લખાણ પર જાઓ

હરકી પૈડી

વિકિપીડિયામાંથી
સંધ્યા સમયે હરકી પૈડી।
સંધ્યા સમયે હરકી પૈડી પર આરતી

હરકી પૈડી અથવા હરિકી પૈડી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં પવિત્ર ગંગા નદીને કિનારે આવેલી ધાર્મિક મહત્વ ધરાવતી નગરી હરદ્વાર ખાતે આવેલું મહત્વનું ધાર્મિક સ્થળ છે. હરકી પૈડીનો ભાવાર્થ "હરિ એટલે કે વિષ્ણુ ભગવાનના ચરણ" એવો કરવામાં આવ્યો છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્રમંથન પછી જ્યારે વિશ્વકર્માજી અમૃત માટે ઝઘડી રહેલા દેવ-દાનવોથી બચાવીને લઇ જઇ રહ્યા હતા, ત્યારે પૃથ્વી પર અમૃતનાં કેટલાક ટીપાં ઢોળાઇને પડ્યાં અને તે સ્થળો ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો બની ગયાં. અમૃતનાં ટીપાં હરદ્વારમાં પણ પડ્યાં અને જ્યાં આ ટીપાં પડ્યાં એ સ્થળ હરકી પૈડી હતું. આ ઘાટ ખાતે સ્નાન કરવાની હરદ્વારની યાત્રા કરવા આવેલા હર એક શ્રધ્ધાળુની સૌથી ચરમ ઇચ્છા હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.

હરકી પૈડીને બ્રહ્મકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પવિત્ર નગરી હરદ્વારનો મુખ્ય ઘાટ છે. એ હકીકત છે કે અહીંથી ગંગા નદી પહાડોમાંથી મેદાની ક્ષેત્રો તરફ ગતિ કરે છે. આ સ્થાન પર વહેતાં ગંગાના જળમાં પાપોને ધોઇ નાખવાની શક્તિ છે અને અહીં એક પથ્થરમાં વિષ્ણુ ભગવાનનાં પદચિહ્નો આ વાતનું સમર્થન કરે છે. આ ઘાટ ગંગા નદીની નહેરના પશ્ચિમી તટ પર સ્થિત છે, જ્યાંથી ગંગા નદી ઉત્તર દિશામાં વળી જાય છે. દરરોજ સાંજે સૂર્યાસ્તના સમયે સાધુ-સંન્યાસીઓ ગંગા આરતી કરે છે, એ સમયે નદીનું નીચે તરફ વહેતું જળ રોશનીયુક્ત દેખાય છે અને ભક્તો આ ભવ્યતા જોઇને ભાવવિભોર બની જાય છે. અહીં આ સમયે શ્રધ્ધાળુઓ દિવડાઓ પાણી પર તરતા મૂકવાનો લ્હાવો લે છે.

આ મુખ્ય ઘાટ ઉપરાંત અહીં નહેરના કાંઠા પર નાના નાના અનેક ઘાટો આવેલા છે. થોડા થોડા અંતરે સંત્રી તેમ જ સફેદ રંગના જીવનરક્ષક ટાવર મુકવામાં આવ્યા છે, જે સ્નાન કરી રહેલા શ્રધ્ધાળુઓ પર પાણીના પ્રવાહમાં વહી ન જાય તે માટેની વ્યવસ્થા છે.

હરકી પૈડી ઇ.સ. ૧૮૮૦ના વર્ષમાં
હરકી પૈડી ઇ.સ. ૧૮૮૦ના વર્ષમાં

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]