રવિશંકર રાવળ

વિકિપીડિયામાંથી
રવિશંકર રાવળ
રવિશંકર રાવળ
જન્મની વિગત(1892-08-01)1 August 1892
ભાવનગર, ગુજરાત
મૃત્યુ9 December 1977(1977-12-09) (ઉંમર 85)
અમદાવાદ, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાસર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ
વ્યવસાયચિત્રકાર, સાક્ષર, કલા વિવેચક, પત્રકાર, નિબંધકાર
જીવનસાથી
રમાબેન (લ. 1909)
સંતાનોનરેન્દ્ર, ગજેન્દ્ર, કનક
પુરસ્કારો

રવિશંકર રાવળ (૧ ઓગસ્ટ ૧૮૯૨ – ૯ ડિસેમ્બર ૧૯૭૭) ગુજરાતના ચિત્રકાર, સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ૧૯૨૧ સુધી (પ્રકાશન બંધ થયું ત્યાં સુધી) વીસમી સદી સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક કુમારની સ્થાપના કરી હતી.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગુજરાતના ભાવનગરમાં ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેંક “ભાવનગર દરબાર બેંક”ના પ્રણેતા હતા, તેમને કલાના સ્રોત રવિભાઈને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ઇ.સ. ૧૯૦૯માં તેઓ મેટ્રિક પાસ થયા અને તેજ વર્ષે તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા.

૧૯૧૧માં ભાવનગરની શામળદાસ કોલેજમાં વિનયન શાખામાં પ્રવેશ મેળવ્યો. પરંતુ વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૧૬માં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સનો મેયો ચંદ્રક પ્રદાન થયો હતો. ૧૯૧૫માં સાહિત્ય પરિષદ દ્વારા સુરતમાં યોજાયેલ કલાપ્રદર્શનમાં તેમના ત્રણ ચિત્રો પ્રદર્શિત થયા અને રૌપ્ય ચંદ્રક મેળવ્યો. ૧૯૧૭માં તેમના ચિત્ર 'બિલ્વમંગળ'ને બોમ્બે આર્ટ્સ સોસાયટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ય થયો. ૧૯૧૭થી જ્ 'કલાની કદર' નામના પહેલા લેખથી કલા વિષયક પત્રકારત્વ શરૂ કર્યું. આ લેખ વડોદરાથી પ્રકટ થતાં 'સાહિત્ય' માસિકના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયો હતો. ૧૯૨૪માં અમદાવાદમાં કુમાર સામયિકના સ્થાપક અને પ્રથમ તંત્રી બન્યા. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક. ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ૧૯૩૫માં 'ગુજરાત ચિત્રકલા સંઘ'ની સ્થાપના કરી. ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કહ્યું, "મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી", આગળ જતાં કાકા કાલેલકરે તેમને 'ગુજરાતના કલાગુરુ'ના સ્થાને બિરદાવ્યા. ૧૯૩૬માં જાપાનનો ત્રણ માસનો પ્રવાસ ખેડ્યો. ૧૯૩૮માં કરાછી ખાતે આયોજીત 'ગુજરાત સાહિત્ય પરિષદ'ના અધિવેશનના અધ્યક્ષ બન્યાં. ૧૯૪૧માં આર્ટ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ બન્યા. ૧૯૫૦માં મ.સ.યુનિવર્સિટી ખાતે લલિત કોલેજ શરૂ કરવા માટે રચાયેલ બોર્ડમાં તેઓ શામિલ થયા. ૧૯૫૨-૫૩માં વિયેના વિશ્વશાંતિ પરિષદમાં હાજરી આપી. ભારત સરકારે ઇ.સ. ૧૯૬૫માં તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. આ જ વર્ષે તેમને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવોર્ડ પણ મળ્યો.તેઓએ અમદાવાદમાં 'ગુજરાત કલાસંઘ'ની સ્થાપના કરી હતી. તેઓએ 'ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી'ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. ૧૯૭૦માં તેઓ લલિતકલા અકાદમીએ ફેલોશીપ ઍવોર્ડ તથા તામ્રપત્ર દ્વારા તેમનું બહુમાન કર્યું.[૨]વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુન:પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને ફાળે જાય છે.

તેમણે એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને નીચેનો વારસો આપ્યો.

૧. "કુમાર" માસિક

૨. કનુ દેસાઈ, રવિશંકર પંડિત, ગજાનન ખરે, રસિકલાલ પરીખ, જગન મહેતા, સોમાલાલ શાહ, છગનલાલ જાદવ, સી નરેન વગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો છે.

૩. તેમના કલાચિત્રોનો સંગ્રહ

૪. ફોટોગ્રાફી અને છાપકામ કલાની શરૂઆત

સર્જન[૨][ફેરફાર કરો]

રવિશંકર[હંમેશ માટે મૃત કડી] કલા ભવન, અમદાવાદ ખાતે રવિશંકર રાવળનું બાવલું.

રવિશંકર રાવળે કુમાર ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે.

જાપાન અને ઉત્તરભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું ‘કલાકારની સંસારયાત્રા’ (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું ‘મેં દીઠાં નવાં માનવી’ (૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા ‘જીવનપટનાં સ્મૃતિચિહ્નો ’ (૧૯૬૭) પણ નોંધપાત્ર છે. આત્મકથાના ૧૯૦૯ પછીના અગ્રંથસ્થ પ્રકરણો સાથેની બૃહદ આત્મકથા 'ગુજરાતમાં કલાનાં પગરણ' (૧૯૯૮) શીર્ષક હેઠળ અમિતાભ મડિયા દ્વારા સંપાદિત કરવામાં આવેલ છે.

એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ ‘કલાકારની કલમે’ (૧૯૫૬) અને ‘ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમૃદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક ‘અજંતાના કલામંડપો’ (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાષણોનો સંગ્રહ ‘કલાચિંતન’ (૧૯૪૭) તેમ જ ‘સોળ સુંદર ચિત્રો’ (૧૯૨૫) જેવાં કલાવિવેચનો પણ આપ્યાં છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ’ (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો ‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા’ (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે.

નોંધપાત્ર ચિત્રો[૨][ફેરફાર કરો]

'ઋષિભરત અને મૃગ', 'પરશુરામ', 'મીનાક્ષી મંદિરમાં આદિવાસી યુગલના લગ્ન', 'ચાંદાપોળી', 'રાજકુમારી રુપાંદે', 'ચંદ્ર અને કુમુદ', 'લક્ષ્મીબાઈ', ,શ્રીમતિ', 'મુંજાલ', 'ખુદાના બાગમાં આદમ અને ઈવ', કૈલાસમાં રાત્રી', 'હેમચંદ્રસૂરિ', 'યમ-નચિકેતા', 'વાડામાં લીલા - સરસ્વતીચંદ્ર', 'બિલ્વમંગળ', 'દક્ષિણામૂર્તિ', 'યમ-સાવિત્રી', 'પહાડી સાધુ', 'વીણા અને મૃગ', 'એક ઘા', 'મહાત્મા મૂળદાસ', 'દક્ષ યજ્ઞભંગ', 'રૂપ અને રૂપરેખા' વૃદ્ધ ટેલિયો' વગેરે મુખ્ય છે.

તેમનું અવસાન ૯ ડિસેમ્બર ૧૯૭૭ના રોજ અમદાવાદમાં થયું હતું. ૨૦૦૦માં અમદાવાદ ખાતેના સંસ્કાર કેન્દ્રમાં તથા વલ્લભવિદ્યાનગરની ફાઈન આર્ટ્સ કોલેજના મ્યુઝિયમમાં તેમના ચિત્રોનો કાયમી સંગ્રહ કરેલ છે. ૧૯૯૨માં તેમની ૧૦૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં ગુજરાત સરકારે લલિત કલા અકાદમીની આર્ટ ગેલેરીને 'રવિશંકર રાવળ કલાભવન' નામ આપ્યું છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વ્યાસ, રજની (2012). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૩૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ અમિતાભ મડિયા,, મનોજ દરુ (૨૦૦૩). "રાવળ, રવિશંકર મહારાજ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૦૨-૭૦૪. OCLC 551875907.CS1 maint: extra punctuation (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]