બાદિયાન

વિકિપીડિયામાંથી

બાદિયાન (Star anise)
Star anise fruits (Illicium verum)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
Order: Austrobaileyales
Family: Schisandraceae
Genus: 'Illicium'
Species: ''I. verum''
દ્વિનામી નામ
Illicium verum

બાદિયાન (અંગ્રેજી: Star anise; વૈજ્ઞાનિક નામ: Illicium verum) તારા આકારનો એક સુગંધી મસાલો કે વસાણું છે જેની સોડમ વરિયાળીને મળતી આવે છે. બાદિયાનનું શાસ્ત્રીય નામ ઈલિસીયમ વેરમ છે. આખા મસાલા તરીકે રસોઈમાં વપરાતા તારા આકારના બાદિયાન એ તેનો બીજકોષ હોય છે. નિત્ય લીલું રહેતું બાદિયાનનું વૃક્ષ મધ્યમ કદનું હોય છે. બાદિયાનએ ઈશાન વિએટનામ અને નૈઋત્ય ચીનના ક્ષેત્રનું વતની છે. પાકવાના અમુક સમય પહેલાં જ બાદિયાનને લણી લેવામાં આવે છે. ચીન, ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં વ્યાપારી ધોરણે બાદિયાનનું ઉત્પાદન કરવામાં આવે છે.

નામ વ્યૂત્પતિ અને નામો[ફેરફાર કરો]

બાદિયાનનું શાત્રીય નામ ઈલિસીયમ વેરમ છે. ઈલિસીયમ શબ્દ એ લેટિનના શબ્દ ઈલિસીયો પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ લલચાવવું અથવા લોભાવવું એવો થાય છે.

ફારસી ભાષામાં તેને બાદિયાન (بادیان) કહે છે અને આથી ફ્રેંચમાં તેનું નામ બાદિયાનૅ એવું પડ્યું છે. ઉત્તર ભારતમાં તેને બાદિયાન ખટાઇ કહે છે. એમ માનવામાં આવે છે બાદિયાનનું વતન ચીનમાં ખટા નામનું સ્થળ છે. તમિલ ભાષામાં આને અનાચી મોક્કુ (அன்னாசி மொக்கு) કહે છે અને મલયાલમ ભાષામાં તેને થાકોલમ કહે છે. તેલુગુ ભાષામાં તેને આનસ પુવ્વુ (అనస్ పువ్వు) કહે છે. મલય ભાષામાં આને બુંગા લવંગ કહે છે. મલય રસોઈમાં આનો વિપુલ પ્રમણમાં ઉપયોગ થાય છે.

વપરાશ[ફેરફાર કરો]

રસોઈમાં વપરાશ[ફેરફાર કરો]

ફળની ઊંધી બાજુ
૧૮૩૩ના "ફ્લોર મેડીકાલે"નું પૃષ્ઠ

સંપૂર્ણ ભારતીય ઉપમહાદ્વીપમાં બાદિયાનનો ઉપયોગ બિરિયાની અને મસાલા ચા બનાવવામાં થાય છે. ગરમ મસાલાની બનાવટમાં પણ બાદિયાન વપરાય છે. બાદિયાનમાં સુગંધી દ્રવ્ય હોવાથી આ વસાણું પાક વગેરેમાં વપરાય છે[૧]. આ સિવાય ચીની અને મલેશિયાની અને ઈંડોનેશિયાની રસોઈમાં તે વપરાય છે. ચીનમાં પાંચ મસાલાના મિશ્રણ નામનો એક મસાલો બને છે તેમાં બાદિયાન એક ઘટક હોય છે. વિએટનામના એક નૂડલ સૂપ ફો (phở) માં પણ બાદિયાન વપરાય છે.

બાદિયાનમાં એનેથોલ (anethole) નામનું એક સંયોજન રહેલું છે, આ જ સંયોજન ઍનીસમાં પણ મળી આવે છે. હાલના સમયમાં ઍનિસના સસ્તા વિકલ્પ તરીકે પાશ્ચાત્ય દેશોમાં બાદિયાનનો ઉપયોગ બેકિંગ અને મદિરા ઉદ્યોગ (ખાસ કરીને ગૅલિઆનૉ નામનો દારૂ બનાવવા)માં થવા લાગ્યો છે. આ સિવાય સામ્બુકા પૅસ્ટીસ અને એબ્સીન્થે નામના મદિરાની બનાવટમાં પણ બાદિયાન વપરાય છે. બાદિયાન માંસનો સ્વાદ વધારે છે.

વૈદક વપરાશ[ફેરફાર કરો]

આયુર્વેદિક મત અનુસાર બાદિયાન ગુણમાં દીપક, પાચક તથા વાતહર મનાય છે. તે જઠરાગ્નિને તે પ્રદીપ્ત કરે છે. અછોછી, પેટચૂંક તથા આફરામાં તે અપાય છે[૧].

સાંધાની તકલીફોના ઉપચાર માટે બાદિયાનને ચામાં ઉમેરી પીવામાં આવે છે. ભોજન પછી પાચન માટે બાદિયાનના બી ચાવવામાં આવે છે.[સંદર્ભ આપો] પારંપરિક ચીની વૈદકમાં બાદિયાન ઉષ્ણ અને ચલિત કરનાર ઓસડ મનાતું હોવાથી, શરદી અને મધ્ય જીજો (ચીની વૈદકના અનુસાર શરીરના ત્રણ દાહકો માંનો મધ્યભાગ જેમાં જઠર, બરોળ, યકૃત, પિત્તાશય આદિ)ના જામને હટાવવા તેનો ઉપયોગ કરે છે.

બાદિયાનએ શીકિમીક એસિડ નામના સંયોજનનો મુખ્ય સ્ત્રોત છે. આ સંયોજન ઈનફ્લ્યુએન્ઝાની દવા ઓસેલ્ટેમીવીર (ટેમીફ્લ્યુ) ની બનાવટમાં પ્રાથમિક સમન્વય પ્રક્રીયાની શરૂઆતમાં વપરાય છે. [૨] મોટા ભાગના ઉત્પાદક સજીવો શીકિમીક એસિડ જાતે બનાવે છે. વ્યાપારિક ધોરણે શીકિમીક એસિડ મેળવવાનો બાદિયાન મહત્ત્વપૂર્ણ સ્રોત છે. ટૅમી ફ્લ્યુ દવાની બનાવટમાં તેનો વિશેષ ઉપયોગ થવાથી ૨૦૦૫માં બાદિયાનની હંગામી અછત ઊભી થઈ હતી. તે વર્ષે જીવાણુઓનો ઉપયોગ કરી શીકિમીક ઍસિડ મેળવવાની પદ્ધતિ વિકસાવાઈ હતી. [૩][૪][૫] ૨૦૦૯માં સ્વાઈન ફ્લ્યુનો રોગચાળો ફાટી નીકળતાં ફરીથી બાદિયાનની અછત ઊભી થઈ અને તેના ભાવ ઘણાં વધી ગયાં હતાં.[૬]

ચીનના ચાર રાજ્યો (ફ્યુજિયાન, ગુઆન્ગ ડોન્ગ, ગુઆઙઝી, યુનાન) માં બાદિયાનની ખેતી કરવામાં આવે છે અને માર્ચ થી મે મહિના દરમ્યાન તેની લણણી કરવામાં આવે છે.

બાદિયાનમાંથી શીકિમીક ઍસિડ મેળવવાની પ્રક્રિયા ૧૦ તબક્કા ધરાવે છે અને તેને ૧ વર્ષ જેટલો સમય લાગે છે. એમ કહેવાય છે કે ૯૦% જેટલા બાદિયાન ટૅમેફ્લ્યુ બનાવતી રોચે નામની સ્વીસ દવા બનાવનારી કંપની વાપરે છે.

જાપાની બાદિયાન ઈલિસીયમ એનીસેટમ(Illicium anisatum)નું વૃક્ષ પણ બાદિયાન જેવું જ હોય છે પણ તે ઝેરી હોવાથી ખાવાના વપરાશમાં લઈ શકાતું નથી. જાપાનીઓ તેને અગરબત્તીની જેમ બાળે છે. આવી જાપાની ઝેરી બાદિયાન ચામાં નાખી ખાતા ભયંકર મગજ સંબંધી વ્યાધિ થતી હોવાનું જણાયું છે. જાપાની બાદિયાનમાં એનિસૅટીન હોય છે જે મૂત્રપિંડ (કિડની), મૂત્ર નલિકા, પાચન તંત્રના અવયવોમાં બળતરા ઉત્પન્ન કરે છે

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ મહારાજા સર ભગવતસિંહજી જાડેજા (૧૯૫૫). "બાદિયાન". શબ્દકોશ. bhagwadgomandal.com. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૮.
  2. doi:10.1016/j.jep.2011.04.051
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  3. doi:10.1038/nrd1917
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  4. doi:10.1016/j.ymben.2003.09.001
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  5. doi:10.1002/bit.20546
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  6. Louisa Lim (18 May 2009). "Swine Flu Bumps Up Price Of Chinese Spice". NPR.

સંદર્ભગ્રંથસૂચિ[ફેરફાર કરો]