પ્રબોધિની એકાદશી
પ્રબોધિની એકાદશી ગુજરાતી પંચાંગ અનુસાર કારતક સુદ અગિયારસે ઉજવવામાં આવે છે. પુરાણો મુજબ બ્રહ્માએ તેનો મહિમા નારદ મુનિને કહ્યો છે. પ્રબોધિની એકાદશીનો દિવસ તુલસીવિવાહ તરીકે પણ ઉજવવામાં આવે છે.
બ્રહ્માએ કહ્યુકે, હે નારદ ! પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપુર્વક જો ઉપવાસ કરવામાં આવે તો તેના કુળનો પણ ઉધ્ધાર થાય છે. વળી તેના ઘરમાં બધાં જ તિર્થોનો વાસ થાય છે. ઉપવાસ કરનાર જ્ઞાની અને યોગી બનીને મોક્ષને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થાય છે. એકાદશી ભગવાનને ખુબ જ પ્રિય છે, તેથી તેનો ઉપવાસ કરવાથી સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું ફળ મેળવવાને ભાગ્યશાળી થાય છે. વળી આ એકાદશીના દિવસે જે કોઈ ભાગવતની કથાનો પાઠ કરશે તેને સપ્તદ્વીપ સહિત પૃથ્વીના દાનનું ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કથા સાંભળનારને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. પ્રબોધિની એકાદશી વ્રતનો આ પ્રમાણેનો ઉત્તમ મહિમા નારદ મુનિએ બ્રહ્મા પાસેથી સાંભળ્યો.
વ્રતની વિધિ
[ફેરફાર કરો]પ્રબોધિની એકાદશી વ્રતનો મહિમા સાંભળીને નારદ મુનિ બ્રહ્માને પુછવા લાગ્યા કે, હે પ્રભુ ! આપ આ એકાદશી વ્રત કરવા માટેની વિધિ કહી સંભળાવો. જેથી બ્રહ્મા બોલ્યા, હે નારદ ! આ એકાદશીનાં દિવસે જયારે રાત પાંચ ઘડી બાકી રહે ત્યારે વહેલી પરોઢે નિદ્રામુકત થઈ દાતણ કરી નદી, કુવે કે તળાવમાં સ્નાન કરવું. પછી ભગવાન વિષ્ણુનું પૂજન કરી ને કથા સાંભળવી અને ભજન સત્સંગ કરી ઉપવાસ સમર્પણ કરવો. આ દિવસે ભગવાનનું પુજન ફળ, ફૂલ, કપુર તેમજ કેશરથી કરવું. વળી રાત્રે જાગરણ કરતી વેળાએ જુદી જુદી જાતનાં ફળો લઈ પ્રભુને તેનો અધ્ર્ય આપવો અને પુજન કરતા હોઈએ એમ હાથ જોડીને વંદન કરી ઊભા રહેવું. ફળ-ફૂલથી ભગવાનની પુજા કરનારને સર્વાધિક ફળ મળે છે. બીલીપત્ર તેમજ તુલસીપત્રથી પુજન કરનારનાં જન્મોજન્મનાં પાપો બળી જાય છે. વળી જે કોઈ ભગવાનનું કદંબનાં ફુલોથી પુજન કરે તો તેને કયારેય યમલોકમાં વાસ કરવાનો વારો આવતો નથી. ભગવાન તેના ઉપર ચાર યુગ સુધી પ્રસન્ન રહે છે, અગર જો ભગવાનને કેતકીનાં ફુલો ચઢાવવામાં આવે તો વ્યક્તિ ફરીથી આ સંસારમાં આવી શક્તી નથી. તે પ્રભુકૃપા થકી મુકત થઈ જાય છે અને સતપત્રોથી જે કોઈ પુજા કરશે તેનો સપ્તદ્વીપમાં વાસ થાય છે.
બારશનાં દિવસે નદીએ જઈ ને સ્નાન કરવું. પછી ઘેર આવી ને વિધિપૂર્વક બને તો ઉપર જણાવ્યા મુજવ ભગવાનનું પૂજન કરવું અને વ્રતની સમાપ્તિ માટે વધારે નહિ તો પાંચ બ્રાહ્મણ જમાડવાં. બ્રાહ્મણને જમાડયા પછી યથાશક્તિ દાન આપવુ. પછી ચાતુર્માસમાં જે નિયમો કર્યા હોય તે બ્રાહ્મણો સામે ત્યાગ કરવો. જેણે ભકત ભોજનનો નિયમ કર્યો હોય તેણે બ્રાહ્મણ જમાડવા, જેણે અયાચિત વ્રત કર્યુ હોય તેણે સુવર્ણદાન કરવું. જેણે અડદ આદિનો ચારુર્માસમાં ત્યાગ કર્યો હોય તેણે ગોદાન કરવું. ચાર મહિના સુધી દહી તથા મધનો ત્યાગ કર્યો હોય તેણે દહી તથા મધનું દાન કરવું.