અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલ્યરી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલ્યરી | |
---|---|
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
જિલ્લો | હરદ્વાર |
સ્થાન | |
સ્થાન | કલ્યરી |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલ્યરી | |
---|---|
જન્મનું નામ | અલાઉદ્દીન અલી અહમદ |
હુલામણું નામ | સાબિર પીયા |
ખિતાબ | સાબિર |
જન્મ | ૫૬૯ હિજરી ૧૧૯૭ ઇસ્વી. |
જન્મ સ્થળ | હિરાત |
અવસાન | ૬૯૦ હિ. ૧ર૯૧ ઇ. |
અવસાન સ્થળ | કલ્યર |
પૂર્વગામી | ફરીદુદ્દીન ગંજશકર |
ઉત્તરાધિકારી | શમ્સુદ્દીન તુર્ક પાનીપતી |
વંશ/ખાનદાન | અફગાની અથવા ઈસરાઇલી |
પિતા | અ. રહીમ |
ધર્મ | ઈસ્લામ |
ખ્વાજા અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલ્યરી રહ. હઝરત શેખ ફરીદુદ્દીન ગંજશકર રહ.ના ખલીફાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતા છે. અમુકના કથન મુજબ ખ્વાજા ફરીદુદ્દીન રહ.ના સૌ પ્રથમ ખલીફા હતા અને સુલતાનુલ અવલિયા હઝરત ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા રહ. કરતાં પણ ઘણા પહેલાં રહ.ને ખિલાફત આપવામાં આવી હતી. ખલીફા હોવા ઉપરાંત ખ્વાજા સાબિર રહ.ના ભાણેજ પણ હતા.
જન્મ
[ફેરફાર કરો]૧૯ રબીઉલ અવ્વલ, હિજરી સન પ૯ર હિ. ૧૧૯૬ ઈ.માં મુલતાન પ્રદેશમાં કોતવાલ નામી મુકામે જન્મ થયો હતો. જન્મ સ્થળ વિશે અમુક કિતાબોમાં ઉપર મુજબ મોસાળમાં નાનાના ઘરે થયો હોવાનો ઉલ્લખે છે. જયારે અમુક કિતાબોમાં હિરાતમાં પોતાના વાલિદના મૂળ વતનમાં જન્મ થયો હોવાનું વર્ણન છે. તઝકિરએ જલીલમાં છે કે, કોતવાલમાં જન્મ થયો હોય તો, જન્મ પછી ત્યાંથી હિરાત પાછા જવાનું વર્ણન કોઈ કિતાબમાં નથી. અને ૯ વરસની ઉમરે હઝરત ગંજશકર રહ.ની સેવામાં વાલિદહ સાથે હિરાતથી જ રવાના થવાનો અને ૧૧ દિવસે અજોધન - પાકપટ્ટન આવવાનો ઉલ્લેખ કિતાબોમાં જોવા મળે છે. [૧]
વંશ - નસબ
[ફેરફાર કરો]હઝરત ઇમામ જાફર સાદિક રદિ. ના પપૌત્ર હતા માટે જાફરી સય્યિદ હતા. ૧૪મી પેઢીએ એમનો વંશવેલો હઝરત અલી રદિ. સુધી પહોંચે છે અને વાલિદહ રહ.નો વંશવેલો હઝરત ઇમામ મોહંમદ બાકિર રદિ.સુધી પહોંચે છે. વાલિદનું નામ શાહ અબ્દુર્રહીમ હતું. દાદાનું નામ શાહ અબ્દુલવહાબ હતું.
તાલીમ પાંચ વરસના હતા ત્યારે વાલિદ શાહ અબ્દુર્રહીમ રહ.નો ઇન્તેકાલ થઈ ગયો. વાલિદ પાસે અત્યાર સુધીમાં થોડી ઘણી દીની તાલીમ આપ રહ. મેળવી ચૂકયા હતા. વાલિદના ઇન્તેકાલ પછી આપની વાલિદાએ આપની તાલીમની દેખરેખ રાખી. આઠ વરસની ઉમરે જરૂરી તાલીમ એમણે પ્રાપ્ત કરી લીધી હતી. એટલે પછી વાલિદહ એમને લઈને પોતાના ભાઈ હઝરત શેખ ફરીદુદ્દીન ગંજશકર રહ.ની સેવામાં પાકપટ્ટન આવ્યાં અને નાનકડા અલીઅહમદને ભાઈની સેવામાં મૂકી દીધો. ૯ વરસની ઉમરે હિજરી સન ૬૦૧ માં આપ રહ. અજોધન પહોંચ્યા. વાલિદહ થોડા દિવસ અહીયા રહયાં અને પરત ફયાઁ.
અહીયા રહીને આપ રહ.એ પ્રથમ બે વરસ અરબી - ફારસીની તાલીમ પૂરી ફરમાવી. ત્યાર પછી શવ્વાલ ૬૦૩ હિ.માં એટલે કે હઝરત ગંજશકર રહ.ની સેવામાં આવ્યાના બે વરસ પછી, લગભગ ૧૧ વરસની ઉમરે આપને લંગરખાનાનો વહીવટ સોંપવામાં આવ્યો.
સાબિર લકબ
[ફેરફાર કરો]લંગરખાનાનો વહીવટ સોંપવા પાછળ એક મકસદ તો આ હતો કે, હઝરત અલી અહમદ સાબિર રહ.ને જરૂરત મુજબ ખાણું માંગ્યા વગર મળી જાય. કારણ કે એમની વાલિદહના જણાવ્યા મુજબ આપ રહ. ઘણા જ ઓછાબોલા, ઇબાદતના શોખીન અને ખાવા - પીવાથી બેપરવા હતા. આપની વાલિદહ રહ.એ જતી વેળા આ બાબતનો ઉલ્લેખ કરીને હઝરત ગંજશકર રહ.ને એમના ખોરાકનો ખ્યાલ રાખવાની તાકીદ કરી હતી. બીજો મકસદ એ હતો કે આવી રીતે લોકોની, દરવેશોની, અને અલ્લાહ વાળાઓની ખિદમત કરવાની તાલીમ એમને મળે અને આ ખિદમતની બરકતથી વિવિધ પ્રકારના અખ્લાકની અમલી તરબિયત પણ થઈ જાય.
અલાઉદ્દીન ઘણા જ મુત્તકી અને અમાનતદાર હતા. ખ્વાજા ફરીદુદ્દીન રહ.ની ખાનકાહના લંગરનો વહીવટ આપના જિમ્મે હતો. ૧ર વરસ આ જવાબદારી નિભાવી. અત્રે આવતા દરેક મહેમાન અને અમીર ગરીબને આપ રહ. ખાણું ખવડાવતા અને સેવા કરતા હતા. ઇશ્રાક પછી બહાર આવતા, ખાણું તકસીમ ફરમાવતા અને પાછા એકાંતમાં ચાલ્યા જતા, સાંજે આ જ પ્રમાણે મગરિબ પછી ખાણું તકસીમ ફરમાવતા અને પાછા એકાંતમાં ચાલ્યા જતા. આપને વહીવટ સોંપતી વેળા ખ્વાજા ફરીદુદ્દીન રહ. તરફથી સ્પષ્ટ શબ્દોમાં આ લંગરમાંથી ખાવા કે લાભ ઉઠાવવાની પરવાનગી હોવાનું કહેવામાં આવ્યું ન હતું અને અદબના વિરુદ્ઘ હોવાથી આવી પરવાનગી માંગવી મુનાસિબ પણ ન હતી, એટલે હઝરત મખ્દૂમ સાબિર રહ. લંગરમાંથી એક દાણો પણ ખાતા ન હતા. રોઝો રાખીને પોતાની વ્યવસ્થા પોતે કરી લેતા હતા.
એકવાર એમનાં વાલિદહ એમને મળવા પહોંચ્યા, બેટાની હાલત અત્યંત નબળી અને અશક્તત જોયી. શરીર સુકાય ગયું હતું. એમણે ભાઈ શેખ ફરીદુદ્દીન સમક્ષા આ બાબતની શિકાયત કરી તો શેખ ફરીદુદ્દીન રહ.એ જણાવ્યું કે લંગરખાનાની જવાબદારી એમને સોંપવામાં આવી છે. એનાથી વધુ શું કરું ? જયારે હઝરત અલાઉદ્દીન અલી અહમદને આ બાબતે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે મુજ ગુલામમાં એટલી હિંમ્મત કયાંથી હોય શકે કે આપના હુકમ વગર આપના લંગરખાનાથી ફાયદો ઉઠાવું ? પોતાના ભાણેજ અલાઉદ્દીનનો આ જવાબ સાંભળીને હઝરત શેખ ફરીદુદ્દીન રહ.એ આપને 'સાબિર'નો લકબ આપ્યો.
હઝ. મવ. મુહમ્મદ મીયાં રહ. લખે છે કે, આ પરહેઝગારી ઘણી મોટી બાબત છે, પણ એનાથી વધારે એહતિયાત અને તકવાની વાત આ છે કે ૧ર વરસ સુધી કોઈને ખબર પણ ન પડવા દીધી કે અમારા ખાવા - પીવા અને મસ્તાના ફાકાની વ્યવસ્થા આ ખાનકાહના લંગરથી અલાયદી અને નોખી છે. જેનો ચૂલો અને હાંડી, બધું જ તવક્કુલના વર્તૂળમાં આવી જાય છે.[૨]
ઉપરોક્ત કિસ્સો નકલ ફરમાવીને મવ. અશરફ અલી થાનવી રહ. ફરમાવે છે કે, ખ્વાજા અલાઉદ્દીન સાબિર રહ.એ શરીઅતના હુકમ ઉપર કેટલી ચીવટપૂર્વક અમલ કર્યો એ જોવા જેવું છે. લંગરખાનાની જવાબદારી હોવાથી એવું સમજી શકાય છે કે મહેમાનો અને જરૂરતમંદોને ખવડાવવું એમના જ હાથમાં છે એટલે જરૂરત મુજબ પોતે પણ ખાય શકે છે. પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પરવાનગી ન હોવાથી આપ રહ. એનાથી પણ બચતા રહયા. [૩]
હઝરત અકદસ થાનવી રહ.એ આ કિતાબમાં સૂફિયાએ કિરામ રહ. શરીઅતના આદેશો ઉપર કેટલા એહતેમામથી અમલ કરતા હતા, એ દર્શાવ્યું છે. અમુક લોકો હાલ, વજદ, વગેરેનું બહાનું કાઢીને શરીઅતના અહકામથી છુટવાનું બહાનું કાઢે છે, એનો દલીલ અને પુરાવા સાથે રદિયો આપ્યો છે. સૂફિયાએ કિરામના એવા કિસ્સાઓ જેમાં કોઈ વાત શરીઅતના હુકમ વિરુદ્ઘ લાગતી હોય, એની સમજૂતી અને સ્પષ્ટીકરણ પણ આ કિતાબમાં આપવામાં આવ્યું છે. સૂફિયાએ કિરામના વિસ્તૃત હાલાતનું વાંચન કરતાં પહેલાં આ કિતાબ જરૂર પઢી લેવી જોઈએ.
બયઅત અને ખિલાફત
[ફેરફાર કરો]હિજરી સન ૬ર૩ માં આપ રહ. હઝરત ગંજશકર રહ.ના હાથો ઉપર બયઅત થયા. તઝકિરતુલ જલીલમાં ૧૭ મુહર્રમની તારીખ દર્શાવવામાં આવી છે. બયઅત થયા પછી બે વરસ લગાતાર એકાંતમાં યાદે ઇલાહીમાં મશ્ગૂલ રહયા. ફકત લંગરખાનામાં ખાવું તકસીમ કરવાના સમયે જ બહાર આવતા હતા. અને રપ રમઝાનુલ મુબારક ૬પ૦ હિજરીમાં આપ રહ.ને ખિલાફતથી નવાઝયા.
જ્યારે આપ રહ.ને ખિલાફત આપવામાં આવી ત્યારે હઝરત ગંજશકર રહ.એ એક વિશેષ મજલિસ બોલાવી. આ મજલિસમાં અન્ય મુરીદો અને બુઝુર્ગો પણ હાજર હતા. હઝરત નિઝામુદ્દીન અવલિયા રહ. પણ હજુ હઝરત ગંજશકર રહ.ની તરબિયતમાં હતા અને ખિલાફતથી નવાઝવામાં આવ્યા ન હતા. મજલિસમાં હઝરત ગંજશકર રહ.એ લીલો અમામહ પોતાના હાથો વડે આપના માથા ઉપર બાંધ્યો અને ખિલાફતનામું અતા ફરમાવ્યું.
શેખ જમાલ હાંસવી સાથે વિવાદ
[ફેરફાર કરો]હઝરત સાબિર રહ. અને હઝરત ગંજશકર રહ.ના એક બીજા ખલીફા શેખ જમાલ હાંસવી રહ. વચ્ચે ખિલાફતનામહ ઉપર મુહર લગાવવા બાબતનો એક કિસ્સો સિયરુલ અકતાબ વગેરે કિતાબોમાં ઘણી જ વિગતવાર લખવામાં આવ્યો છે. જેનો ખુલાસો આ છે કે, શેખ જમાલ પાસે મુહર લગાવતી વેળા આપ રહ.ના જલાલના કારણે શેખ જમાલ રહ.એ ખિલાફતનામું ફાડી નાંખ્યું, જવાબમાં આપ રહ.એ એ જ ઘડીએ ફરમાવી દીધું કે મેં તારી નિસ્બત કાપી નાંખી. પછી આપ રહ. પાછા હઝરત ગંજશકર રહ.ની સેવામાં આવ્યા તો ગંજશકર રહ.એ બીજું ખિલાફતનામું લખીને આપને કલ્યર જવાનો હુકમ ફરમાવ્યો.
કેપ્ટન વાહિદ બખ્શ સયાલે 'મકામે ગંજશકર'માં અને 'ઇકતેબાસુલ અનવાર'ના અનુવાદમાં આ વિશે વિસ્તૃત ચર્ચા કરીને પૂરવાર કયુઁ છે કે, આ આખો કિસ્સો મનઘડત છે. એને આધાર બનાવીને બન્ને બુઝુર્ગો વચ્ચે કે એમના સિલસિલાઓ વચ્ચે અણબનાવ હોવાની વાત કરવી ખોટું છે. પાનીપત ઓર બુઝુર્ગાને પાનીપત, પેજ : ર૮૧ ઉપર પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી છે.
નિકાહ
[ફેરફાર કરો]અમુક કિતાબોથી માલૂમ પડે છે કે આપ રહ. હઝરત શેખ ફરીદુદ્દીન રહ.ના જમાઈ પણ હતા. આપ રહ.નાં અહલિયહ સુલતાન ગિયાસુદ્દીનની પુત્રી થતાં હતાં, એમનાથી ખદીજાબેગમ નામની પુત્રી સાથે હઝરત મખ્દૂમ અલી અહમદ સાબિરના નિકાહ, બહેનના કહેવાથી બાબા ફરીદુદ્દીન રહ. એ કરાવી દીધા હતા.
આ નિકાહ વિશે કિતાબોમાં વિરોધાભાસી વર્ણન મળે છે. અમુક કિતાબોમાં છે કે, શાદી પછી પહેલી જ રાત્રે કમરામાં બીવીને જોઈને આપ રહ.એ ફરમાવ્યું કે, એક દિલમાં બે હસ્તીઓ કેવી રીતે સમાય શકે ? આપ રહ.એ આમ કહયું એટલામાં જ આ નેક બીવી બળીને રાખ થઈ ગયાં. બીજી અમુક કિતાબોથી માલૂમ પડે છે કે આપ રહ. એ એમની સાથે જીવન માંડયું નહી અને યાદે ઇલાહીમાં જ સતત પ્રવૃત રહયા અને આ બીવીને કાં તો તલાક આપી દીધી અથવા નિકાહ બાકી રાખવા છતાં બન્ને અલગ જ રહયાં. તઝકિરતુલ જલીલ વગેરે કિતાબોમાં આ બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
ઇબાદત અને ત્યાગ
[ફેરફાર કરો]એકવાર એક ખાદિમે હઝરત શેખ ફરીદુદ્દીન રહ.ની સેવામાં હિંદુસ્તાન જવાની અને એમના ખલીફાઓથી મુલાકાત કરવાની ઇચ્છા જણાવી. પરવાનગી લઈને આ ખાદિમ સૌપ્રથમ હઝરત અલાઉદ્દીન અલી અહમદ સાબિર રહ. પાસે આવ્યા. આપ રહ. વધુ પડતો સમય ધ્યાન મગ્ન રહેતા હતા, પરિણામે દરેક આવનાર - જનારથી અજાણ થઈ જતા હતા. હઝરત સાબિર રહ.ની સેવામાં ખાદિમ તરીકે ખ્વાજા શમ્સુદ્દીન તુર્ક રહ. હાજર હતા, એમણે ઉંચા સાદે જાણ કરી કે હઝરત પીર વ મુરશિદના ખાદિમ આવ્યા છે અને હઝરતના સલામ લાવ્યા છે. આપ રહ.એ સલામનો જવાબ આપીને હઝરત શેખ રહ.ની ખેરિયત પૂછી અને પછી ખ્વાજા શમ્સુદ્દીન રહ.ને તાકીદ ફરમાવી કે હઝરતના ખાદિમની આગતા - સ્વાગતા કરજો અને આજે ખાવા માટે ગુલ્લરમાં મીઠું (નમક) નાખજો. એટલે કે આવી રીતે એમની મહેમાનનવાઝી કરજો અને પાછા ધ્યાનમગ્ન થઈ ગયા.
હઝરત ગંજશકર રહ.ના ખાદિમ ત્યાર પછી એમના બીજા ખલીફા સુલતાનુલ અવલિયા હઝરત ખ્વાજા નિઝામુદ્દીન રહ.ની સેવામાં ગયા. અત્રે શાહી વહેવાર હતો. ખાદિમની ઘણી આગતા - સ્વાગતા અને સેવા ચાકરી કરવામાં આવી. અને ઘણી બધી ભેટ - સોગાદો આપીને રવાના કરવામાં આવ્યા.
ખાદિમ પરત આવીને હઝરત શેખ ફરીદુદ્દીન રહ.ની સેવામાં પહોંચ્યા. આપ રહ.એ બન્ને ખલીફાઓની ખેરિયત અને હાલત પૂછી. ખાદિમે હઝરત સુલતાનુલ અવલિયા રહ.ના તો ઘણા વખાણ કર્યા અને હઝરત મખ્દૂમ અલાઉદ્દીન સાબિર રહ. વિશે અરજ કરી કે તેઓ તો કોઈની સાથે વાત પણ નથી કરતા અને એમની પાસે તો કંઈ છે પણ નહી. હઝરત ફરીદુદ્દીન રહ.એ પૂછયું કે અમારા વિશે કંઈ વાત કરી હતી ? ખાદિમ અરજ કરી કે, કંઈ પણ નહી. હઝરતે ફરીવાર પૂછયું કે કંઈ તો કહયું કે પૂછયું હશે ? ખાદિમે અરજ કરી કે ફક્તત એટલું પૂછયું હતું કે અમારા શેખ કેમ છે ? આ જવાબ સાંભળીને હઝરત ફરીદુદ્દીન રહ.ની આંખોમાં પાણી આવી ગયું અને ફરમાવ્યું કે આજે તેઓ જે ઉચ્ચ સ્થાને છે, ત્યાં કોઈની મજાલ નથી. મારી સાથે એમની સાચી મહોબ્બતની આ જ નિશાની છે કે એમણે આવી સ્થિતિમાં પણ મારા વિશે પૂછપરછ કરી અને મને યાદ કર્યો .
લગાતાર રોઝા રાખવા અને ઇબાદત - રિયાઝતમાં લાગેલા રહેતા હતા. ખ્વાજા શમ્સુદ્દીન તુર્ક રહ. આપના વિશેષ ખાદિમ હતા, એમને પણ પાસે આવવાની કે વધારે વાતચીત કરવાની રજા ન હતી. બલકે આદેશ હતો કે પાછળથી જ વાત કરવી કે કામ કરવું. વુઝૂનું પાણી અને ઇફતાર માટે ગુલ્લર પણ તેઓ પાછળથી જ લાવીને મૂકી દેતા હતા. રોઝાના ઇફતાર વેળા સામે ગુલ્લર મુકેલા જોતા તો ફરમાવતા : અલ્લાહ તઆલા તો ખાવા - પીવાથી પાક છે. પણ અલ્લાહ તો અલ્લાહ છે, અને આદમી એ આદમી છે.
આપના નજીક મુજાહદહનું કેટલું મહત્વ હતું એનો અંદાઝો નીચેના કિસ્સાથી પણ કરી શકાય છે : આપબીતીમાં છે કે, હઝરત મવલાના શાહ અબ્દુલકાદિર રહ. એક વાર ચિલ્લાકશી માટે કલ્યર પહોંચ્યા. અહિંયા પહોંચીને જયારે પણ મુરાકબહ કરતા તો એક ગેબી અવાજ સંભળાતી કે 'અપના કરના અપના ભરના.' ત્રણ દિવસ પછી આમ વિચારીને પાછા આવી ગયા કે, આ જ નિયમ હોય તો પછી પોતાના જ દરવાજા વાસીને આ કામ વધારે સારી રીતે થઈ શકે છે.
મૃત્યુ - મઝાર
[ફેરફાર કરો]૧૩ રબીઉલ અવ્વલ ૬૯૦,હિજરી, એટલે કે ૧ર૯૧ ઇ. આપ રહ.ની વફાત થઈ. કલ્યરમાં આપને દફન કરવામાં આવ્યા.
મઝાર ઉપર આપ રહ.ની વફાત પછી પણ એક પ્રકારનું નૂર અથવા જવાળા સદાએ ચમકતી રહેતી હતી. ઘણા વરસો પછી હઝરત ખ્વાજા અબ્દુલ કુદ્દુસ ગંગોહી રહ. મઝાર ઉપર આવ્યા તો એમના મુરાકબહ પછી આ જવાળા બંધ થઈ. કલ્યરમાં આપ રહ.નો મઝાર છે. જેના ઉપર પાછળથી નૂરુદ્દીન જહાંગીરે ગુંબદ તામીર કરાવ્યો છે.
મશહૂર છે કે આપ રહ.ની વફાત પછી કલ્યરના લોકોએ આપ રહ.ના મઝારને નુકસાન કર્યું અને મુર્તિઓ મુકી દીધી. લોકોનો ઇરાદો કંઈ વધારે કરવાનો હતો, અલબત્ત જંગલમાંથી એક વાઘ આવ્યો અને મઝારની આસપાસ ફરવા લાગ્યો. પરિણામે મઝારને કોઈ નુકસાન કરી શકયું નહી. આજકાલ કલ્યર ઉત્તરાખંડ રાજયમાં શામેલ છે.
આપ રહ.ની કબર ઘણા સમય સુધી લોકોની આવન - જાવનથી ખાલી હતી. લોકો એના તરફ ધ્યાન આપતા ન હતા. સહુ પ્રથમ શેખ અહમદ અબ્દુલ હક રહ.એ જયારે રૂદોલીમાં ખાનકાહ શરૂ કરવાનો ઇરાદો ફરમાવ્યો તો સિલસિલાના સ્થાપકથી બરકત મેળવવાના ઇરાદે એમના મઝાર ઉપર જઈને, ઈસાલે સવાબ કરીને તવજ્જોહ પ્રાપ્ત ફરમાવી. આમ આપ રહ.નો મઝાર લોકોની જાણમાં આવ્યો પછી હઝરત શેખ અબ્દુલ કુદ્દુસ ગંગોહી રહ.એ આપના મઝારની ઓર સેવા કરી.
તઝકિરતુલ જલીલમાં સહારનપૂર જિલ્લા ગઝેટના હવાલાથી લખ્યું છે કે આપ રહ.ના કહેવાથી હિજરી સન ૯૪૪ (૧પ૩૬ ઈ.)માં હુમાયુંએ અહિયા ગુંબદ અને મસ્જિદની તામીર કરી.
શાયરી
[ફેરફાર કરો]યુવાનીના એકાંતના દિવસોમાં, બયઅત થવા પહેલાંના ઝમાનામાં આપ રહ.એ કુરઆન શરીફ હિફજ કયુઁ અને આ જ દિવસોમાં આપ રહ. શેર કહેવાનું શરૂ ફરમાવ્યું. પહેલાં 'અહમદ' તખલ્લુસ લખતા હતા પછી ખ્વાજા સાહેબ રહ.એ સાબિરનો લકબ આપ્યો તો 'સાબિર' તખલ્લુસ અપનાવ્યો. સિયરુલ અકતાબમાં લખવા મુજબ ફારસીમાં 'અહમદ' અને હિન્દીમાં 'સાબિર' તખલ્લુસ અપનાવતા હતા.
એક ગઝલના અમુક શેર આ મુજબ છે :
اِمروز شاہِ شاہاں مہمان شد ست مارا۔۔۔۔۔ جبرئیل با ملائک دربان شد ست مارا۔۔۔۔۔
دَر جلوہ گاہِ وحدت کثرت کُجا بگنجد۔۔۔۔ ہژدہ ہزار عالم یکساں شد ست مارا۔۔۔۔۔
احمد بہشت و دوزخ بَر عاشقاں حرام است۔۔۔۔۔ ہر دم رضائے جاناں رضوان شد ست مارا۔۔۔۔۔
અનુવાદ : આજે બાદશાહોના બાદશાહ અમારા મહેમાન બન્યા છે. જિબ્રઈલ અન્ય ફરિશ્તાઓ સાથે આવીને અમારા ચોકીદાર બન્યા છે. વહદત એટલે કે તવહીદના મકામમાં અનેક એટલે કોઈ અન્ય કોઈ કેવી રીતે અમારો મકસૂદ બની શકે ? અઢાર હઝાર આલમ બધા જ અમારા માટે સરખાં છે. હે અહમદ ¦ જન્નત અને દોઝખ અમારા આશિકો માટે હરામ છે. અમારી ખુશી તો અમારા માશૂક એટલે અલ્લાહ તઆલાની રઝામંદીમાં છે.
તઝકિરતુલ જલીલમાં અરમુગાને સાબિરમાંથી એક ગઝલ નકલ કરવામાં આવી છે. એક સંગ્રહ 'દીવાને સાબિર' નામી પણ જોવા મળે છે. આખા દીવાનમાં 'સાબિર' તખલ્લુસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વલ્લાહુ અઅલમ, આ અશ્આર આપના છે કે નહી ?
જીવનનો બોધપાઠ
[ફેરફાર કરો]હઝ. મવ. મુહમ્મદ મીયાં સા. રહ.એ આપના વિશે બે વાતો ઘણી જ કીમતી લખી છે :
(૧) દઢતા, સહનશીલતા અને સબ્ર એક શકિતનું નામ છે, સાલિક અને સૂફીએ એના માટે પોતાની કેળવણી કરવાની છે. કપરા સંજોગો અને મુસીબતમાં સબ્ર અને સહનશીલતા દરેક માણસ માટે જરૂરી છે. વિશેષ્ા કરીને એવા માણસ માટે જેણે તકવા અને અમાનતદારીનો માર્ગ અપનાવ્યો હોય. જેમ કે ખ્વાજા સાબિર રહ.એ તકવા અને અમાનતદારીના આધારે લંગરનું ખાણું પોતાના માટે મુનાસિબ ન સમજ્યું તો ૧ર વરસ સુધી એનાથી દૂર રહયા એટલું જ નહીં, કોઈને એની ખબર પણ ન પડવા દીધી.
(ર) આપણે આ બુઝર્ગોના જીવનમાંથી ફક્તત 'સિમાઅ - રકસ' ઉર્સ અને કવ્વાલીઓને જ યાદ રાખી છે, બીજું બધું ભુલાવી દીધું છે. એમના જીવનમાંથી શીખવાની અસલ વાતો : તકવા, એહતિયાત અને પરહેઝગારી છે. મામાની સગાઈ, પુત્ર જેવી મુહબ્બત, લંગરની જવાબદારી, મુરીદ અને ખલીફા હોવું... વગેરે સંબંધોની અનેક દલીલો હોવા છતાં અમાનતદારીનુ જે ઉચ્ચ માપદંડ પ્રમાણે તેઓ આ રસ્તે ચાલતા હતા, એના આધારે આપના તકવાએ આપને કંઈ પણ ખાવાની પરવાનગી આપી નહી. ખરી બુઝુર્ગી તકવાનું આ ઉચ્ચ સ્થાન જ છે અને એ જ બુઝુર્ગોના જીવનનો બોધપાઠ છે.[૪]
આપનું જીવન ચરિત્ર આલેખનારા દરેકે આપના હાલાત વિશે બહુ જાણકારી ન હોવાની વાત લખી છે. આ બાબતે મવલાના અલી મીયાં રહ. ફરમાવે છે કે આપના થકી ચાલેલ ચિશ્તીયા સાબરિયા સિલસિલો અને આપની સેવાઓ, વગેરે આપ રહ.ની મહાનતાનો મોટો પુરાવો છે. ઇતિહાસમાં અનેક હસ્તીઓ એવી છે, જેમનું અસ્તિત્વ પુરવાર હોવા છતાં એમના વિશે કિતાબોમાં ઘણી ઓછી જાણકારી મળે છે.</ref>(૬)તારીખે દાવત વ અઝીમત : ૩ - ૪૯</ref>
હઝરત ખ્વાજા ફરીદુદ્દીન ગંજશકર રહ.નો જે ચિશ્તી સિલસિલો આપ રહ. વડે આગળ વધ્યો એને આપ રહ.ના લકબના આધારે જ ચિશ્તીયા સાબરીયા પણ કહેવામાં આવે છે. હઝરત ખ્વાજા શમ્સુદ્દીન તુર્ક પાનીપતી રહ. આપ રહ.ના મશ્હુર ખલીફા છે અને એમનાથી જ આપ રહ.નો સિલસિલો આગળ ચાલ્યો છે.
તારીખે મશાઇખે ચિશ્ત. તારીખે મશાઇખે ચિશ્ત.
ખઝીનતુલ અસ્ફિયા. સિયરુલ અકતાબ.
હકીકતે ગુલઝારે સાબિરી. તઝકિરતુલ જલીલ.
ઇકતેબાસુલ અનવાર. તારીખે દાવત વ અઝીમત.
નુઝહતુલ ખવાતિર. આપબીતી.
પાનીપત ઓર બુઝુર્ગાને પાનીપત.
અસ્સુન્નતુલ જલીય્યહ ફીલ ચિશ્તીય્યતિલ અલીય્યહ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- http://www.new.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data58/upload/0076/715&first=1&last=16&barcode=99999990874998[હંમેશ માટે મૃત કડી]
- http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data9/upload/0275/525&first=1&last=25&barcode=99999990078128[હંમેશ માટે મૃત કડી]
- http://www.new.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data53/upload/0045/563&first=1&last=26&barcode=99999990812957[હંમેશ માટે મૃત કડી]