કુંતી

વિકિપીડિયામાંથી

કુંતી (સંસ્કૃત: कुंती) પ્રથમ ત્રણ પાંડવોની માતા તથા વસુદેવનાં બહેન હોવાથી શ્રી કૃષ્ણના ફોઇ હતા. શ્રીમદ્ ભાગવતમ્ માં કુંતીનો ઉલ્લેખ જોવા મળે છે. કૃષ્ણ ભક્તો માટે કુંતીનું અનન્ય મહત્વ જોવા મળે છે.

જન્મ તથા ઉછેર[ફેરફાર કરો]

યદુવંશનાં રાજા સુરસેન તેમના પિતા હતાં અને તેમનું નામ પૃથા પાડવામાં આવ્યું હતું. આમ તે શ્રી કૃષ્ણના પિતા વસુદેવની બહેન હતી. રાજા સુરસેને તેમનાં મિત્ર રાજા કુંતીભોજ કે જે નિઃસંતાન હતાં તેમને દત્તક આપી હતી માટે તે પાછળથી કુંતી તરીકે ઓળખાઈ. તેના આગમન પછી કુંતીભોજને બાળકો જન્મ્યા. તે કુંતીને તેમના સદ્દભાગ્યનું કારણ માનતા અને લગ્ન પર્યંત તેની સંભાળ રાખી.

બાળકો[ફેરફાર કરો]

જ્યારે તે નાની હતી ત્યારે દુર્વાસાએ તેને એક મંત્ર આપ્યો હતો જેના દ્વારા તે કોઈ પણ દેવનું આહવાન કરી તેમના થકી સંતાન પ્રાપ્ત કરી શકે. જ્યારે કુંતીએ તેમને પૂછ્યું કે આવું વરદાન તેમણે શા માટે આપ્યું ત્યારે ઋષીએ કહ્યું કે ભવિષ્યમાં તે તેના માટે ઉપયોગી થશે. કુંતીને આ મંત્ર પર વિશ્વાસ ન બેઠો અને તેણે તેની ચકાસણી કરી. પરિણામે સૂર્ય દેવ પ્રગટ થયાં. તેણે સૂર્ય દેવને ચાલ્યાં જવા કહ્યું પણ તેમણે મંત્રનાં ઉદ્દેશની પૂર્તિ કર્યાં વગર પાછા જવામાં અસમર્થતા બતાવી. આમ અવિવાહિત સ્થિતિમાં સૂર્ય દેવ દ્વારા બાળકના જન્મ પછી કુંતીએ તે બાળકને ટોકરીમાં રાખી નદીમાં વહાવી દીધો. આ બાળક પાછળથી એક સારથિ અને તેની પત્નીને મળ્યો જેમણે તેને દત્તક લીધો અને તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. આગળ જતાં તે મહાભારતમાં એક મહત્ત્વનું પાત્ર બન્યો. કર્ણના મનમાં તેની જન્મદાત્રી માતા વિષેની લાગણીઓ મહાભારતમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પાછલું જીવન[ફેરફાર કરો]

જાવાનીઝ શૈલીમાં કુંતીનું રેખા ચિત્ર

કુંતીના લગ્ન હસ્તિનાપુરનાં રાજકુમાર પાંડુ સાથે થયાં. પાંડુએ બીજાં લગ્ન માદ્રી સાથે કર્યાં પણ સંતાન પ્રાપ્તિ ન થઈ. એક વખત શિકાર પર જતાં ભૂલથી તેમણે હરણ-હરણીનાં વેશે સંવનન કરી રહેલાં એક સાધુ અને તેની પત્નીને વિંધી નાખ્યાં. મૃતઃ પ્રાયઃ સાધુએ તેને શાપ આપ્યો. ઉદ્વીગ્ન પાંડુ પોતાના પ્રાયશ્ચિત માટે દેશવટો ભોગવવા કુટુંબ સહિત જંગલમાં આવી રહેવા લાગ્યા. અહિં કુંતીએ તેનો ગુપ્ત મંત્ર પ્રયોગમાં મૂક્યો અને તેનો ત્રણ વખત ઉપયોગ કર્યો. પ્રથવ વખત તેણે યમ દેવ દ્વારા પુત્ર યુધિષ્ઠિર, બીજી વખત વાયુ દેવ દ્વારા ભીમ અને ત્રીજી વખત ઈંદ્ર દેવ દ્વારા અર્જુન નામનો પુત્ર મેળવ્યો. કુંતી એ આ મંત્ર માદ્રીને પણ આપ્યો જેણે નકુળ અને સહદેવ નામે અશ્વીન દેવો થકી જોડીયા પુત્રો મેળવ્યાં. આ પાંચેય પાંડવો કહેવાયાં.

પાંડુનાં મૃત્યુ પછી માદ્રી તેમની પાછળ સતી થઈ અને પાંચેય બાળકોનાં ઉછેરની જવાબદારી કુંતી પર આવી પડી. કુરુક્ષેત્રના યુદ્ધ પછી તેઓ પોતાના જેઠ-જેઠાણી ધૃતરાષ્ટ્ર-ગાંધારી અને દિયર વિદુર સાથે હિમાલયમાં હાડ ગાળવા ચાલ્યાં ગયાં જ્યાં એક દવાનળમાં તેમનું મૃત્યુ થયું.

વ્યક્તિત્વ[ફેરફાર કરો]

પરંપરામાં મહાભારતમાંના કુંતીના પાત્રને એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત છે. તેઓની ક્રિયાઓ એક ધર્મિષ્ઠ અને વફાદાર પત્ની અને સ્વયં પર અત્યંત કાબુ ધરાવનાર વ્યક્તિ તરીકેની હતી. કુંતીને દેવો દ્વારા તેણી ચાહે તેટલાં પુત્રો મેળવવાનું વરદાન હતું પણ તેણે વરદાનનો દુરુપયોગ ન કરતાં માત્ર ત્રણ જ પુત્રો મેળવ્યાં. પાંડુની વધુ પુત્રો મેળવવાની ઘણી વિનંતીઓ છતાં કુંતી શાસ્ત્રોની એ વાતને વળગી રહ્યાં જેમાં લખ્યું છે જો સામાન્ય રીતે પ્રસૂતિ ન થાય તો ૩ પૂત્રોથી વધુ ન કરવા. (અહીં કુંતીને બાળકો વરદાન રૂપે મળ્યાં હતાં, તેણે તેમેને જન્મ આપ્યો ન હતો) અને જ્યારે પાંડુએ વિનંતી કરી ત્યારે તેણે તે મંત્ર પાંડુની બીજી પત્ની માદ્રીને આપ્યો.

વધુ વાંચો[ફેરફાર કરો]

પુરાણોમાંથી કુંતીની ઘણી પ્રાર્થનાઓ ૧૯૭૨ના ઉત્તરાર્ધમાં ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ. સી. ભક્તીવેદાંત સ્વામી પ્રભુપાદના પુસ્તક કુંતીનાં ઉપદેશો (Teachings of Queen Kunti)માં[૧] છાપવામાં આવી છે જેમાં ભાગવત્ પુરાણનાં ૮મા અધ્યાયના ૧૮ થી ૪૩ શ્લોકોનો સમાવેશ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઇસ્કોન દ્વારા પ્રકાશિત વેદાબેઝ વેબસાઈટ પર કુંતીનાં ઉપદેશો (અંગ્રેજીમાં)". મૂળ માંથી 2006-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-08.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]