ભુવડ ચાવડા
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (૨૦૨૩) |
આહીર સમાજના ભૂવડ ચાવડાની મર્દાનગીની રોમાંચક ગાથા
આહીર સમાજના ચાવડા કુળના ભુવડ ચાવડાની વિરતાની ગાથા ઐતિહાસિક છે. આજથી અગિયારસો વર્ષ પુર્વ કચ્છમાં કેરા નામનો કોટ હતો. જેમાં રા'લાખાનું રાજ હતુ. રા'લાખા પોતે શુરવીર હોય પોતાના રાજય અને દરબારમાં શુરવીર લોકોને આદર સહિત સ્થાન આપતા હતા. આહિર સમાજના ચાવડા ભુવડ ને રા'લાખાએ પોતાના બેન-બનેવીને કાપડામાં અંજાર પાસેનુ ભુવડ આપ્યુ હતુ. માત્ર એટલુ જ નહી રા'લાખાએ ભુવડની શુરવીરતાની કદર કરવા તેને પોતાના દરબારમાં સ્થાન આપીને અંગત રાજદ્વારી બનાવ્યા હતા.
પ્રચલિત કથા મુજબ રા'લાખા ભુવડ ચાવડાની એક વખત ઉગમણી દિશા તરફ ચડાઇ કરવા ગયા અને અનેક પ્રદેશો જીતી આવ્યા હતા. આ યુધ્ધના સમય દરમ્યાન એક જગ્યા પર બાજરો ખડની જેમ વાવ્યા વગર ઉગતો હતો. આ બાજરાના ડુંડા ખાઇને રા'લાખાના ઘોડામાં નવો જોમ આવતા આ ધાન્યને ચમત્કારીક ગણીને રા'લાખા તેના બીજ પોતાની સાથે કેરા લાવ્યા અને વાવ્યા હતા.
કવિની વાત મુજબ તેને બાજરો એવુ નામ આપ્યુ હતુ. રા'લાખા તેમની સાથે સાકરીયો આંબો અને પીયણ ભેંસ પણ સાથે લાવ્યા હતા. રા'લાખા યુધ્ધ જીતીને આવ્યા બાદ તેના દરબારમાં લાવેલા વિદ્યામલ કવિ ભુમ ભાટના દુહાઓ સાંભળીને આ તમામ શુરવીરોમાં જોમ ઉતરી આવ્યુ હતુ. આ જોમના કુફમા ચંદ્રસેન નામના દરબારીએ ભુવડ ચાવડાની તલવાર કાટેલી હોવાથી તેની મશ્કરી કરી હતી. જેથી સમસમી ઉઠેલા ભુવડ ચાવડાએ પોતાની તલવારનો કાટ ઉતારવા રા'લાખાને અતિપ્રિય એવા સાકરીયા આંબાના ઝાડ પર ઘા કર્યો હતો. આ અતિ તાકાતથી થયેલા ઘાને કારણે આંબાનું ઝાડ થડથી અલગ થઇ ગયુ પરંતુ આ ઘા અતિ ઝડપભેર વિજળીવેગે થયેલો હોય ઝાડ થડ પર સીધુ પડયુ રહ્યુ હતુ.જે બાદ રા'લાખા જંગલમાં સિંહનો શિકાર કરવા ગયા હતા. રા'લાખા એ સિંહ પર તીર છોડતા ભુરાયા થયેલા સિંહે રા'લાખા તરફ ત્રાટકયો હતો. સિંહના અચાનક આક્રમણથી રા'લાખાની એકબાજુ રહેલો ચંદ્રસેન ડરી ગયો હતો. જેથી રા'લાખાની બીજી બાજુ રહેલા ભુવડ ચાવડાએ તુરંત વિજળી વેગે રા'લાખાની આગળ આવીને રા'લાખાની રક્ષા કરવામાં ડરી ગયેલા ચંદ્રસેનને પોતાની કાટેલી તલવારના એક ઝાટકે પુરો કરી નાંખ્યો હતો. બાદમાં રા'લાખાના હાથીની અંબાડી તરફ થઈને ત્રાટકેલા સિંહના માથાને પણ તલવારના એક ઝાટકે ઉડાડી દીધુ હતું. ભુવડ ચાવડાની કાટેલી તલવારની આવી અદ્ભૂત શૂરવીરતા જોઈ રા'લાખા સહીત સૌ રાજદ્વારીઓ દંગ રહી ગયા હતા.
બીજી બાજુ પવનના કારણે ભુવડ ચાવડાની તલવારથી કપાયેલો રા'લાખાનો પ્રિય આંબો પડી જતા કેરાકોટમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.રા'લાખાએ પોતાનો પ્રિય આંબો તલવારથી કપાયા અને તૂટી પડયાના ખબર મળતા આ દુસાહસ કરનારની શોધ શરૂ થઈ હતી પરંતુ આંબો જે રીતે કપાણો હતો તે કોઈ પોતાના દરબારમાં કોઈ શૂરવીરનું જ કામ હોય તેમ ધારીને રા'લાખાએ પોતાના દરબારમાં તમામ શૂરવીરોને અતિ તાકાતવાન અરૂણા પાડાના માથાના તલવારના એક ઝાટકે જે ઉતારી શકે તેને જ સાકરીયો આંબો કાપ્યો હતો તેની પરીક્ષા કરવા બોલાવ્યા હતા. બધા જ દરબારીઓ પાડાનું માથુ ઉતારવામાં નિષ્ફળ ગયા બાદ આખરી બચેલા ભુવડ ચાવડાએ પોતાની કાટેલી તલવારના એક જ ઝાટકે પાડાનું માથુ ધડથી અલગ કરી નાંખ્યુ હતું.
ભુવડ ચાવડાએ જે સાકરીયા આંબાને કાપી નાંખ્યાનું પુરવાર થતા તેનાથી નારાજ થયેલા રા'લાખાએ તેને એક કાગળ લખીને છ મહિનામાં પોતે આ અપમાનનો બદલો લેશે તેવો સંદેશો મોકલાવ્યો હતો જેની સામે આહીર શૂરવીર ભુવડ ચાવડાએ પોતે માત્ર ૬ દિવસમા પોતાના અપમાનનો બદલો એકલા હાથે લેશે તેવો વળતો સંદેશો મોકલાવ્યો હતો. ભુવડ ચાવડાની તાકાત અને શૂરવીરતાને સારી રીતે જાણતા રા'લાખાએ આ સંદેશાથી ડરી જઈને પોતાના એકાંત મહેલ નજરબાગમા રહેવો જતો રહ્યો પોતાના અંગરક્ષકો અને સિપાઈઓનો કડક પહેરો મુકીને નજરબાગને ફરતી ખાઈ ખોદીને રા'લાખા એ તેમા અગ્નિ પ્રગટાવી હતી જે ભુવડ ચાવડા પાછળથી ઠેકીને નજરબાગમા પ્રવેશી ન શકે.
પોતે આપેલી મુદ્દતના છઠ્ઠા દિવસે સાંજે ભુવડ ચાવડા આહીર ડાયરા સાથે આખરી કસુંબલ પાણી કરીને શરીરે બખ્તર ભીડીને હાથમા ભાલુ લઈને એકલો કેરાકોટ જવા નીકળ્યો હતો. દરમ્યાન બહારગામથી આવતા તેના કાકા યશપાલ ચાવડાનું ધ્યાન પડતા તેઓ પણ ભુવડ ચાવડાની અનિચ્છાએ તેમની સાથે કેરાકોટ ગયા હતા. કેરાકોટમાં નજરબાગ ફરતે આગ લાગેલી જોઈને ચતુર ભુવડ ચાવડા સમજી ગયા કે રા'લાખા આ મહેલમાં જ છે તેથી તેઓ મહેલ તરફ ગયા પરંતુ મહેલ ફરતે આગ પ્રગટેલી હોય અંદર પ્રવેશી શકાય તેમ ન હતુ તેથી ભુવડ ચાવડાનું વચન પુરૂ કરવા તેના કાકા યશપાલ અગ્નિ પર આડા સુઈ ગયા અને તેના શરીર પર પગ મુકીને ઠેકડો મારીને ભુવડ ચાવડા મહેલમાં પ્રવેશી ગયા હતા.
નજરબાગમાં પાંચ-પાંચ દિવસનો ચોકી પહેરો કરતા થાકેલા ચોકીદારો સુઈ ગયા હોય ભુવડ ચાવડા સીધા જ રા'લાખાના શયનખંડમાં પ્રવેશી ગયા હતા તેઓ પોતાના અપમાનનો બદલો લેવા તલવાર કાઢીને ઘા કરવા ગયા ત્યાં તેમને રા'લાખા સાથેના ત્રણ પેઢીના સંબંધો અને રા'નું ખાધેલુ અન્ન યાદ આવ્યુ તેથી રા'ને મારવાનું રહેવા દઈને પોતે આવ્યાની નિશાની ને ચીઠી મુકીને પરત ફરી ગયા હતા.
ભુવડની પરત ફરવાની રાહમાં નજરબાગની આગમાં શરીર ટકાવીને સુતેલા કાકા યશપાલના શરીરના હાડકા પર પગ મુકીને બહાર નીકળી ગયા હતા. બાદમાં ભાલા વડે કાકા યશપાલના હાડકા એકઠા કરીને ભુવડ ગામે આવ્યા હતા. રા'લાખા સવારે ઉઠયા ત્યારે ભુવડ રાત્રે તેમના મહેલમાં આવ્યાની નિશાની મળતા અને તેને પોતાને કોઈ જ ઈજા ન પહોંચાડી હોય ભુવડ તરફ માન ઉપજયુ જેથી અપમાન ભુલાવીને ફરીથી મિત્રતા બાંધવા ભુવડ ગામ તરફ જાતે ગયા હતા ત્યારે ભુવડ ચાવડા ગામમાં પોતાના કાકા યશપાલ ચાવડાની અંતિમ વિધિ કરતા હતા તેથી રા'લાખા યશપાલ ચાવડાના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.
અંતિમવિધિ પૂર્ણ થયા બાદ રા'લાખા અને ભુવડ ચાવડા બન્ને અપમાન ભુલીને એકબીજાને ગળે મળીને ભેટી પડયા હતા. કેરાકોટ આવીને રા'લાખાએ ભુવડ સહીતના ૨૪ ગામ કાયમી ભોગવવાનો લેખ ત્રાંબાના પત્રે ભુવડ ચાવડાને કરી આપીને તેની મર્દાનગીની કદર કરી હતી. અંજારથી ૨૦ કિ.મી. દૂર આવેલા ભુવડ ગામે આજે પણ યશપાલ ચાવડાની ખાંભી છે અને ભુવડ ચાવડાનો ચમત્કારીક ઓરડો પણ છે.
જય મુરલીધર. -બલરામ ચાવડા,જૂનાગઢ
મૃત્યુ
[ફેરફાર કરો]ભુવડની લાલ રંગની માથાં વગરની મૂર્તિ કચ્છ જિલ્લાના અંજારથી ૨૦ કિમી દૂર આવેલા ભુવડ ગામમાં આવેલી છે. તેની બાજુમાં ભુવડ જોડે યુદ્ધમાં ખપી ગયેલ યોદ્ધાઓના પાળીયાઓ આવેલા છે.[૧] અહીં ભુવડ ચાવડાનો ચમત્કારીક ઓરડો અને યશપાલ ચાવડાની ખાંભી હયાત છે.
સંદર્ભ :
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.
વાલાભાઈ આહીર ,રાજકોટ