કાકાસાહેબ કાલેલકર

વિકિપીડિયામાંથી
કાકાસાહેબ કાલેલકર
કાકા કાલેલકર, ૧૯૮૫ની ભારતીય ટિકિટ પર.
કાકા કાલેલકર, ૧૯૮૫ની ભારતીય ટિકિટ પર.
જન્મદત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
(1885-12-01)December 1, 1885
સાતારા, મહારાષ્ટ્ર
મૃત્યુAugust 21, 1981(1981-08-21) (ઉંમર 95)
ઉપનામકાકા સાહેબ
વ્યવસાયકેળવણીકાર, સાહિત્યકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એ. એલ.એલ.બી.
નોંધપાત્ર સર્જનોહિમાલયનો પ્રવાસ
નોંધપાત્ર પુરસ્કારોપદ્મવિભૂષણ (૧૯૬૪)

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, (ઉપનામ: કાકાસાહેબ) (૧ ડિસેમ્બર ૧૮૮૫ - ૨૧ ઓગસ્ટ ૧૯૮૧), ગુજરાતી સાહિત્યકાર, નિબંધકાર અને પ્રવાસલેખક હતા.

જન્મ મહારાષ્ટ્રના સાતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પુના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.

જન્મ અને શિક્ષણ[ફેરફાર કરો]

તેમનો જન્મ ઈ.સ. ૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતા‌‌પિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી, પ્રવાસી, પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.

સાહિત્ય પરીચય[ફેરફાર કરો]

ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને "સવાઈ ગુજરાતી" નું બિરુદ મળેલું.[૧]

હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.

એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), ‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.

એમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.

એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું.

ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે.

હિમાલયનો પ્રવાસ (૧૯૨૪)[ફેરફાર કરો]

કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. પ્રવાસમાં લેખકની સાથે સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. ચાલીસ દિવસના પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯ માં શરૂ થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે લેખકના જીવનરસનાં બદલાતાં વલણો આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે.

પ્રવાસનોંધના ચુંવાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. પ્રવાસવર્ણનમાં હિમાલયનો વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, સ્થળ-સ્થળના લોકજીવનની વિશેષતાઓ, સાધકો-યોગીઓની કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે.

રખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩): દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો દેશદર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ. જુદાં જુદાં તીર્થો અને કલાસ્થળોનો અહીં સૌન્દર્યમર્મી લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજગતા અને ધાર્મિક ઉત્કટતાથી પરિચય કરાવ્યો છે. ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે’ એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડે’ થી શરુ થતાં બાહુબલી, વસઈનો કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળોનાં પરિચયવર્ણનોમાં ભારતીયતાની ગવેષણા છે; તો સાથે સાથે ધર્મ, સમાજ, સંસકૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ ચિંતન પણ છે. સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે.

સ્મરણયાત્રા (૧૯૩૪): કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણોનો સંગ્રહ. આ સ્મરણો દ્વારા લેખકનો ઉદ્દેશ આત્મકથા આપવાનો નથી, પરંતુ પોતાના બાળપણનાં ભિન્નભિન્ન ભાવપ્રતિભાવો, ગુણદોષો, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અથવા સહજ સ્વાર્થત્યાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે સમભાવ કેળવવાનો છે. આમ કરવા જતાં કાલાનુક્રમ જળવાયો નથી; છતાં સંગ્રહનાં કુલ તોત્તેર સંસ્મરણલખાણોમાં એકસૂત્રતા અવશ્ય જળવાઈ છે.

અહીં સંચિત સ્મરણો મોટે ભાગે કૌટુંબિક જીવનનાં તેમ જ મુસાફરી અંગેના છે. જયાં જયાં જવાનું થયું ત્યાંનું લોકજીવન, તથા ત્યાંનાં પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન ઉપર કાયમી છાપ મૂકી ગયેલી વ્યક્તિઓ અને પ્રસંગો-આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. શાહપુર, બેળગુંદી, સાતારા, બેલગામ, સાવંતવાડી, કારવાર, પૂના, મીરજ, સાંગલી, સાવનૂર ઈત્યાદિ સ્થળો સાથે જોડાયેલો ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતાઓ સાથે અહીં પ્રગટ થયો છે. અહીં બોધ નથી, જીવનદર્શનની નવીનતા અને કુતૂહલ છે; અને એ માટે લેખકનું રસાળ ગદ્ય ઉપકારક બન્યું હોઈ સર્વથા આસ્વાદ્ય છે.

ઓતરાતી દીવાલો (૧૯૨૫): અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લઘુપુસ્તક. અહીં ચાર દીવાલો વચ્ચેની આનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવી, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. લેખકના દુનિયા તરફના પ્રેમે અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી ઝડપ્યો છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકોએ લેખકના એકાન્તના કુતૂહલને ઉત્તેજ્યું છે. નિરુપણમાં રહેલી હળવાશ અને વિનોદવૃત્તિએ તેમ જ પ્રસન્નરુચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે.

જીવનલીલા (૧૯૫૬): કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક સીત્તેર સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ. ભારતમાં ઠેરઠેર ફરીને પ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમ સ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે એને અહીં દેશભક્તિના દ્વવ્યથી રંગ્યા છે. સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનોથી આ ગ્રંથ પ્રવાસ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

જીવનનો આનંદ (૧૯૩૬): કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક, મંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મનેપદી પ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનનો આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટ્યો છે. ‘પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતનો વિસ્તાર’, ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનનો ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલું લેખન અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હાસ્યવિનોદ અને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનને સમૃદ્ધ વ્યક્તિતા અર્પી છે.

જીવનવ્યવસ્થા (૧૯૬૩): કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણોનો સંગ્રહ. ‘વિવિધ ધર્મો’, ‘ધાર્મિક સુધારણા’, ‘ધર્મગ્રંથો વિષયક’, ‘રહસ્યનું ઉદઘાટન’,‘મંદિરો’ તથા ‘પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ લખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ વિશેના લેખો છે; પરંતુ હિંદુધર્મ, તેનાં સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખોનું પ્રમાણ વિશેષ છે.

અવસાન[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની વીસમી તારીખના રોજ તેમનું અવસાન થયું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Brahmabhatt, Prasad. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ગાંધીયુગ અને અનુગાંધીયુગ (History of Modern Gujarati Literature:Gandhi Era and Post-Gandhi Era). Parshwa Publication. પૃષ્ઠ ૩૮–૫૧.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]