કપાલભાતિ

વિકિપીડિયામાંથી

કપાલભાતિ એટલે ભાલપ્રદેશ - કપાળ તેજસ્વી બનાવવાવાળી - ચમકાવવાવાળી ક્રિયા. આ ક્રિયામાં શ્વસનતંત્ર તથા તેની સાથે જોડાયેલા નાડી તંત્ર વડે કામ લેવામાં આવે છે. કપાલભાતિ ત્રણ પ્રકારે થાય છે અને ત્રણેય પ્રકારમાં શ્વસન માર્ગ સાફ કરવામાં આવે છે. વિશેષ પ્રકારે કરવામાં આવતી આ ક્રિયા, ઐચ્છિક શ્વસન ક્રિયાનું વિશિષ્ટ રૃપ છે. આમાં પૂરક તથા રેચક જલદી જલદી અને જોરથી એક પછી એક કરવામાં આવે છે. કપાલભાતિમાં શ્વાસ લેવાની ક્રિયા કોઈ પણ પ્રયત્ન કર્યા સિવાય આપમેળે જ થાય છે, પરંતુ શ્વાસ છોડવાની ક્રિયા (રેચક) વિશેષ પ્રયત્નપૂર્વક અને જોરથી કરવી પડે છે. લુહારની ધમણની જેમ તીવ્ર ગતિથી રેચક પૂરક કરવાથી કપાલભાતિ થાય છે.

રીત[ફેરફાર કરો]

કપાલભાતિના અભ્યાસમાં પદ્માસનમાં જ બેસવું કારણ કે કપાલભાતિ શ્વાસોચ્છ્વાસની તીવ્ર ક્રિયા છે. પદ્માસનમાં સ્થિર સ્થિતિમાં બેઠા પછી બંને હાથ ઢીંચણ પર ધ્યાનમુદ્રામાં ગોઠવો. શરીર જ આગળ નમાવો. કમરથી ઉપરનું શરીર મસ્તક સહિત સીધી રેખામાં રાખો જેથી શ્વસન ક્રિયામાં કોઈ અવરોધ ન થાય. શ્વાસ અંદર લેતી વખતે છાતી જે પ્રમાણે ફૂલે છે, એ જ પ્રમાણે છાતીને ફૂલાવેલી અવસ્થામાં ઉપર ઉઠાવી રાખો. પેટ ઢીલું રાખો. કપાલભાતિમાં શ્વાસ લેવા તથા છોડવા એટલે કે પૂરક તથા રેચકમાં માત્ર પેટની જ હલચલ થાય એટલે કે છાતીની હલચલ જરા પણ કરવાની નથી. કપાલભાતિ એ પ્રાણાયામ નથી, પરંતુ શ્વાસોચ્છ્વાસની એક ક્રિયા છે. હવે પૂરકમાં શ્વાસ લેવાની ક્રિયા પૂરી થવાની સાથે જ પેટને અંદર તરફ (નાભિ પાસે થોડો નીચે) ધક્કો દો. આમ કરવાથી પેટની માંસપેશીઓ સંકોચાશે. આ દરમિયાન હવાને જોરથી નાક દ્વારા બહાર ફેંકો. જેવી રીતે નાક સાફ કરતી વખતે આપણે (એક નાસિકાથી) કરીએ છીએ તેમ અર્થાત્ જેટલી હવા અંદર લીધી હતી, તેટલી જ હવા બહાર નીકળશે. કપાલભાતિમાં હવાની અવરજવરમાં કોઈ અવરોધ આવતો નથી. શ્વસન માર્ગ પૂરેપૂરો ખુલ્લો રહે છે, પણ હવા જોરથી બહાર જવાના કારણે ‘ફરસ’ એવો અવાજ આવે છે. હવે દબાયેલા પેટને તરત ઢીલું છોડી દો અને આ સમયે પૂરક થવા દો. ફરીથી એટલે સેકંડ માટે કપાલભાતિ કરો. ધીરે ધીરે જે જરૃરી છે તે એટલે કે એક મિનિટમાં આપ ૧૨૦ વખત પૂરક અને રેચક કરી શકશો.

વૈજ્ઞાનિક સંશોધન[ફેરફાર કરો]

સામાન્ય શ્વસનક્રિયામાં એક મિનિટમાં ૧૪ થી ૨૦ વખત શ્વાસ લેવામાં આવે છે. દરેક વખતે લગભગ ૫૦૦ મિ.લી. (ટાયકલ ફાલ્યુમ) હવા લેવામાં તથા છોડવામાં આવે છે, પરંતુ કપાલભાતિમાં પૂરક રેચકમાં ૧૫૦ થી ૨૦૦ મિ.લી. હવા છોડવામાં આવે છે, પરંતુ ગતિ ૧૨૦ની હોવાના કારણે ૨૧ થી ૨૩ લિટર હવા ૧ મિનિટમાં લેવામાં તથા છોડવામાં આવે છે. પેટની પેશીઓ વિ.નું કાર્ય વધવાથી, પ્રાણવાયુ વધુ ખર્ચાય છે અને કાર્બન ડાયોકસાઈડ વધુમાં વધુ બહાર ફેંકાય છે એટલે કે કપાલભાતિમાં ૧૦ થી ૧૫ ટકા પ્રાણવાયુ વધુ લેવાય છે.

લાભ[ફેરફાર કરો]

કપાલભાતિમાં હાથપગ તરફ જતો રક્તપ્રવાહ બદલાય છે અન તે પેટની પેશીઓ તથા અંગો તરફ જાય છે. નાભિ પ્રદેશને વધુ પ્રમાણમાં રક્ત મળે છે. જઠરાગ્નિ વધે છે. આળસ તેમ જ થાક દૂર થાય છે. ક્રિયા પછી હળવાશ અને તાજગી અનુભવાય છે. માનસિક શાંતિ મળે છે. મન સ્થિર તેમ જ એકાગ્ર બને છે. ધ્યાન અંદર તરફ વળે છે. દિવસભર ર્સ્ફૂિત જળવાઈ રહે છે અને લાંબા સમયના અભ્યાસ બાદ કપાળ-ચહેરા પર એક અનોખું તેજ ઝળકવા લાગે છે.

સૂચનો[ફેરફાર કરો]

કપાલભાતિ કરતી વખતે આંખો બંધ રહે તે વધુ સારું છે. રેચક સમયે હવાનું ઘર્ષણ ગળાની અંદર, તળિયા પાસે ન થવું જોઈએ. તેમ થશે તો શુષ્કતા અને બળતરા થશે. નાસાગ્રની અંદર થોડે ઉપર હવાનું ઘર્ષણ ઠીક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • સંદેશ વર્તમાનપત્ર ના સંગ્રહ માથી