ગોલ્ડન બ્રિજ

વિકિપીડિયામાંથી
ગોલ્ડન બ્રિજ, ભરૂચ

ગોલ્ડન બ્રિજ ભરૂચ શહેરમાં નર્મદા નદી પર અંગ્રેજોએ બનાવેલો પોલાદનો પુલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ પુલ ૭ ડિસેમ્બર ૧૮૭૭થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ને દિવસે તે બનીને તૈયાર થઇ ગયો હતો.[૧] પુલ બનાવવાનો કુલ ખર્ચ રૂ. ૪૫,૬૫,૦૦૦ થયેલો. આ પુલમાં રીવૅટૅડ જોઇન્ટસનો ઉપયોગ થયેલો છે. અપૂરતી જાળવણીને કારણે તેના પર કાટ ચડવા લાગ્યો છે. આ પુલ હાલમા ફક્ત નાના વાહનો માટેજ વપરાય છે. તેને નર્મદા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના થાંભલાઓ તો આવતા જતા વાહનો માટે બેવડી લાઈન માટે નંખાતા હતા, પણ ઉપરનો ભાગ માત્ર એક રેલવેની અવરજવર માટેનો ૧૪ ફૂટ પહોળો હતો. ઈ.સ. ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરુ થયેલું તેની સાથેસાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી.[૨]

સને ૧૮૬૩માં નર્મદામાં આવેલ ભયંકર પૂરથી પુલના છ (૬) ગાળા ખેંચાઈ ગયા હતા. ફરીથી બનાવેલા આ ગાળાઓમાંથી ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું. આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ ૧૮૭૧માં પૂર્ણ થયું.

૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. ૪૬,૯૩,૩૦૦નો ખર્ચ થયો. આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો. એ વર્ષમાં સપ્ટેમ્બરમાં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના છવ્વીસ (૨૬) ગાળાને નુકશાન પહોંચ્યું હતું. વહેવાર ચાલુ રાખવા માટે બીજો કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજો જબરો પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. ૧૮૮૧ના મે માસની ૨૬મી એ બંધાઈ રહ્યો. એની પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો.

આ પુલ ૧૮૬૦ની સાલમાં બંધાવા માંડ્યો તે ૧૮૭૭ સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ. ૮૫,૯૩,૪૦૦નો ખર્ચ થયો હતો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય ને થયો એટલો બધો ખર્ચ આની પાછળ સરકારને - રેલ્વેને થયેલ હોવાથી આ પુલ "સોનાનો પુલ" તરીકે ઓળખાય છે.

નવો પુલ[ફેરફાર કરો]

૧૯૩૫માં નવો પુલ "સિલ્વર જ્યુબીલી બ્રિજ" બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો અને ૧૯૪૩માં વાહન વ્યવહાર બદલી નાંખવામાં આવ્યો હતો. ૧૯૪૯માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ ૮૪ (ચોર્યાશી) લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો.

બીજા વિશ્વયુદ્ધ વખતે જૂનો પુલ તોડી એના લોખંડની સારી એવી કિંમત ઉપજી જાય તેમ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતને વાહન વ્યવહાર દ્વારા જોડનારો આ સાંકળરૂપ પુલ સિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જિલ્લા લોકલ બોર્ડે અને ભરૂચ જિલ્લાની પ્રજાએ સભાઓ બોલાવી ભારે રજુઆતો કરી આ પુલ 'સ્ક્રેપ અપ' થતા અટકાવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Golden Bridge stands true to its name now". The Times of India. 12 July 2012. મેળવેલ 1 July 2018.
  2. http://gujarat.co.uk/visit-gujarat/detail/bharuch ભરૂચ વિશેની માહિતી