૂફ, સંપાદક, ભાષાશાસ્ત્રી

સુખલાલ સંઘજી સંઘવી (૮ ડિસેમ્બર ૧૮૮૦ - ૨ માર્ચ ૧૯૭૮) જેઓ પંડિત સુખલાલજી તરીકે જાણીતા હતા, ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક હતા.

જીવન[ફેરફાર કરો]

જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ.

સર્જન[ફેરફાર કરો]

‘ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે.

દર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) : પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]