ગુરુ ગોવિંદસિંહ

વિકિપીડિયામાંથી
ગુરુ ગોવિંદસિંહ
ગુરુ ગોવિંદસિંહ
ખાલસા જોડે હાથમાં બાજ ધરાવતા ગુરુ ગોવિંદસિંહ
અંગત
જન્મ
ગોવિંદ રાય

૫ જાન્યુઆરી ૧૬૬૬
પટણા સાહિબ, ભારત
મૃત્યુ7 October 1708(1708-10-07) (ઉંમર 41)
હજુર સાહિબ, નાંદેડ
ધર્મશીખ
જીવનસાથીમાતા જીતો, માતા સુંદરી અને માતા સાહિબ દેવન[૧]
બાળકોઅજીત સિંહ
જુઝાર સિંહ
જોરાવર સિંહ
ફતેહ સિંહ
માતા-પિતાગુરુ તેગ બહાદુર, માતા ગુજરી
પ્રખ્યાત કાર્યખાલસાના સ્થાપક[૨]
જપ સાહિબ, ચંડી દી વાર, તાવ-પ્રસાદ સાવિયે, ઝફરનામા, બચ્ચિતાર નાટક, અકાલ ઉસ્તાત, ચૌપડીના લેખક
અન્ય નામોદસમા નાનક[૩]
ધાર્મિક કારકિર્દી
પુરોગામીગુરુ તેગ બહાદુર
અનુગામીગુરુ ગ્રંથ સાહિબ

ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે, એક મહાન યોદ્ધા અને કવિ તરીકે, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે. ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. ઉત્તરમાં હિમાલયની શ્રુંખલાઓમાં આવેલ હેમકુટથી લઈ દક્ષિણમાં ગોદાવરીના તટ સુધી તેમની જીવનયાત્રાના પ્રસંગો વણાયેલા છે. તેમની જીવનયાત્રા વાસ્તવમાં ભારતની વિવિધતામાં સમાયેલી ભાવનાત્મક એકતા, સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીયતાનું પ્રતીક છે.

વિક્રમ સંવત ૧૭૨૩ પોષ સુદ સાતમ (નાનકશાહી કેલેન્ડર અનુસાર ૫મી જાન્યુઆરી)ના દિવસે તેમનું અવતાર પર્વ (જન્મ દિવસ) મનાવવામાં આવે છે. તેમનો જન્મ થયો ત્યારે લુધિયાણાના મુસલમાન પીર ભીખનશાહે પશ્ચિમને બદલે પૂર્વ તરફ (પટણા તરફ) મુખ રાખી સિજદા કરી અને આ અવતારી બાળકનાં દર્શન કરવા નીકળી પડયા. તે પટણા પહોંચ્યા ત્યારે ગોવિંદરાય માત્ર તેર દિવસના હતા. ભીખનશાહે તેમની પાસે માટીના બે કુંજા રાખ્યા. જે બે કોમના પ્રતીક હતા. બાળક ગોવિંદરાયે બંને કુંજા પર પોતાના નાના નાના સુંદર હાથ મૂકયા. ભીખનશાહે સૌને વધામણી આપી આ તો સૌના ગુરુ આવ્યા છે. આમ, ગોવિંદરાયે જન્મથી જ ધાર્મિક રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. માત્ર નવ વર્ષના હતા ત્યારે કાશ્મીરી પંડિતોનાં સમગ્ર દેશની પ્રજાના ધર્મના રક્ષણ માટે પિતાને બલિદાન આપવા પ્રેરણા આપી. જયારે તેમને ખાતરી થઈ કે માત્ર ભકિત કે બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભકિત સાથે શકિતનો સુમેળ સાઘ્યો અને એક એવી પ્રજા તૈયાર કરવાની શરૂઆત કરી જે અન્યાય અને અત્યાચારનો સામનો પૂરી શૂરવીરતાથી કરે. ધર્મ, દેશ માટે મરી ફીટવા તૈયાર રહે અને સિપાહીની સાથે સંતના ગુણો પણ ધરાવતી હોય. દેશની ભીરુ પ્રજાને શૂરવીરતાના પાઠ ભણાવવા તેમણે એલાન કર્યું.

તેમને વીરરસ જગાવનારી રચના કરવા પ્રેરણા આપતા. પોતે પણ મહાન કવિ હતા. તેમણે પંજાબી, ફારસી, અવધિ, વ્રજ જેવી ભાષાઓની રચના કરી. તેમની રચનાઓમાં જાપસાહેબ, અકાલઉસ્તતિ ચંડી દી વાર, ચોબીસ અવતાર, વિચિત્ર નાટક, શસ્ત્ર નામ માલા જેવી અનેક રચનાઓ છે. દસમ ગ્રંથ ગુરુજી દ્વારા રચિત મહાન ગ્રંથ છે. તેમની રચનાઓમાં ઈશ્વરની સ્તુતિ છે. માનવકલ્યાણ માનવમાત્રની એકતાનો સંદેશ છે. ધર્મ માટે મરી ફીટવાની ભાવના જગાડતી શૂરવીરતાનો ડંકો છે. સાથે સંસારમાં રહીને જળકમળવત્ સાદું જીવન જીવવાની પ્રેરણા પણ છે.

તેમણે ઈશ્વર પાસેથી શકિત અને વીરતા માગવાનું કહ્યું છે. યુદ્ધ કરવું પણ ધર્મરક્ષા અને દીન-દુ:ખીઓના રક્ષણ માટે અને એવા યુદ્ધમાં જીત મેળવવી અને યુદ્ધમાં ખપી જવું તેને પોતાનું અહોભાગ્યા માન્યું છે. ગુરુજીએ જીવનમાં અનેક ધર્મયુદ્ધ કર્યા અને મોટાભાગે વિજય પણ મેળવ્યો.

ધર્મ, દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંતસિપાહી એવી ખાલસા (શુદ્ધ-પવિત્ર) કોમની રચના કરી. જેમને પાંચ ‘ક’ થી શરૂ થતી નિશાની ધારણ કરાવી. કેશ, કડું, કિરપાણ, કાંસકો અને કરછ. કેશ-સંત ઋષિમુનિની નિશાની જયારે કિરપાણ સિપાહીની નિશાની. આ તલવાર નહીં પણ કિરપાણ છે. જેનો ઉપયોગ કોઈની આન બચાવવા કે કોઈ પર કòપા કરવા રક્ષણ કરવા માટે કરવાનો છે. તેમણે જે પાંચ પ્યારા સ્થાપ્યા તે પણ દેશના જુદા જુદા ભાગમાંથી જુદી જુદી જાતિના હતા. તેમને અમૃતપાન કરાવ્યા પછી સૌનાં નામ પાછળ સિંઘ (સિંહ) શબ્દ લગાડીને તેમના ભેદભાવ મિટાવી દીધા અને તેમને સિંહ જેવા વીર બનાવ્યા.

દેશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે નવ વર્ષની ઉંમરમાં પિતાનું બલિદાન આપ્યું અને ૩૮ વર્ષની ઉંમરમાં ચારે પુત્રોનું બલિદાન આપ્યું. તેથી જ સર્વવંશ દાની કહેવાયા. પુત્રોની શહાદતના સમાચારથી વિચલિત ન થયા.

તે સમયે દેશ જાતજાતના હિંદુ-મુસ્લિમના વાડાઓમાં વહેંચાયેલો હતો ત્યારે તેમણે માનવમાત્રની એકતાનો ઉપદેશ આપ્યો. સમયને ઓળખીને તેમણે દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને ગુરુ ગ્રંથસાહેબને ગુરુપદે સ્થાપ્યા. આમ કરીને તેમણે કોઈ વ્યકિત વિશેષ નહીં પણ જ્ઞાન અને ભકિતનું મહત્ત્વ સ્થાપિત કર્યું. સંવત ૧૭૬૫માં કારતક સુદ પાંચમને દિવસે અવિચલનગર હજુરસાહેબમાં તેમણે દેહલીલા સંકેલી લીધી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dhillon, Dr Dalbir Singh (૧૯૮૮). Sikhism – Origin and Development. Atlantic Publishers and Distributors. પૃષ્ઠ ૧૪૪. મૂળ સંગ્રહિત માંથી ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. Arvind-Pal Singh Mandair; Christopher Shackle; Gurharpal Singh (૨૦૧૩). Sikh Religion, Culture and Ethnicity. Routledge. પૃષ્ઠ ૨૫–૨૮. ISBN 978-1-136-84627-4.
  3. Pashaura Singh; Louis E. Fenech (૨૦૧૪). The Oxford Handbook of Sikh Studies. Oxford University Press. પૃષ્ઠ ૩૧૧. ISBN 978-0-19-969930-8.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]