અમર આશા

વિકિપીડિયામાંથી
અમર આશા 
રચનાર: મણિલાલ નભુભાઈ દ્વિવેદી
'અમર આશા' મણિલાલના હસ્તાક્ષરમાં
અનુવાદક(કો)નટવરલાલ પંડ્યા 'ઉશનસ્'[૧]
રચના સાલ૧૮૯૮
પ્રથમ પ્રકાશનસુદર્શન
દેશબ્રિટીશ ભારત
ભાષાગુજરાતી
વિષય(યો)પ્રેમ, અધ્યાત્મ
સ્વરૂપગઝલ
છંદહઝજ
પ્રાસરચનાAA, BA, CA, DA
પ્રકાશન તારીખ1 October 1898 (1898-10-01)
લીટીઓ૨૦

અમર આશા (ઉચ્ચાર [ə.mər a.ʃa] (audio speaker iconlisten)) એ ગુજરાતી લેખક અને કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા રચિત ગઝલ-કાવ્ય છે. આ મણિલાલ દ્વારા રચવામાં આવેલ છેલ્લું કાવ્ય હતું, જે મણિલાલના મૃત્યુ બાદ તેમના સામયિક સુદર્શનનાં ૧૮૯૮ના અંકમાં પ્રગટ થયું હતું, અને ત્યારબાદ મણિલાલના કાવ્યસંગ્રહ 'આત્મનિમજ્જન'ની બીજી આવૃત્તિ (૧૯૧૪)માં સમાવેશ પામ્યું હતું. 'અમર આશા' મણિલાલની શ્રેષ્ઠ રચનાઓમાં તેમજ ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓમાં સ્થાન પામ્યું છે. મહાત્મા ગાંધીએ તેનું વિવેચન કરીને પ્રગટ કર્યું હતું.

પ્રકાશનનો ઇતિહાસ[ફેરફાર કરો]

'અમર આશા' કાવ્ય સૌપ્રથમ 'સુદર્શન' માસિકના ૧૮૯૮ના અંક (વર્ષ ૧૪, અંક ૧)માં પ્રગટ થયું હતું. આ અંક મણિલાલના મૃત્યુના દિવસે એટલે કે ૧ ઓક્ટોબર ૧૮૯૮ના રોજ પ્રકાશિત થયો હતો.[૨]

ત્યારબાદ આ કાવ્ય મણિલાલના કાવ્યસંગ્રહ 'આત્મનિમજ્જન' (૧૮૯૫)ની બીજી આવૃત્તિ (૧૯૧૪)માં પ્રગટ થયું હતું. બીજી આવૃત્તિ મણિલાલના નાના ભાઈ માધવલાલ દ્વિવેદી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જ્યારે ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈને 'આત્મનિમજ્જન'ની ત્રીજી આવૃત્તિ ૧૯૫૯માં પ્રકાશિત થઈ, ત્યારે ફરીથી આ કાવ્ય એમાં છપાયું હતું.[૩]

બંધારણ[ફેરફાર કરો]

અમર આશાનું છંદોવિધાન
સ્વરભાર (લઘુ/ગુરુ) u

ગા

ગા

ગા
u

ગા

ગા

ગા
u

ગા

ગા

ગા
u

ગા

ગા

ગા
અક્ષર હીં લા ખો નિ રા શા માં મર શા છુ પા છે

'અમર આશા' ગઝલમાં કુલ ૧૦ શેર છે. આ કાવ્ય ફારસી છંદ 'હઝજ'માં રચવામાં આવ્યું છે. પ્રથમ શેરના બંને મિસરામાં કાફિયા (પ્રાસ) આવે છે. જ્યારે બાકીના શેરમાં માત્ર બીજા મીસરા (પંક્તિ)માં જ કાફિયા આવે છે. એટલે કે પ્રાસરચના AA, BA, CA, DA પ્રકારની છે.

ગઝલ[ફેરફાર કરો]

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે!
ખફા ખંજર સનમનામાં, રહમ ઉંડી લપાઈ છે! –કહીં·૧

જુદાઈ ઝીંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. –કહીં·૨

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે. –કહીં·૩

ઝખમ દુનીયાં ઝબાનોના મુસીબત ખોફનાં ખંજર,
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે. –કહીં·૪

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મઝેદારી લુટાઈ છે. –કહીં·૫

ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે,
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. –કહીં·૬

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલી હકીકતની રફાઈ છે. –કહીં·૭

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપતે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે. –કહીં·૮

ચમનમાં આવીને ઉભો ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે. –કહીં·૯

હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે. –કહીં·૧૦

આવકાર અને વિવેચન[ફેરફાર કરો]

'અમર આશા' કાવ્ય ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ લોકપ્રીય થયું હતું. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકા હતા ત્યારે એમને આ ગઝલનું વિવેચન લખીને 'ઈન્ડિયન ઓપિનિયન' નામના પોતાના સામયિકમાં પ્રકાશિત કર્યું હતું.[૪] ગુજરાતી વિવેચક ચીમનલાલ ત્રિવેદીએ આ રચનાને 'ઉચ્ચ કોટીની' અને મણિલાલની 'ચિરંજીવ' રચના તરીકે ઓળખાવી છે.[૫] મનસુખલાલ ઝવેરીએ આ કવિતાને 'ગુજરાતી કવિતાનું રત્ન' કહી છે.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Dagyabhai A. Patel; Jethalal N. Trivedi, સંપાદકો (1987). Love Poems & Lyrics from Gujarati (પ્રથમ આવૃત્તિ). Ahmedabad: Gurjar Grantha Ratna Karyalaya. પૃષ્ઠ 146.
  2. મહેતા, હસિત (May 2012). "પંડિતયુગનાં સાહિત્યિક સામયિકો". માં મહેતા, હસિત (સંપાદક). સાહિત્યિક સામયિકો: પરંપરા અને પ્રભાવ (૧લી આવૃત્તિ આવૃત્તિ). અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ ૬૪. ISBN 978-93-82456-01-8. OCLC 824686453.
  3. દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (૨૦૦૦) [૧૮૯૫]. "संपादकीय". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). આત્મનિમજ્જન. મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી–3 (૪ આવૃત્તિ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 9. ISBN 81-7227-075-5.
  4. ઠાકર, ધીરુભાઈ (1956). મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ XV–XVI. OCLC 80129512.
  5. ત્રિવેદી, ચીમનલાલ (૧૯૬૩). ઊર્મિકાવ્ય (પ્રથમ આવૃત્તિ). સુરત: ધી પોપ્યુલર બુક સ્ટોર. પૃષ્ઠ ૧૮૫–૧૮૬.
  6. Jhaveri, Mansukhlal Maganlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 102. OCLC 639128528. CS1 maint: discouraged parameter (link)