ગુણવંત શાહ

વિકિપીડિયામાંથી
ગુણવંત શાહ
ગુણવંત શાહ, તેમના નિવાસસ્થાને.
ગુણવંત શાહ, તેમના નિવાસસ્થાને.
જન્મગુણવંત ભૂષણલાલ શાહ
(1937-03-12) 12 March 1937 (ઉંમર 87)
રાંદેર, સુરત, ગુજરાત, ભારત
વ્યવસાયલેખક, નિબંધકાર, શિક્ષક
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણપીએચ.ડી.
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથીઅવંતિકા શાહ
સંતાનોમનિષા, અમિષા, વિવેક

ગુણવંત શાહ (જન્મ: ૧૨ માર્ચ ૧૯૩૭, રાંદેર, સુરત, ગુજરાત) જે ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.[૧][૨]તેઓ ૧૯૯૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૨૦૧૫માં ભારત સરકારના ચોથા ઉચ્ચ પુરસ્કાર પદ્મશ્રી વડે સમ્માનિત થયા હતા.[૧][૩]

જીવન[ફેરફાર કરો]

ગુણવંત શાહનો જન્મ રાંદેર, સુરતમાં ૧૨મી માર્ચ ૧૯૩૭ના રોજ પિતા ભૂષણલાલને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યું હતું; સાથે જ તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલમાં લીધું હતું.[૪]

તેમણે ઇસવીસન ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધિ મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બી.ઍડ.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ડિગ્રી અનુક્રમે ઇસવીસન ૧૯૬૧ અને ૧૯૬૪માં મેળવી હતી.[૪]

શૈક્ષણિક કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.[૧] વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.[૧] ત્યારપછી ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ (જે હવે ચેન્નઈ તરીકે ઓળખાય છે)માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાના વડા તરીકે સેવાઓ આપી.[૫] વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી, બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી.[૫] તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગના વડા તરીકે પણ સેવા આપી છે.[૧]

વર્તમાન જીવન[ફેરફાર કરો]

તેઓ હાલમાં ટહુકો નામના તેમના બંગલામાં વડોદરા ખાતે રહે છે. શાહ હાલમાં દૈનિક દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કૉલમ અને એક પ્રમુખ ગુજરાતી સામયિક નવનીત સમર્પણમાં લેખનકાર્ય કરી રહ્યા છે.

સાહિત્ય[ફેરફાર કરો]

ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર છે. તેમના નિબંધસંગ્રહોમાં કાર્ડિયોગ્રામ (૧૯૭૭), રણ તો લીલાંછમ (૧૯૭૮), વગડાને તરસ ટહુકાની (૧૯૭૯), વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧), મનનાં મેઘધનુષ (૧૯૮૫), ગાંધીની ચંપલ, બત્રીસે કોઠે દીવા, સંભવામિ યુગે યુગે (૧૯૯૪), કબીર ખડા બાજારમેં (૨૦૦૪), પરોઢિયે કલરવ, નિરખીને ગગનમાં, એકાંતના આકાશમાં, પ્રભુના લાડકવાયા, નિખાલસ વાતો, ગાંધીની લાકડી, પતંગિયાની આનંદયાત્રા, પતંગિયાની અવકાશયાત્રા અને અન્ય બીજાં પુસ્તકોનો સમાવેશ થાય છે.[૪]

તત્વજ્ઞાન પર તેમણે મહંત, મુલ્લા, પાદરી (૧૯૯૯)[૬], કૃષ્ણનું જીવનસંગીત[૭], વિચારોનાં વૃંદાવનમાં[૭], અસ્તિત્વનો ઉત્સવ[૭], ઇશાવાસ્યમ, ટહુકો, વગેરે જેવા ગ્રંથો લખ્યા છે. જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ એ તેમનાં આત્મકથાત્મક પુસ્તકો છે જ્યારે વિસ્મયનું પરોઢ (૧૯૮૦) તેમનું ગદ્યકાવ્ય છે.[૪]

તેમના ચરિત્રગ્રંથોમાં મા, ગાંધી: નવી પેઢીની નજરે (૧૯૮૨), મહામાનવ મહાવીર (૧૯૮૬), કરુણામૂર્તિ બુદ્ધ (૧૯૮૩), સરદાર એટલે સરદાર (૧૯૯૪), શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ અને ગાંધીનાં ચશ્માંનો સમાવેશ થાય છે.[૪]

તેમની નવલકથાઓમાં રજકણ સૂરજ થવાને શમણે (૧૯૬૮) અને મૉટેલ (૧૯૬૮)નો સમાવેશ થાય છે.[૪] કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬) તેમનું પ્રવાસપુસ્તક છે.[૪]શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪), સાવધાન, એકવીસમી સદી આવી રહી છે (૧૯૮૭), કૃષ્ણનું જીવનસંગીત (૧૯૮૭) વગેરે તેમનાં પ્રકીર્ણ ગ્રંથો છે.

પુરસ્કારો અને ઓળખ[ફેરફાર કરો]

ભારત સરકાર દ્વારા તેમને ૨૦૧૫માં ભારતના ચતુર્થ ઉચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રી વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને ૧૯૯૭માં મળ્યો હતો.[૧] ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.[૫] તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.[૫]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • અમિષા શાહ. ગુફ્તગૂ ગુણવંત શાહ સાથે. આર. આર. શેઠની કંપની. ISBN 8189919156.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "About the Author - DR. GUNVANT B. SHAH | Desh Videsh". www.deshvidesh.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2011-07-09 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.
  2. "Latest News, Breaking News Live, Current Headlines, India News Online | The Indian Express". cities.expressindia.com (અંગ્રેજીમાં). મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.
  3. "Dr. HL Trivedi, Gunvant Shah, Rajesh Kotecha get Padma Shri". DeshGujarat (અંગ્રેજીમાં). 2015-04-08. મેળવેલ 2021-02-05.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era) (in Gujarati). Ahmedabad: Parshwa Publication. pp. 295–298. ISBN 978-93-5108-247-7.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Dr. Gunvant B. Shah". Tahuko (અંગ્રેજીમાં). ૫ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.
  6. "Archive News - The Hindu". ધ હિન્દુ (અંગ્રેજીમાં). મૂળ માંથી 2012-01-11 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ "Shri Gunvant Shah". મૂળ માંથી ૨૧ જાન્યુઆરી ૨૦૦૫ પર સંગ્રહિત. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]