મોહેં-જો-દડો
મોહેં-જો-દડો, સિંધનું ખોદકામ સ્થળ, ૨૦૧૦ | |
સ્થાન | લારકાના, સિંધ, પાકિસ્તાન |
---|---|
અક્ષાંસ-રેખાંશ | 27°19′45″N 68°08′20″E / 27.32917°N 68.13889°E |
પ્રકાર | રહેણાંક |
વિસ્તાર | 250 ha (620 acres)[૧] |
ઇતિહાસ | |
સ્થાપના | ઇ.સ. પૂર્વે ૨૫મી સદી (2350-1750) |
Abandoned | ઇ.સ. પૂર્વે ૧૯મી સદી |
સંસ્કૃતિઓ | સિંધુ ખીણની સંસ્કૃતિ |
અધિકૃત નામ | મોંહે-જો-દડોનું પુરાતત્તવ સ્થળ |
પ્રકાર | સાંસ્કૃતિક |
માપદંડ | ii, iii |
ઉમેરેલ | ૧૯૮૦ (૪થું સત્ર) |
સંદર્ભ ક્રમાંક. | 138 |
વિસ્તાર | એશિયા-પેસેફિક |
સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરોમાં મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું.
મકાનો
[ફેરફાર કરો]અહીંનાં મકાનોને પૂર તથા ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓ ઉપર પડવાને બદલે ગલીમાં પડતા હતા. ઊંચાણવાળા ભાગની ફરતે કિલ્લો અને સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.
રસ્તાઓ
[ફેરફાર કરો]મોહેં-જો-દડો નગરના રસ્તાઓ ૯.૭૫ મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. પરિણામે સમગ્ર નગરના ચોરસ અને લંબચોરસ એવા ખંડ પડતા હતા. આ રસ્તાઓ એવી રીતે બાંધેલા હતા કે પવન ફૂંકાતાં તેના પર વેરાયેલો કચરો સાફ થઇ જતો. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસમાન ખાડા રાત્રિપ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા.
ગટરયોજના
[ફેરફાર કરો]મોહેં-જો-દડો ની ભૂગર્ભ ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર-આયોજનની આગવી વિશિષ્ટતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમૂક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંકણાં હતાં. આ ઢાંકણાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. ગટરોની અા સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે.
જાહેર સ્નાનાગાર
[ફેરફાર કરો]હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગૃહો બાંધેલાં હતાં. મોહેં-જો-દડોમાંથી મળી આવેલું જાહેર સ્નાનાગૃહ ૫૪.૮૦ મીટર લાંબું અને ૩૨.૯૦ મીટર પહોળું છે. સ્નાનાગૃહની વચ્ચે આવેલો સ્નાનકુંડ આશરે ૧૨.૧૦ મીટર લાંબો, ૭ મીટર પહોળો અને ૨.૪૨ મીટર ઊંડો છે. સ્નાનકુંડની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ આવેલી છે. કુંડમાં ઊતરવા માટે પગથિયાં બાંધેલાં છે. જાહેર ઉત્સવો અને ધાર્મિક પ્રસંગોએ સમૂહસ્નાન થઈ શકે એ આશયથી આવાં જાહેર સ્નાનગૃહો બાંધવામાં આવ્યાં હશે, એમ માનવામાં આવે છે.
જાહેર મકાનો
[ફેરફાર કરો]જાહેર ઉપયોગમાં આવે તેવાં ટાઉનહૉલ જેવાં બે વિશાળ મકાનો મોંહે-જો-દડો નગરમાંથી મળી આવેલાં છે. આ વિશાળ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ કે વહીવટી કાયાઁલય તરીકે થતો હશે એમ મનાય છે. દરેક મકાનની બંને બાજુ ૬-૬ ઓરડાઓ છે. એનો ઉપયોગ અનાજના કોઠાર તરીકે થતો હશે એવું મનાય છે. મોહેં-જો-દડોમાંથી ૨૦ મકાનોની એક સળંગ સૈનિક બેરક પણ મળી આવી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Crispin Bates; Minoru Mio (૨૨ મે ૨૦૧૫). Cities in South Asia. Routledge. ISBN 9781317565123.