લખાણ પર જાઓ

સુનીલ કોઠારી

વિકિપીડિયામાંથી
સુનીલ કોઠારી
જન્મસુનીલ કોઠારી
(1933-12-20)December 20, 1933
મુંબઈ, મહારાષ્ટ્ર
મૃત્યુDecember 27, 2020(2020-12-27) (ઉંમર 87)
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી, કુમાર સુવર્ણ ચંદ્રક

સુનીલ કોઠારી (૨૦ ડિસેમ્બર ૧૯૩૩ – ૨૭ ડિસેમ્બર ૨૦૨૦) એ ભારતીય શાસ્ત્રીય નૃત્યક્ષેત્રના મર્મજ્ઞ, ઇતિહાસકાર, લેખક તથા વિવેચક હતા.[][] તેમણે પદ્મશ્રી, કુમાર સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક જેવા સન્માનો મેળવ્યા હતા.

તેમનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૩૩ના દિવસે મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમને નૃત્યકલા પ્રત્યે આકર્ષણ જાગ્યું. તેઓ સિતારાદેવી, ગોપીકૃષ્ણ જેવા નૃત્યકારોની કલાથી વિશેષ પ્રભાવિત હતા. તેઓ ૧૯૫૬માં મુંબઈ વિશ્વવિદ્યાલમાંથી બી.કૉમ. થયા અને સાહિત્ય તથા સંસ્કૃતના વિષયો સાથે ૧૯૬૩માં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૪માં તેમણે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેમણે નૃત્યશૈલી તથા નાટ્યપરંપરાનો વિષય લઈ ‘ધ ડાન્સ-ડ્રામા ટ્રૅડિશન ઍન્ડ ધ રસ થિયરી’ વિશે મહાનિબંધ લખીને ૧૯૭૭માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી. ૧૯૮૬માં કોલકાતા ખાતેની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાંથી નૃત્યના વિષયમાં ડી.લિટ.ની પદવી પણ મેળવી. નૃત્યના અભ્યાસ માટે તેઓ સાત ભારતીય ભાષાઓ શીખ્યા હતા.[] ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે હૃદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું. []

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સળંગ ૪૦ વર્ષ સુધી નૃત્યકલા-સમીક્ષક હતા. તેમને ડાન્સર્સ ગિલ્ડ, મુંબઈના સ્થાપક મંત્રી (૧૯૬૩-૬૯), મુંબઈ ખાતેના ભારતીય વિદ્યા ભવનના ભવન્સ કલાકેન્દ્રના મંત્રી, મુંબઈની સૂરસિંગાર સંસદ સંસ્થાના વાર્ષિક નૃત્ય મહોત્સવોના કલાનિર્દેશક, ભારત સરકારના ઍડવાઇઝરી ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય, યુનેસ્કોની ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ ડાન્સના કારોબારી સમિતિના સભ્ય, તેમજ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય અને ભારતીય વિદ્યાભવન ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકેની કામગીરી પણ બજાવી હતી. ત્યારબાદ દિલ્હી ખાતેની સંગીત-નાટક અકાદમીમાં નૃત્ય વિભાગના મદદનીશ સચિવ તરીકે તેમણે સેવાઓ આપી. તેમણે રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી (જોરાસાંકો) ખાતે અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. ઉપરાંત રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના નૃત્ય વિભાગ (ઉદયશંકર પ્રોફેસર), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી-નવી દિલ્હી સ્કૂલ ઑફ આર્ટ્સ ઍન્ડ ઍસ્થેટિક્સ (ડીન તથા પ્રોફેસર) તથા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) (નૅશનલ પ્રોફેસર ઑફ ડાન્સ)માં સેવાઓ આપી છે. []

પરંપરાગત તથા શાસ્ત્રીય નૃત્યશૈલીનાં વિવિધ સ્થળો-કેન્દ્રોની મુલાકાત લેવા તેમણે ભારતભરમાં પ્રવાસ ખેડ્યો હતો. તેઓ મુંબઈ દૂરદર્શન પરથી નિયમિત કાર્યક્રમો આપતા. તેમણે ભારતનાં નૃત્યગુરુ-નૃત્યાંગના રુક્મિણીદેવી તથા નૃત્ય સંસ્થા - ‘કલાક્ષેત્ર’ અંગે દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી હતી. ફિલ્મ્સ ડિવિઝન માટે કમલાદેવી ચટ્ટોપાધ્યાય પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મ માટેનું લેખનકાર્ય તેમણે કર્યું હતું.[]

તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સ(ICCR)ના સલાહકાર સમિતિના સભ્ય; સંગીત-નાટક અકાદમીની જનરલ કાઉન્સિલના પૂર્વ સભ્ય; કાલિદાસ સન્માન પસંદગી સમિતિના સભ્ય; વિદેશમાં આયોજિત થતા ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ માટે નર્તકોની પસંદગી સમિતિના સભ્ય; ખજુરાહો ખાતે આયોજિત કરવામાં આવતા નૃત્ય-સમારોહો માટે નર્તકોની પસંદગી સમિતિના સભ્ય જેવા પદો એ સેવા આપી હતી. તેમણે એશિયન કલ્ચરલ કાઉન્સિલ ફેલોશિપ યોજના હસ્તક અમેરિકાની ન્યૂયૉર્ક યુનિવર્સિટીના નૃત્ય વિભાગમાં રેસિડન્ટ પ્રોફેસરનું પદ પણ તેઓ ધરાવતા હતા.[]

ડો. સુનીલ કોઠારી, ૨૦૧૪માં

તેમણે ‘છાઉ ડાન્સિઝ ઑફ ઇન્ડિયા’ (૧૯૬૮), ‘ભરતનાટ્યમ્’ (૧૯૭૯), ‘એપ્રિસિયેશન ઑફ ક્લાસિકલ ડાન્સિઝ ઑફ ઇન્ડિયા’, ‘ધ ડાન્સ-ડ્રામા ટ્રૅડિશન ઍન્ડ ધ રસ થિયરી’, ‘ડાન્સ ઍન્ડ ડાન્સર્સ’, ‘કથક’ (૧૯૮૯), ‘ઓડિસી’ (૧૯૯૦) તથા ‘કુચિપુડી’ જેવાં પુસ્તકો, નિબંધો અને અભ્યાસલેખો લખ્યા છે. ૨૦૦૫ સુધીમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ પર આધારિત તેમનાં ૧૨ પુસ્તકો પ્રકાશિત થયાં છે.[]

સન્માન

[ફેરફાર કરો]

નૃત્યક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ ૧૯૫૯માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો. આ ઉપરાંત તેમને ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ, કેન્દ્રીય સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ, ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ તથા અમેરિકાની ત્રણ યુનિવર્સિટીઓમાં નૃત્યવિષયક વ્યાખ્યાનો આપવા માટે ફુલબ્રાઇટ ફેલોશિપ પણ એનાયત કરવામાં આવ્યા હતા.[] ૨૦૧૨માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "કોઠારી – સુનીલ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-28. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. https://www.thehindu.com/news/national/dance-historian-sunil-kothari-dies-of-cardiac-arrest/article33429773.ece
  3. "محمد الوفا في ذمة الله". جريدة الصباح (અરબીમાં). મેળવેલ 2020-12-27. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "સુનિલ કોઠારીને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાશે". m.divyabhaskar.co.in. ૩૦ ઓગસ્ટ ૨૦૧૪. મૂળ માંથી 2015-01-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)