ગુણવંતરાય આચાર્ય

વિકિપીડિયામાંથી
ગુણવંતરાય આચાર્ય
જન્મગુણવંતરાય પોપટભાઈ આચાર્ય
(1900-09-09)September 9, 1900
જેતલસર, ગુજરાત, ભારત
મૃત્યુNovember 25, 1965(1965-11-25) (ઉંમર 65)
વ્યવસાયનવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર
ભાષાગુજરાતી
નોંધપાત્ર સર્જનોદરિયાલાલ, હાજી કાસમ તારી વીજળી
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૪૫)
સંતાનોવર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા

ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય (૯ સપ્ટેમ્બર ૧૯૦૦ - ૨૫ નવેમ્બર ૧૯૬૫) જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું. તેમણે શાળાનું શિક્ષણ માંડવી, કચ્છમાં પૂર્ણ કર્યું. બંદરની નજીક હોવાથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસ ખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડયા. કૉલેજનું શિક્ષણ તેમણે એક સત્રથી આગળ વધાર્યું નહીં.

રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન. મોજમજાહ ફિલ્મ-સાપ્તાહિકના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

૨૫ નવેમ્બર ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.[૧][૨][૩]

તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતાં લેખિકાઓ છે.[૪][૫]

સાહિત્ય[ફેરફાર કરો]

એમની સાગરકથાઓમાં દરિયાલાલ (૧૯૩૮) અત્યંત લોકપ્રિય બની છે.[૬][૭] ઉપરાંત ભગવો નેજો (૧૯૩૭), સરફરોશ (૧૯૫૩), હાજી કાસમ તારી વીજળી (૧૯૫૪), રત્નાકર મહારાજ (૧૯૬૪) વગેરે મુખ્ય છે અને ઐતિહાસિક નવલકથાઓમાં ગિરનારને ખોળે (૧૯૪૬), સેનાપતિ (૧૯૪૭), ગુર્જર લક્ષ્મી (૧૯૫૨), શ્રીધર મહેતા (૧૯૫૭), કરાળ કાળ જાગે ભાગ-૧-૨ (૧૯૫૯), ભૂત રડે ભેંકાર (૧૯૬૧) વગેરે મુખ્ય છે. એમણે વાઘેલા યુગ ગ્રંથાવલિ અને ગુજરાત ગ્રંથાવલિ અંતર્ગત વિશળદેવ (૧૯૬૦), અર્જુનદેવ (૧૯૬૧) ઈડરિયોગઢ (૧૯૬૨). વગેરે નવલકથાઓ આપી છે. એમણે આપેલી સામાજીક નવલકથાઓમાં કોરી કિતાબ (૧૯૩૫), વિરાટનો ઝબ્બો (૧૯૩૮), પુત્રજન્મ (૧૯૪૦), રામકહાણી (૧૯૪૧) વગેરે નોંધપાત્ર છે; તો જાસૂસકથાઓમાં છેલ્લી સલામ (૧૯૬૨), કેડી અને કાંટા (૧૯૬૨) વગેરે છે.

ઓટાનાં પાણી (૧૯૩૮), શ્રી અને સરસ્વતી (૧૯૫૬), નીલરેખા (૧૯૬૨), જોબનપગી (૧૯૬૪) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. એમણે અલ્લાબેલી (૧૯૪૬), જોગમાયા અને શિલાલેખ (૧૯૪૯), અખોવન (૧૯૫૭), માર રાજ (૧૯૫૭) જેવા નાટ્યસંગ્રહો પણ આપ્યા છે. એમના પ્રકીર્ણ સાહિત્યમાં હું બાવો ને મંગળદાસ (૧૯૩૬), સુભાષચન્દ્રબોઝ (૧૯૪૬), મૂંઝવતા પ્રશ્નો (૧૯૪૭), આપણે ફરી ન વિચારીએ? (૧૯૫૯) વગેરેનો સમાવેશ થાય છે.

દરિયાલાલ (૧૯૪૧) ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસના વિશિષ્ટ વસ્તુને આલેખતી નવલકથા. એમાં ઇતિહાસનાં કેટલાંક તથ્યોનો ને પાત્રોનો આધાર લેવાયો છે, તો કિંવદન્તિઓનો પણ ઉપયોગ થયો છે. લધાભાની પેઢી ગુલામોનો વેપાર કરે છે, જંગબારમાં, રામજીભા એમનો મદદકર્તા વિશ્વાસુ માણસ છે, પણ એકવાર પકડી લવાતા વીસ ગુલામો ગેંડાથી માર્યા જાય છે, એ ઘટનાથી રામજીભામાં રહેલો મનુષ્ય જાગી ઊઠે છે, તેઓ ગુલામોનો વેપાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લે છે ને લધાભાની પેઢી છોડીને જંગબારનાં જંગલોમાં વસતા લોકોને ખેતી માટે જાગૃત કરે છે. લવિંગાદિની ખેતી કરાવીને ગુલામોને મુક્ત કરવાની સફળ યોજના પાર પાડે છે. હાલારપ્રેમ, માનવતા, સોંપેલાં કાર્ય પાર પાડવાની નિષ્ઠા-આ બધાં સારુ રામજીભા જીવસટોસટનાં સાહસ કરે છે. હાલારની બાઈ રુખીને ચાંચિયા અબુ હસને બાન રાખ્યાનું જાણે છે ત્યારે તેઓ તેને છોડાવવા લાલિયા ઘંટ જેવા વરુ-વૃત્તિના માણસ સાથે બાથ ભીડે છે. ડંકર્ક અને મંગો યાર્કને શોધે છે. જંગલનાં ને દરિયાનાં સાહસો ખેડી વધુ ને વધુ ગુલામોને મુક્ત અને માણસ બનાવે છે. નવલકથામાં કથાનું આયોજન ચુસ્ત, નાટ્યાત્મક અને આકર્ષક છે. વર્ણનો અને વસ્તુ વાસ્તવનિષ્ઠ છે. ઉપરાંત, ભાષાનું નોંધપાત્ર બળ દાખવી આ નવલકથા આપણી અલ્પ દરિયાઈ સાહસકથાઓમાં નોંધપાત્ર છે.

અલ્લાબેલી (૧૯૪૨) રંગભૂમિ ઉપર એ જમાનામાં સફળ રીતે ભજવાયેલા, ગુણવંતરાય આચાર્યના આ ત્રિઅંકી નાટકનું વસ્તુ ઐતિહાસિક છે. નાટક મૂળ માણેકના શૌર્યવાન, ટેકીલા તથા વતનપ્રેમી વ્યક્તિત્વને અને એની નિષ્ઠા તથા બહાદુરીને આ નાટક ઉપસાવે છે. નાટકની દ્રશ્યયોજના સફળ છે. લેખકના ચિત્રપટની દુનિયાના અનુભવોનો લાભ પણ આ નાટકને મળ્યો જણાય છે. ચિત્રાત્મક આલેખન, ગતિશીલ સંવાદો તથા ક્રમશઃ સંઘર્ષ પ્રતિ ગતિમાન કથા-વસ્તુની ગૂંથણી આ કૃતિની વિશેષતાઓ છે.

હાજી કાસમ તારી વીજળી (૧૯૫૪) ૧૮૮૮માં વૈતરણા (વીજળી) જહાજ ડૂબવાની ઘટના પર આધારિત નવલકથા છે.

પુરસ્કાર[ફેરફાર કરો]

૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કર્તા પરિચય: ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય Gunvatrai Popatlal Acharya". ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૪.
  2. Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ ૧૫. ISBN 978-81-260-1803-1.
  3. Gunvantrai Popatbhai Acharya (૨૦૦૦). Dariyalal. Thema Books. પૃષ્ઠ vii. ISBN 978-81-86017-20-3.
  4. Susie J. Tharu; Ke Lalita (૧૯૯૩). Women Writing in India: The twentieth century. Feminist Press at CUNY. પૃષ્ઠ ૪૬૫–૪૬૬. ISBN 978-1-55861-029-3.
  5. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૨૭. ISBN 978-0-313-28778-7.
  6. Dan Ojwang (૧૫ ડિસેમ્બર ૨૦૧૨). Reading Migration and Culture: The World of East African Indian Literature. Palgrave Macmillan. પૃષ્ઠ ૫૦. ISBN 978-1-137-26295-0.
  7. Nagendra (૧૯૮૮). Indian Literature. Prabhat Prakashan. પૃષ્ઠ ૩૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]