ડો. હરગોવિંદ ખુરાના
ડો. હરગોવિંદ ખુરાના એ ભારત દેશમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે. એમનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના દિવસે ભારતના પંજાબ રાજ્યના રાયપુર (હાલ પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો.
એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ.સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહીંથી એમણે પીએચ. ડી.ની પદવી મેળવી.
ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે. આ સંશોધન કાર્ય માટે ઇ.સ. ૧૯૬૮ના વર્ષમાં તેઓને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
૯ નવેમ્બર, ૨૦૧૧ના દિવસે અમેરિકા ખાતે આ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ૮૯ વર્ષનું આયુષ્ય ભોગવી અવસાન પામ્યા.
૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુગલે તેમના માનમાં તેમના ૯૬મા જન્મદિને ડુડલ પ્રસિદ્ધ કર્યું હતું.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Har Gobind Khorana's 96th Birthday". www.google.com (અંગ્રેજીમાં). મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ Rajamanickam Antonimuthu (૮ જાન્યુઆરી ૨૦૧૮), Har Gobind Khorana Google Doodle, https://www.youtube.com/watch?v=tqyiu45pOKg, retrieved ૯ જાન્યુઆરી ૨૦૧૮
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- The Khorana Program સંગ્રહિત ૨૦૧૨-૦૩-૦૨ ના રોજ વેબેક મશિન
- 33rd Steenbock Symposium