લખાણ પર જાઓ

વ્યાસ

વિકિપીડિયામાંથી
2401:4900:361d:7e2f:e775:845e:7182:a594 (ચર્ચા) દ્વારા ૨૧:૦૪, ૨૯ જુલાઇ ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
વ્યાસ
મહર્ષિ વ્યાસ મહાભારત લખે છે
અંગત
જીવનસાથીપિંજલા
બાળકોઉત્તરથી શુક (શુકદેવ), પૂર્વથી ધૃતરાષ્ટ્ર, ઈશાનથી પાંડુ, પશ્ચિમથી વિદુર
માતા-પિતા
સન્માનોગુરુ પૂર્ણિમાનો તહેવાર, કે જે ક્યારેક વ્યાસ પુર્ણિમા તરીકે પણ ઓળખાય છે તે વ્યાસ દેવના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વ્યાસ (સંસ્કૃત: व्यास) હિંદુ ધર્મના મહાન ઋષિ છે. તેઓ ઋષિ પરાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પુત્ર છે. તેમણે સાંપ્રત મન્વંતરમાં વેદોનું વિભાજન કર્યું હોવાથી વેદવ્યાસ અને જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા એક દ્વિપ પર જન્મ્યા હોવાથી કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. તેમને વેદ અને તેની પછીની પૂર્તિઓ જેમકે પુરાણ આદિના રચયિતા તરીકે વંદનીય માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં તેમને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેઓ વિશ્વના સાત ચિરંજીવી (અમર)માંનાં એક છે.

મહાભારતમાં

[ફેરફાર કરો]

વ્યાસ સૌ પ્રથમ વખત [મહાભારત]]ના લેખક અને એક મહત્ત્વપૂર્ણ પાત્ર તરીકે સામે આવે છે. તેઓ સત્યવતી (એક નાવચાલક કે માછીમારની પુત્રી) અને એક વિચરતા સાધુ પરાશરના પુત્ર હતા. તેમનો જન્મ યમુના નદીના એક દ્વીપ પર થયો હતો, તે સ્થળ અત્યારના ઉત્તર પ્રદેશના જલાઉ જિલ્લામાં માનવામાં આવે છે. ઘણા એમ પણ માને છે કે તેઓ અત્યારના ઉત્તર ઓરિસ્સામાં આવેલી કોયલ શંખા અને બ્રાહ્મણી નદીના સંગમ પર વસેલા રાઉરકેલામાં જન્મ્યાં હતા, તે જગ્યાનું નામ તેમના નામથી વેદવ્યાસ રાખવામાં આવ્યું હતું. તેઓ શ્યામ વર્ણના હોવાથી તેમને કૃષ્ણ અને દ્વીપ પર જન્મેલા હોવાથી દ્વૈપાયન એમ "કૃષ્ણ દ્વૈપાયન" તરીકે ઓળખાયા.

વ્યાસ કૌરવો અને પાંડવોના દાદા હતા. વિચિત્રવીર્યએ દત્તક લીધેલા ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેને તેમણે ઉછેર્યાં. દાસી થકી તેમને એક અન્ય પુત્ર પણ હતો જેનું નામ વિદુર હતું.

વેદવ્યાસ

[ફેરફાર કરો]

પરંપરાગત રીતે માનવામાં આવે છે કે વ્યાસે એકેકા મોટા વેદને ચાર ભાગમાં વર્ગીકૃત કર્યાં. આથી તેઓ વેદ વ્યાસ અર્થાત્ 'વેદોના વિભાજક' તરીકે ઓળખાયા. આ વિભાજનથી વેદોના જ્ઞાનને વધુ લોકો સમજી શક્યાં. વ્યાસનો અર્થ છે વહેંચવું/જુદા પાડવું અથવા વર્ણવવું.

વિષ્ણુ પુરાણમાં વ્યાસ વિષે એક રસપ્રદ વાત કહેવાઈ છે. વિશ્વ વિષેની હિંદુઓની માન્યતા એવી છે કે આ વિશ્વનો પરંપરાથી જન્મ અને વિલય થતો રહે છે. આવા દરેક ચક્રમાં મનુઓ હોય છે દર એક મન્વંતરનો એક. તેમાં ચાર યુગો હોય છે જેમાં ગુણોનો લોપ થતો રહે છે. દ્વાપર યુગ આમાંનો ત્રીજો યુગ છે. (વિષ્ણુ પુરાણ ૩.૩) દર ત્રીજા યુગમાં વિષ્ણુ પોતે વ્યાસ સ્વરૂપે માનવ જાતના કલ્યાણ માટે વેદોનું વિભાજન કરે છે. આ યુગના માનવીઓની મર્યાદિત ખંત શક્તિ અને નૈતિકમૂલ્યોનો ઉપયોગ તેમને સમજવાની ક્ષમતા અનુસાર તેમણે વેદ વ્યાસ રૂપે વેદના ચાર ભાગ કર્યાં. વર્તમાન મન્વંતર અને તેની શાખાઓ જ્યાં તેઓ શિખ આપતાં તેમનો પણ હિસાબ ઉપલબ્ધ છે. વૈવસ્વત મન્વંતરમાં ૨૮ વખત વેદોને મહાન ઋષિઓ દ્વારા ગોઠવવામાં આવ્યાં છે અને ત્યાર પછી આઠ અને પછી વીસ વ્યાસ દેવ થયા જેમણે વેદને ચાર ભાગમાં વહેંચ્યા. પહેલું વિભાજન સ્વયંભુ (બ્રહ્માજી પોતે) દ્વારા અને દ્વીતિય વિભાજન પ્રજાપતિ. અને તે રીતે ૨૮ વખત.

મહાભારતના રચયિતા

[ફેરફાર કરો]

પરંપરાથી વ્યાસ આ મહાકાવ્યના રચયિતા તરીકે ઓળખાય છે. પણ તેઓ આમાં એક મહત્ત્વનું પાત્ર પણ છે. તેમની માતાએ પાછળથી હસ્તિનાપુર નરેશ સાથે લગ્ન કર્યું હતુ અને તેમને બે પુત્ર થયાં. આ બંને પુત્રો વારસ વગર મરણ પામ્યા. આથી પ્રાચીન નિયોગ પરંપરા અનુસાર જો વ્યક્તિ નિઃસંતાન મૃત્યુ પામે તો કોઈ પુરુષ તેની વિધવાના સંતાનનો પિતા થઈ શકે. વ્યાસની માતાએ તેમને પુત્રના વીર્ય વતી તેની વિધવા પત્નીઓ અંબિકા તથા અંબાલિકા દ્વારા સંતાન ઉત્પતિની વિનંતિ કરી. અને આ રીતે તેમેને બે રાજકુમાર જન્મ્યા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ.

વ્યાસે અંબિકા તથા અંબાલિકાને તેમની પાસે એકલા આવવા જણાવ્યું. પહેલાં અંબિકા આવી પણ લજ્જા અને ભય ને કારણે તેણે પોતાની આંખો મીચી દીધી. વ્યાસે સત્યવતીને કહ્યું તેનું બાળક આંધળુ જન્મશે. પાછળથી આ બાળકનું નામ ધૃતરાષ્ટ્ર રાખવામાં આવ્યું. હવે સત્યવતીએ અંબાલિકાને મોકલી અને શાંત રહેવા જણાવ્યું. પણ ભયની મારી તેનો ચહેરો ફીક્કો પડી ગયો. વ્યાસે તેને કહ્યું કે આ બાળક ક્ષય રોગથી પીડાશે અને તે રાજ્ય ચલાવવા અયોગ્ય થશે. આ બાળકનું નામ પાંડુ રાખવામાં આવ્યું. વ્યાસે પાછળથી સત્યવતીને ફરી એક વખત કોઈ એકને મોકલવા લખ્યું જેથી સ્વસ્થ બાળક જન્મી શકે. આ વખતે અંબિકા એ તેમના સ્થાને તેમની દાસીને મોકલી આપી. દાસી ઘણી જ શાંત અને સ્વસ્થ રહી અને તેને સ્વસ્થ બાળક જન્મ્યું જેનું નામ વિદુર પાડવામાં આવ્યું.

આ ત્રણે જો કે તેમના કાયદેસરના પુત્ર ન હતા, તેમને પોતાની પત્ની પિંગળા (જાબાલે ઋષિની પુત્રી)થી શુક નામનો પુત્ર હતો જેને તેમનો ખરેખરનો આધ્યાત્મિક વરસદાર મનાય છે. આમ તે મહાભારતમાં લડનારા બંને પક્ષ પાંડવો અને કૌરવોના દાદા હતા. તેઓ કથામાં પ્રસંગોપાત યુવરાજોના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પ્રગટ થાય છે. મહાભારતના પ્રથમ સ્કંધમાં એવું વર્ણન છે કે વ્યાસજીએ ગ્રંથ લખવા માટે ગણેશજીની મદદ માંગી પણ ગણેશજી એ શરતે મદદ કરવા તૈયાર થયા કે વ્યાસજીએ ક્યાંય અટક્યા વગર કથાનું વર્ણન કરવું. વ્યાસજીએ સામી શરત રાખી કે ગણેશજીએ સાંભળેલી ગાથાને સમજ્યા પછી જ લખવી. આ વાત પરથી એ સમજી શકાય છે કે મહાભારતના અમુક પદ શા માટે અત્યંત ગૂંચવણ ભર્યા છે. જ્યારે ઋષિને વિરામ જોઈતો હોય ત્યારે તેઓ એક અઘરું પદ મૂકી દેતાં.

વ્યાસ રચિત જય

[ફેરફાર કરો]

વ્યાસની જય મહાભારતના કેન્દ્ર ધૃતરાષ્ટ્ર (કુરુ રાજા કૌરવોના પિતા જેઓ કુરુક્ષેત્રમાં પાંડવોના વિરોધી હતાં) અને સંજય તેમનો સલાહકાર અને સારથિ વચ્ચેના સંવાદ સ્વરૂપે છે. સંજય કુરુક્ષેત્રમાં ૧૮ દિવસ લડાયેલા યુદ્ધની પ્રત્યેક ઘટનાનું વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્ર કોઈક વાર પ્રશ્નો અને શંકા પૂછે છે ક્યારેક યુદ્ધ દ્વારા થનારા પોતના પુત્રો મિત્રો અને સંબંધીઓના વિનાશ પર વિલાપ કરે છે. સંપૂર્ણ ભારતવર્ષને વિનાશક એવા યુદ્ધનું પોતે એક કારણ છે તે જાણી પોતાને દોષિત માને છે. શરુઆતમાં સંજય પૃથ્વીના વિવિધ ખંડ અને અન્ય ગ્રહોની માહિતી આપે છે. છેવટે તે પોતાનું ધ્યાન ભારતવર્ષ પર કેંદ્રીત કરે છે. તે પ્રત્યેક રાજ્ય પ્રાંત શહેર નગર ગામડાં નદીઓ પર્વતો વગરેની માહિતી આપે છે. તે દરેક દિવસે બન્ને સેનાઓ દ્વારા અપનાવાયેલી વ્યુહ રચના દરેક યોદ્ધાની વીરગતિની અને યુદ્ધની અન્ય માહિતી આપે છે. હિંદુઓનો પવિત્ર ગ્રંથ ભાગવદ ગીતા વ્યાસના જયના ૧૮ પ્રકરણમાં છે. આમ વ્યાસની કૃતિ જય ભૂગોળ, ઇતિહાસ, યુદ્ધકૌશલ, ધર્મ અને મૂલ્યો જેવા વિવિધ વિષયોને સ્પર્શે છે.

હિંદુ પંચાગના અષાઢ માસની પૂર્ણિમા ગુરુ વંદનાને સમર્પિત છે. આ પવિત્ર તિથી ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. અનેક ધર્મવિલંબીઓ માટે એ જિજ્ઞાસા છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એનો જવાબ પણ પૌરાણિક માન્યતાઓ અનુસાર મળે છે.

પહેલું કારણ એ છે કે આ દિવસે હિંદુ ધર્મના પ્રમુખ રુષિ વેદ વ્યાસનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. સાધારણ રીતે ધર્મથી જોડાયેલા લોકો રુષિ વેદવ્યાસને માત્ર મહાભારતના રચયિતા માને છે. પરંતુ તેઓ હિંદુ ધર્મ ગ્રંથ જેમાં વેદ, પુરાણ પણ શામિલ છે તેનું સંકલન અને સંપાદન પણ કરી ચુક્યા છે. તેમાં પ્રમુખ રુપે ચાર વેદ યજુર્વેદ, રુગ્વેદ, સામવેદ અને અથર્વવેદ તથા ૧૮ પુરાણ, મહાભારત અને તેનો એક ભાગ ભગવદ્ ગીતા પણ શામેલ છે. તેમણે પૌરાણિક કથાઓ દ્વારા વેદ, સાર અને ધર્મ ઉપદેશોને આમ જનતા સુધી પહોંચાડ્યા છે.

વ્યાસ પૂર્ણિમાના શુભ દિવસે માત્ર વેદવ્યાસનો જન્મદિવસ નથી પણ માન્ચતા એ પણ છે કે આ પાવન દિવસે વેદ વ્યાસે આ ચારેય વેદનું લેખન અને સંપાદન પુરું કર્યું હતું. આ કારણે જ એ પાવન દિવસને વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. ઋષિ વેદવ્યાસે શ્રી ગણેશની સહાયતાથી ધર્મગ્રંથોને પહેલી વાર ભોજપત્ર પર લખ્યા. એટલા માટે જ તેમણે એકાંત સ્થળને પસંદ કર્યું. ત્યાર બાદ તેમણે દિવ્ય જ્ઞાન અને ભગવાન શ્રી ગણેશ સાથે ધર્મ અને જીવન સાથે સંકળાયેલી વાતોને ધર્મગ્રંથોમાં ઉતાર્યા. જે પૂર્વે માત્ર સાંભળવામાં આવતા હતા. રુષિ વેદવ્યાસ, વેદ અને ધર્મના રહસ્યોને પહેલી વાર લેખિત સ્વરુપે જગત સામે લાવ્યા. જેનાથી જગતના ધર્મો અને બ્રહ્મ દર્શનને ઉંડાઈથી સમજી શકાય. તેમના દ્વારા દર્શાવવામાં આવ્યું કે ધર્મ દર્શન અમર અને ઉન્નતિ પ્રેરક છે. જે પુરાતન કાળથી જ જીવનમાં ધર્મનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.મહાગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ‍ વેદવ્‍યાસને આપણા પૈરાણિક ગ્રંથોમાં ભગવાન વેદવ્‍યાસ તરીકે પણ સંબોધવામાં આવેલ છે. જેમ આ સૃષ્ટિના સર્જનહાર ઈશ્‍વર સર્વ તત્‍વોમાં સમાયેલા છે. તેમ સમગ્ર સૃષ્ટિનું એવું એકપણ તત્‍વસ્‍થાન નથી જે મહાભારતમાં ન હોય એટલે જે જે મહાભારતમાં નથી તે કયાંય નથી ની ઉકિત જાણીતી છે. આ મહાભારત એક મહાન જ્ઞાનકોષ પણ છે જેને ભારતીય સંસ્‍કૃતિમાં પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારત દ્વારા મહર્ષિ‍ વેદવ્‍યાસે માણસે કેવું આચરણ કરવું જોઈએ તે દશાર્વવા પાંડવો તેમજ કૃષ્‍ણાનું ચરિત્ત આપણી સમક્ષ રજુ કર્યુ અને કેવું આચરણ ન કરવું જોઈએ, તે દર્શાવવા માટે કોરવોનું ચરિત્ર આલેખ્‍યું છે.

મહર્ષિ વેદવ્‍યાસ મહાભારતના જે કથાનકનું ઉદબોધન આપતા જે પીઠ ઉપરથી આપતા તે પીઠ વ્‍યાસપીઠ તરીકે ઓળખાય છે. આ પવ્‍યાસીઠ ઉપર બેસીને સંસ્‍કૃતિની ઉપાસના અને સેવા કરનાર વ્‍યાસની પૂજા એટલે કે વ્‍યાસપીઠની પૂજા અષાઢ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે. મહામુનિ વેદવ્‍યાસના જ્ઞાનનો જોટો ભારતીય સંસ્‍કૃતિમાં ઠીક વૈશ્વિકસ્‍તરે પણ મળવો મુશ્‍કેલ છે. કોઈપણ સાહિત્‍યકારોની રચનાઓ જોઈએ તો જીવન પ્રત્‍યેનો એક જ પ્રકારનો દ્રષ્ટિકોણ જોવા મળશે, હકારાત્‍મક અથવા નકારાત્‍મક વ્‍યકિતના સદગુણો અથવા દુર્ગુણો. પરંતુ વ્‍યાસજીએ તેમની રચનાઓમાં જીવનમાં રહેલા દરેક પાસાઓ વણી લીધેલા છે. પ્રકાશ, અંધકાર, ભરતી-ઓટ, સુખ-દુઃખ અને આ બંને વચ્‍ચે રહેલું પરીવર્તન શ્રી વેદવ્‍યાસે મહાભારતની પોતાની રચનામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે હકારાત્‍મક બાજુએ હોવાંછતાં તેઓમાં રહેલી ત્રીટીઓ દર્શાવી છે તે જ રીતે દુર્યોધન, દુઃશાસન કે કર્ણ જેવા નકારાત્‍મક પાત્રોમાં રહેલ સદગુણો બતાવવાનું પણ ચૂકયા નથી. બીજી બાજુ ભીષ્‍મ પીતામહ જેવા વિદ્ધાન, હંમેશા સત્‍યનો પક્ષ લેનાર પ્રતાપી પુરૂષ નકારાત્‍મક બાજેએ હોઈ, તેની સામે અર્જુનને યુધ્‍ધ કરવા જણાવે છે. આમ દરેક વ્‍યકિત માત્રના જીવનમાં રહેલી સંપૂર્ણતા અને અપૂર્ણતાનું આપણને દર્શન કરાવે છે.

જે રીતે ન્‍યાયાલયમાં ન્‍યાય આપનાર ન્‍યાયધિશ ને ચોક્કસ યોગ્‍યતા હોય તો જ ન્‍યાયની ગાદી ઉપર બેસી શકે તેવું જ સ્‍થાન વ્‍યાસપીઠનું છે. તે જે સાહિત્‍યનું વ્‍યાસપીઠ ઉપર બેસીને જ્ઞાન આપવાની છે તે સાહિત્‍ય વિશે સંપૂર્ણ જ્ઞાન હોવું વ્‍યાસપીઠ ઉપર બેસવાની પહેલી યોગ્‍યતા છે. કથામાં રહેલા પાત્રો સાથે તેને વ્‍યકિતગત્ રીતે કોઈ પ્રિયભાવ કે દ્વેષ ભાવ ન હોવાં જોઈએ. કથા ઉદબોધનનો એકમાત્ર હેતુ સમાજનું હિત હોવું જોઈએ.

મહર્ષિ વેદવ્‍યાસ સર્વગુણસંપન્‍ન ગુરૂ હતા. આવા મહાન ગુરૂને અર્દ્ય આપવા જ વ્‍યાસપૂજાની શરુઆત થઈ જે ખરેખર ગુરૂપૂર્ણિમા તરીકે જ ઉજવાય છે.

ઉગ્રાશ્રવ સૌતીનું મહાભારત

[ફેરફાર કરો]

ઉગ્રાશ્રવ સૌતિ, જે સૌનક ઋષિની સભામાંના વ્યાવસાયિક કથાકાર હતાં, દ્વારા વ્યાસની કૃતિના અંતિમ તબક્કાને મહાભારત નામે વર્ણનાત્મક રૂપ આપવાઅમાં આવ્યું. ભરત અને જય સાથે સમાવી મહાભારતની રચના થઈ.

મહાભારતના પૂરાણા ભાગો લગભગ ઈ.સ. પૂર્વે ૪થી સદીના માનવામાં આવે છે, જ્યારે ભારતમાં લેખનની શરૂઆત થઈ હશે એવું અમુક ઇતિહાસકારો માને છે [સંદર્ભ આપો]. જોકે અમૂક એવા પુરાતાત્વીક અવશેષો (જેવા કે સ્ટૈલિ અને ચિતરેલા રાખોડી પાત્ર) મળ્યાં છે જે લગભગ ઈ.સ. પૂર્વે ૭૦૦ થી ૧૧૦૦ જેટલાં જૂના છે. બ્રાહ્મી લીપીના વપરાશના પુરાવા પણ ઓછામાં ઓછા લગભગ ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ જેટલાં જૂના માનવામાં આવે છે. લેખનનો સૌપ્રથમ વખત ઉપયોગ કરાતા હોવાથી મહાભારત લખવામાં ગણપતિ દ્વારા અનુભવાયેલી કઠણાઈ વાસ્તવિક હોવાની પૂરેપૂરી શક્યતા છે, કેમકે લેખનકળા તેમની માટે નવતર હોય અને પાઠક ખૂબ જ ઝડપથી અવિરત પઠન કરતા હોય. પાઠક માટે પણ થોભીથોભીને બોલવું શક્ય ન હતું કેમકે તેઓને સ્મૃતિમાં આવતી અને તેઓ પઠન કરતાં. પ્રાચીન કાલીન ભારતમાં અમુક રાજ્યોમાં રાજા રાજ્ય કરતાં જ્યારે અમુક રાજ્યોમાં લોકો દ્વારા નિયુક્ત સત્તાધીશ એટલેકે ગણપતિ દ્વારા રાજ્ય ચલાવાતું. કુમ્ભોજ અને અમુક હદે દ્વારકા આવા જનપદ કે પ્રજસત્તક હતાં. ગણપતિ કે જેમણે મહાભારતનું લેખન કાર્ય કર્યું તે આવી જ કોઇ લેખન કળામાં પ્રશિક્ષિત વ્યક્તિ હોવી જોઈએ.

પુરાણોમાં

[ફેરફાર કરો]

ભલે બધાં નહિ પણ ૧૮ જેટલાં પુરાણ લખવાનું શ્રેય પણ વ્યાસે મેળવ્યું છે. ભાગવત પુરાણ નામના મહત્ત્વપૂર્ણ પુરાણના સૂત્રધાર તેમના પુત્ર શુક હતા.

ભાગવત પુરાણના ૧૧મ અધ્યાયમાં લખ્યું છે : એક વખત વિશ્વામિત્ર, આસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રી, વસિષ્ઠ, આદિ સાધુગણ નારદમુની સહિત યદુકુળના રાજા કૃષ્ણના ઘરે ઊતર્યાં હતાં. યદુકુળના બાળકો રમતાંરમતાં તેમની પાસે આવ્યાં. તેમાં જામ્બવતીના પુત્રે સ્ત્રીના વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના પગે પડી ઢોંગ કરતાં ઉદ્ધતાઈથી પૂછ્યું : આ કાળી આંખોવાળી ગર્ભવતી સ્ત્રીને પુત્રની ઈચ્છા છે. ઓ જ્ઞાની મહાત્મા તેને જાતે પૂછતાં શરમ આવે છે માટે આપની દિવ્ય દ્રષ્ટીથી શું આપ કહેશો કે તે પુત્રને જન્મ આપશે કે નહિ ! સાધુઓ આવી મજાકથી છંછેડાઈ ગયાં અને કહ્યું : હે રાજન તે એક ગદાને જન્મ આપશે જે આખા કુળનો નાશ કરશે.

બૌદ્ધ ધર્મમાં

[ફેરફાર કરો]

બૌદ્ધત્વમાં વ્યાસ કાન્હા-દિપાયન (તેમના નામનો પાલી અનુવાદ) તરીકે કાન્હા-દિપાયન જાતક અને ઘટ જાતક એવી બે કથાઓમાં આવે છે. પહેલામાં તે બોધિસત્વ તરીકે પ્રગટ થાય છે. જો કે તેનો તેમણે રચિત હિંદુ રચનાઓ સાથે કોઈ સંબંધ નથી. પછીનામાં મહાભારતની એક મહત્ત્વપૂર્ણ ઘટનાને સમાંતર છે.

મૌસલ પર્વના ૧૬મા પુસ્તક વૃશ્ણિઓ (વ્યાસના નામેરી અને વિષ્ણુના અવતાર કૃષ્ણના અનુગામીઓ)નો અંતનું વર્ણન આપેલ છે. એક દિવસ વૃષ્ણી કુમારોએ વિશ્વામિત્ર કણ્વ અને નારદ મુનીને દ્વારિકા આવતાં જોયાં, તેમના હાથમાં દંડ જોઈને તે વીરોએ સમ્બને સ્ત્રી રૂપ ધારણ કરાવી અને મુનીઓ તરફ આવ્યાં અને કહ્યું : હે ઋષિઓ અમર્યાદિત શક્તિના ધારક વભૃની આ પત્ની પોત્ર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. શું તમે ખાત્રી પુર્વક ભાખી શકશો કે આ વખતે કોનો જન્મ થશે? આ રીતે તેમની સાથે પ્રપંચ થવાથી ઋષીઓએ કહ્યું : વાસુદેવનો વંશજ શમ્બ એક અગ્નિશીલ લોખંડનો મસળિયો પેદા કરશે જે વૃશિણિ અને અંધકોનો નાશ કરશે. ઘાત જાતકમાં આ જ વાતને અન્ય વળાંક છે. વૃશિણિઓ કુમારો કન્હા-દિપાયનની શક્તિઓને ચકાસણી કરવા માંગતા હતાં અને તેથી તેમણે સંતની ટિખળ કરી. તેમણે યુવાન કુમારના પેટ પર તકિયો બાંધ્યો અને તેને ઋષી પાસે લઈ જઈ પૂછ્યું કે બાળકનો જન્મ ક્યારે થશે ? તેમણે જવાબ આપ્યો કે આજથી સાતમા દિવસે તેમની સામે ઉભેલી વ્યક્તિ અકીકના વૃક્ષની ગાંઠને જન્મ આપશે, જે વાસુદેવના કુળનો નાશ કરશે. યુવાનો તેમની ઉપર લપકી પડ્યાં અને તેમની હત્યા કરી. પણ છેવટે તેમની વાણી સત્ય પડી. નોંધવા જેવી વાત છે કે ઘાત જાતકમાં તેઓ બોધિસત્વ નથી.

બ્રહ્મસૂત્રના રચયિતા

[ફેરફાર કરો]

બ્રહ્મ સૂત્રની રચના બદ્રાયનને ફાળે છે. જે હિદુ પરંપરાનો સર્વોચ્ચ રત્ન- વેદાંતના રચેતા તરીકે શિરપાવે છે. જે દ્વીપ પર વ્યાસનો જન્મ થયો તેની પર બાદરના ઘણાં વૃક્ષો હોવાથી તેઓ બદ્રાયન (બાદરાયણ) તરીકે ઓળખાયા. ભલે પારંપારિક રીતે એમ મનાય છે કે બદ્રાયન એટલે કે વ્યાસે જ સૂત્રોની રચના કરી છે પણ ઘણાં ઇતિહાસકારો માને છે કે તે બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે.

યોગ ભાષ્યના રચયિતા

[ફેરફાર કરો]

પતંજલીએ દ્વારા રચિત યોગ સૂત્ર પર ટિપ્પણિ રૂપે છે. આની રચનાનું શ્રેય પણ વ્યાસને મળે છે પણ આ વાત અશક્ય બને જો વ્યાસ ચિરંજીવી ન હોય. કેમકે આ રચના ખૂબ પાછળથી રચાઈ.

સ્ત્રોત

[ફેરફાર કરો]
  • Mahabharata of Krishna Dwaipayana Vyasa, English translation by Kisari Mohan Ganguli

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]