સામાજિક દરજ્જો

વિકિપીડિયામાંથી

સામાજિક દરજ્જો (અંગ્રેજી: Social status) એ વ્યક્તિને સમાજમાં કે એક ચોક્કસ સમૂહમાં મળતું સ્થાન કે હોદ્દો છે. દરજ્જો ચડતા-ઉતરતા ક્રમની સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના સ્થાનનું સૂચન કરે છે. જેમ કે કુટુંબમાં પિતા, માતા, મોટો પુત્ર, નાનો પુત્ર એવો ચડતો-ઊતરતો ક્રમ હોય છે, જેમાં પિતા સૌથી ઊંચા સ્થાને હોય છે અને નાનો પુત્ર સૌથી નીચા સ્થાને આવે છે. આમ, દરજ્જો વ્યક્તિના સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે.[૧]

વ્યાખ્યાઓ[ફેરફાર કરો]

જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ દરજ્જાની જુદીજુદી વ્યાખ્યાઓ આપેલી છે. કિંગ્સલે ડેવિસ ના મતે "દરજ્જો એ સ્થાનનો પર્યાય છે". રોબર્ટ બસ્ટ્રેડના મતે "સમાજમાં કે સમૂહમાં વ્યક્તિ જે સ્થાન ધરાવે છે તે સ્થાનને દરજ્જો કહેવામાં આવે છે". એટલે કે વ્યક્તિ સમાજમાં અનેક દરજ્જાઓ ધરાવે છે. વ્યક્તિ જેટલા જૂથની સભ્ય હોય તેટલા દરજ્જા તે ધરાવતી હોય છે. જેમ કે કુટુંબમાં પતિનો દરજ્જો, કોલેજમાં પ્રોફેસરનો દરજ્જો, ક્લબમાં સભ્યનો દરજ્જો, ભારતમાં નાગરિકનો દરજ્જો, વગેરે. જોનસનના મતે "દરજ્જો હકોનો નિર્દેશ કરે છે".[૨]

પ્રકારો[ફેરફાર કરો]

રાલ્ફ લિંટને સામાજિક દરજ્જાના બે પ્રકાર દર્શાવ્યા છે: (૧) અર્પિત દરજ્જો અને (૨) પ્રાપ્ત દરજ્જો. મોટાભાગના સમાજશાસ્ત્રીઓ લિંટનના વર્ગીકરણને જ અનુસરે છે.[૩]

કુટુંબમાં જન્મ લેવાથી પરંપરાગત રીતે વ્યક્તિને જે દરજ્જો આપોઆપ પ્રાપ્ત થાય છે, તેને અર્પિત દરજ્જો કહેવામાં આવે છે. આ દરજ્જો મેળવવા માટે પુરુષાર્થ કરવો પડતો નથી. આ એવા સ્થાનો છે કે જે વ્યક્તિઓને શક્તિઓ અથવા તો ભૂમિકાઓ પ્રદાન કર્યા સિવાય જ મળે છે. અર્પિત દરજ્જામાં નિર્ણાયક પરિબળો તરીકે લિંગ, ઉંમર અને રક્તસંબંધ મુખ્ય છે.[૩]

વ્યક્તિ પોતાના વ્યક્તિગત પ્રયત્નોથી જે દરજ્જો પ્રાપ્ત કરે છે, તેને પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે. વ્યાવસાયિક દરજ્જાઓ, રાજકીય દરજ્જાઓ વગેરે પ્રાપ્ત દરજ્જા છે. આ દરજ્જો મેળવ્યા પછી તેને ટકાવી રાખવા પુરુષાર્થ કરવો પડે છે. જો વ્યક્તિ પ્રાપ્ત દરજ્જા સાથે સંકળાયેલ ભૂમિકા ભજવી ન શકે તો દરજ્જો ગુમાવવાનો ભય રહે છે.[૩]

સમાજમાં એક નાના સમૂહના સભ્યોના ઘણા દરજ્જાઓ જોવા મળે છે. જ્યારે એક નાના સમૂહમાં જુદા જુદા દરજ્જાઓ ધરાવતી જુદી જુદી વ્યક્તિઓનો સમૂહ હોય, તો તેને બહુવિધ દરજ્જા કહેવામાં આવે છે. આધુનિક જટિલ સમાજમાં એક વ્યક્તિ અનેક દરજ્જાઓ ધરાવતી હોય છે. આ બધા દરજ્જાના સમૂહને દરજ્જા-સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. દરજ્જા-સંકુલ સંસ્થા અને સમાજની ઉપવ્યવસ્થા વચ્ચે આંતરસંબંધો પૂરા પાડે છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ત્રિવેદી, નલિની કિશોર (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક દરજ્જો". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૭–૯૮. OCLC 552369153. Unknown parameter |publication-location= ignored (મદદ)
  2. વાઘેલા, અનિલ એસ. (૨૦૧૫). સમાજશાસ્ત્રનો પરિચય (તૃતિય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૫૮. ISBN 978-93-81265-50-5.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૩–૧૮૪. ISBN 978-93-85344-46-6.