લખાણ પર જાઓ

નંદકુમાર પાઠક

વિકિપીડિયામાંથી

પાઠક નંદકુમાર જેઠાલાલ (૨૫-૧-૧૯૧૫) : નાટ્યકાર, કવિ, વિવેચક. જન્મ ગોઠ (જિ. પંચમહાલ) માં. ૧૯૩૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯ થી ૧૯૪૩ સુધી સેન્ટ્રલ ન્યુઝ ઓર્ગેનિઝેશન, દિલ્હીમાં અનુવાદક તથા પ્રવક્તા. ૧૯૪૪ થી ૧૯૭૩ સુધી આકાશવાણીનાં વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમ સહાયક અને સહાયક કેન્દ્ર નિયામક. ૧૯૭૪માં ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદમાં ગુજરાતી-જ્ઞાનકોશના સહાયક સંપાદક.


એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સંવેદના’ (૧૯૪૨)માં મુખ્યત્વે વિષાદના ભાવનું નિરૂપણ કરતી રચનાઓ સૉનેટ, ખંડકાવ્ય, ગીતકાવ્ય અને છાંદસ કાવ્યના સ્વરૂપે મળે છે. ‘મોભનાં પાણી’ (૧૯૪૭) બે સ્ત્રીપાત્રો અને બે પુરુષપાત્રોના આધારે, કેળવણી અને સંસ્કૃતિના પ્રભાવે સર્જાતી લગ્નજીવનની સમસ્યાનું નિરૂપણ કરતી એમની સામાજિક નવલકથા છે. ‘પારકી જણી’ (૧૯૫૦) દંભી સમાજની ટીકાત્મક છણાવટ કરતું નાયિકાપ્રધાન, પ્રશ્ન પ્રધાન સામાજિક નાટક છે. ‘ભાડે આપવાનું છે’ (૧૯૫૬) એમનું ત્રિઅંકી પ્રહસન છે; તો એકાંકીસંગ્રહ ‘વૈશાખી વાદળ’ (૧૯૫૯)માં તખ્તાલાયકી ધરાવતાં મૌલિક નાટકો છે. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં આપેલાં એકાંકીના સ્વરૂપ અને વિકાસ અંગેના વ્યાખ્યાનોનો સંગ્રહ ‘એકાંકી : સાહિત્ય અને સ્વરૂપ’ (૧૯૫૬) તથા નાટકની પાશ્ચાત્ય વિભાવનાની ચર્ચા કરતું પુસ્તક ‘પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો’ (૧૯૬૮) એ એમના સંશોધનાત્મક વિવેચનનાં ઉદાહરણો છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં છાંદસ-અછાંદસ પ્રકારની ૧૩૭ જેટલી રચનાઓનો કાવ્યસંગ્રહ ‘લહેરાતાં રૂપ’ (૧૯૭૮), યુસુફ મહેરઅલીના ચરિત્રલેખોના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ ‘આપણા નેતાઓ’ (૧૯૪૪) તથા પ્રકીર્ણ પુસ્તક ‘સમાજવાદની પુનર્વિચારણા’ (૧૯૪૪) નો સમાવેશ થાય છે. (-પરેશ નાયક)


એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય (૧૯૫૬) : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ નંદકુમાર પાઠકે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ. અહીં સંસ્કૃત સાહિત્યમાં એકાંકી, પાશ્ચાત્ય સાહિત્યમાં એકાંકી અને તેના ઉદભવ-વિકાસ , એકાંકીનું સંવિધાન, રંગમંચ અને એકાંકી, ગુજરાતી સાહિત્યમાં એકાંકી વિકાસ તથા એકાંકી અને રેડિયો નાટક જેવાં વિષયાંગો સમાવિષ્ટ છે. વિષય-પ્રવેશની ભૂમિકાએ ઉપયોગી બનતા આ સંગ્રહમાં નિરૂપિત સામગ્રી અને તેની રજૂઆત મુદ્દાસર છે. (-રમેશ ર. દવે)


પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો (૧૯૬૮) : પશ્ચિમનાં વિવિધ નાટ્યસ્વરૂપોનો પરિચય આપતું નંદકુમાર પાઠકનું પુસ્તક. ને ટ્રેજેડી અને કૉમેડી એવા બે વ્યાપક ખંડોમાં વહેંચી કુલ અઢાર પ્રકરણોમાં ટ્રેજેડીના પ્રકારો અને કૉમેડીના પ્રકારોને સમાવ્યા છે; તેમ જ એરિસ્ટોટલથી માંડી આધુનિક યુગ સુધીની નાટકધારાઓનું સ્વરૂપ, એનો ઇતિહાસ અને વિકાસ બતાવ્યાં છે. ટ્રેજેડી ‘થિયેટર ઑવ ધ એબ્સર્ડ’ અને ‘ધ થિયેટર ઑવ ક્રયૂઅલ્ટી’ સુધી વિસ્તરી છે; તો કૉમેડીનો પણ વિવધ વળાંકો સુધી વિસ્તાર થયો છે. અહીં લેખકનો નાટ્યાભ્યાસ અંગેનો પરિશ્રમ દેખાઈ આવે છે. (-ચંદ્રકાન્ત ટોપીવાળા)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય