મહેસૂલી તલાટી

વિકિપીડિયામાંથી

મહેસૂલી તલાટી કે રેવન્યુ તલાટી એ ગુજરાત સરકારના ગ્રામીણ ભાગોમાં વહીવટી સ્થાન છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બંગાળ, ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં આ ઓફિસ અને કર્મચારીઓ પટવારી કહેવાય છે. તમિલનાડુમાં આ કર્મચારીને કર્ણમ તરીકે ઓળખવામાં આવે છે. આ કર્મચારી પહેલા તલાટી-કમ-મંત્રી તરીકે જાણીતા હતા, પરંતુ ૨૦૧૧ એપ્રિલ[૧], ગુજરાત સરકારે નવી કેડર રેવન્યુ તલાટી નામે બનાવી છે. મહેસૂલી તલાટી અને ગ્રામ પંચાયત મંત્રી હવે બંને અલગ અલગ સ્થાન છે. તલાટી-કમ-મંત્રી હવે પંચાયત મંત્રી તરીકે ઓળખાશે. પંચાયત મંત્રી પંચાયત હેઠળ છે અને મહેસૂલ તલાટી મહેસૂલ વિભાગ હેઠળ છે. રેવન્યુ તલાટી મામલતદાર કચેરીના કર્મચારી છે, જેની નિમણૂક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાતના નવા જોબ ચાર્ટ મુજબ, હાલ મહેસૂલી તલાટીઓ પાસેથી કારકૂન તરીકેની કામગીરી લેવામાં આવે છે.

નવી કેડર[ફેરફાર કરો]

૧૯૬૧માં પંચાયતી રાજ અમલમાં આવ્યું તે પહેલા તમામ તલાટી મહેસુલી કર્મચારી ગણાતા હતા અને મહેસુલ વિભાગની કામગીરી કરતાં હતા. ત્યારબાદ ગ્રામ પંચાયત મંત્રીઓની અલગ નિમણુંકો કરવામાં આવી હતી. ૧૯૬૩-૬૪માં મંત્રીઓ અને તલાટીઓની એક કેડર કરવામાં આવી. જેમાં ગ્રામ પંચાયતના મંત્રીઓને ૩ માસની રેવન્યુ ટ્રેનીંગ આપી તલાટી-કમ-મંત્રી એક કેડર કરી તમામને પંચાયત હસ્તક મુકવામાં આવ્યા હતા.[૨] પરંતુ ૨૦૦૮માં ગુજરાત સરકાર દ્વારા ફરીથી રેવન્યુ તલાટીની નવી કેડર ઉભી કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી, અને સને ૨૦૧૦માં આ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૮૦૦ જેટલા રેવન્યુ તલાટીની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૦માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવી[૩], અને ત્યારબાદ તેઓની ભરતી કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા ૧લી એપ્રિલ ૨૦૧૧થી નવા રેવન્યુ તલાટીઓને રેવન્યુનો ચાર્જ આપવામાં આવ્યો.[૪] રેવન્યુ તલાટી ગામમાં જમીનને લગતાં કામો સંભાળે છે.

રેવન્યુ તલાટીના કાર્યો[ફેરફાર કરો]

જુના જોબ ચાર્ટ મુજબ રેવન્યુ તલાટીએ રેવન્યુને લગતા તમામ કાર્યો કરવાના થતા હતા. જમીનને લગતા ગામ નમુના નં. ૧, ૧-અ, ૨, ૩, ૪, પ, ૬, ૭, ૮-અ, ૧૨, ૧૩, ૧૬, ૧૭, તથા ૧૮ રેવન્યુ તલાટીએ નિભાવવાના થતા હતા. પરંતુ મહેસૂલ વિભાગના નવા જોબ ચાર્ટ મુજબ રેવન્યુ તલાટીએ બધા ગામ નમુના પંચાયત મંત્રીને પરત કરવા તથા તેઓએ જમીન અંગેની પ્રાથમીક તપાસ , કલમ ૧૩પ-ડી ની નોટીસ અને સમન્સ બજવણી, તમાર પ્રકારની સરકારી પડતર જમીનોની સમયાંતર સ્થળ ચકાસણી કરી દબાણો દુર કરવા અને શોધવા, હદ નિશાનો ચકાસવા સહિ‌તની અન્ય ફરજ બજાવવી જેવા કાર્યો કરવાના હોય છે.[૫]

વિવાદો[ફેરફાર કરો]

આ નવી રેવન્યુ તલાટીની કેડર ઘણા બધા વિવાદોમાં રહી ચુકી છે. અત્રે ઉલ્લેખ્નીય છે કે સરકારે નવા કર્મચારીઓની ભરતી કરી, જેઓને એકી સાથે દસ-દસ ગામોનો વહિવટ આપી દેવામાં આવ્યો હતો, તેઓ દસ ગામાં પહોંચી શકતા નહતા.[૬][૭] આ ઉપરાંત પંચાયત મંત્રીઓ દ્વારા પણ જંત્રીની બાબતમાં તથા અન્ય કામગીરીમાં વિરોધ દર્શાવ્યો હતો.[૮][૯] કેટલાક કાર્યો એવા છે જે હવે રેવન્યુ તથા પંચાયત મંત્રી અલગ થતા કોઇ કરી શકતા નથી, આથી અરજદારને ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે. સરકારશ્રીના નવા જોબચાર્ટ અનુસાર મહેસૂલી તલાટીઓએ મહેસૂલી કામગીરી ઉપરાંત તેઓને મહેસૂલી અધિકારીઓ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી પણ કરવાની થાય છે. જેના લીધે મહેસૂલી તલાટીઓને મામલતદાર, પ્રાંત અધિકારી, તથા કલેક્ટર જેવા ઉપરી અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી અવાર-નવાર આપવામાં આવે છે. જેના હિસાબે તેઓએ ક્ષેત્રિય કામગીરી ઉપરાંત કચેરીની કામગીરી પણ કરે છે.

કેડર બંધ કરવાની ચર્ચા[ફેરફાર કરો]

ઘણા બધા વિવાદોને કારણે આ કેડર બંધ કરી દેવી, તથા ફરીથી બંન્ને રેવન્યુ તથા પંચાયતની કેડર મર્જ કરી દેવી તેવી ચર્ચા ઉઠેલી.[૯][૧૦] આ ઉપરાંત નાવ રેવન્યુ તલાટીઓને ઇ-ધરા કારકૂન તથા સહાયક કારકૂનમાં સમાવી લેવા તેવા પણ સમાચાર આવ્યા હતા.[૧૧] મોટા ભાગના તાલુકાઓમાં નવા નિમણૂંક પામેલા મહેસૂલી તલાટીઓને કલેક્ટર તથા મામલતદાર દ્વારા મામલતદાર કચેરીની વિવિધ શાખાઓ જેવી કે ઇ-ધરા કેન્દ્ર, પુરવઠા, મધ્યાહ્ન ભોજન, ચુંટણી વગેરેમાં કારકૂન તરીકેની કામગરીના આદેશો કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. નવા રેવન્યુ તલાટીઓની નિમણુંક[હંમેશ માટે મૃત કડી].
  2. ૧૮૦૦ સહાયક તલાટીની ભરતી દ્વારા તલાટીની અલગ કેડર ઉભી કરાશે[હંમેશ માટે મૃત કડી]
  3. તલાટીની ૨૧૨૬ જગ્યા સામે સોરઠમાંથી જ ૨૨ હજાર અરજી
  4. રેવન્યુ-પંચાયત તલાટીની કામગીરી અલગ થશે
  5. સરકારની પિછેહઠ : તલાટી કમ મંત્રીઓની જવાબદારી પૂર્વવત
  6. મહેસુલી કામગીરીનો વિરોધ, પંચમહાલ[હંમેશ માટે મૃત કડી]
  7. ચાણસ્મા તાલુકામાં રેવન્યૂ તલાટીઓની ભાંજગડ[હંમેશ માટે મૃત કડી]
  8. "પંચાયત મંત્રીઓ દ્વારા જંત્રીનો બહિષ્કાર". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2012-03-08.
  9. ૯.૦ ૯.૧ નવી જંત્રી જાહેર કરવી મુશ્કેલ[હંમેશ માટે મૃત કડી]
  10. રેવન્યુ તલાટીનાં પદ પર લટકતી તલવાર
  11. "ઇ-ધરા ઓપરેટરોની કામગીરી રેવન્યુ તલાટીઓને". મૂળ માંથી 2012-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2012-03-08.