લખાણ પર જાઓ

જૂથ

વિકિપીડિયામાંથી
(સમૂહ થી અહીં વાળેલું)
જૂથમાં વ્યક્તિઓ એકબીજા સાથે સામાજિક સંબંધોથી જોડાયેલાં હોય છે.

જૂથ (અંગ્રેજી: Group) એટલે સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખા ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી થયેલી અને એકબીજા સાથે સભાનતાથી આંતરક્રિયાઓ કરતી વ્યક્તિઓનો સમૂહ.[]

ઓલપૉર્ટ, શેરીફ, લ્યુઈન, ઍશ, કોચ વગેરે મનોવૈજ્ઞાનિકોએ જૂથના વિવિધ પાસાં વિશે સંશોધનો કર્યાં છે.[]

લક્ષણો

[ફેરફાર કરો]

જૂથના સભ્યો સામાજિક ક્રિયાઓ દ્વારા એકબીજાને અસર કરે છે. જૂથની વ્યક્તિઓને એવુ લાગતું હોય છે કે આ જૂથ અમારું છે, અમે આ જૂથનાં છીએ અને એકબીજા ઉપર આધાર રાખીએ છીએ. આથી તેઓની વચ્ચે 'અમેપણા'ની ભાવના વિકસે છે અને તેઓ એકબીજા સાથે તાદાત્મ્યભાવ ધરાવે છે.[]

જૂથનું માળખું

જૂથનું માળખું તેના સભ્યો વચ્ચે રહેલા દરજ્જા અને ભૂમિકાના તફાવતને આધારે રચાય છે. કેટલાક જૂથનું માળખું જડ હોઈ સહેલાઇથી બદલાતું નથી. જેમ કે, સરકારી કચેરી. બીજા કેટલાક જૂથોના માળખામાં પરિવર્તન થઈ શકે છે. જેમ કે, સંશોધકોની ટુકડી. કેટલાક જૂથોનું માળખું ઊંચુ હોય છે. જેમ કે, લશ્કર. તેમાં હોદ્દાઓની ચડતા-ઉતરતા ક્રમમાં લાંબી નીસરણી જોવા મળે છે. અન્ય જૂથોમાં હોદ્દાના પગથિયા બે કે ત્રણ જ હોય છે.[]

જૂથમાં પરિવર્તન

જ્યારે જૂથના સભ્યો બદલાય, તેમની વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઉદભવે અથવા જૂથ ઉપર બાહ્ય દબાણો આવે ત્યારે જૂથમાં પરિવર્તન થતું રહે છે.[]

પ્રકારો

[ફેરફાર કરો]
જૂથના પ્રકારો
નિકટવર્તી (ગ્રામપંચાયત)દૂરવર્તી (રાષ્ટ્ર)નિકટવર્તી (પડોશ, ગામ)દૂરવર્તી (શહેર)નિકટવર્તી (કુટુંબ)દૂરવર્તી (શાળા, કોલેજ)નિકટવર્તી (ટોળું)દૂરવર્તી (જાહેર જનતા)
સંગઠિતબિનસંગઠિતસંગઠિતબિનસંગઠિત
સ્થાનિક (Territorial)બિનસ્થાનિક (Non-Territorial)
જૂથ

પ્રાથમિક જૂથ અને પરોક્ષ જૂથ

[ફેરફાર કરો]

જે જૂથના સભ્યો એકબીજા સાથે સીધા સંબંધમાં આવે છે તેવા જૂથને પ્રાથમિક જૂથ કહે છે. કુટુંબ, પડોશ, શાળાનો વર્ગ, રમત-ગમતની ટીમ વગેરે પ્રાથમિક જૂથના ઉદાહરણો છે. આવાં જૂથો નાનાં હોય છે. તેથી આ જૂથના લોકોનો સંપર્ક સિધો અને નિકટનો હોય છે. આંતરક્રિયાની દ્રષ્ટિએ પ્રાથમિક જૂથની વ્યક્તિઓની એકબીજા ઉપર વધુ અસર થાય છે. એ જ રીતે વ્યક્તિત્વનો વિકાસ મોટાભાગે પ્રાથમિક જૂથોમાં જ થાય છે. પ્રાથમિક જૂથ પણ બે પ્રકારના જોવા મળે છે: (૧) વિધિસરનાં અને (૨) અવિધિસરનાં. વિધિસરનાં એટલે નિયમોથી ચાલતાં અને અવિધિસરનાં એટલે કુદરતી સંબંધોથી બંધાયેલાં. ઑફિસનો સ્ટાફ, શાળાના શિક્ષકો વગેરે વિધિસરનાં પ્રાથમિક જૂથો છે; જ્યારે કુટુંબ, મિત્રમંડળ, ઓટલા ઉપર ટોળટપ્પા મારવા ભેગી થયેલી ટોળી વગેરે અવિધિસરનાં પ્રાથમિક જૂથો છે.[]

જે જૂથનાં સભ્યો એકબીજા સાથે સીધા સંપર્કમાં આવતા નથી તેને પરોક્ષ જૂથ કહે છે. આવાં જૂથો સંસ્થાકીય સ્વરૂપનાં હોય છે. પરોક્ષ જૂથો નિયમો, બંધારણ, વર્તનના ધારાધોરણોથી બંધાયેલા હોય છે, એમાં ઉચ્ચ-નીચના દરજ્જાઓ જોવા મળે છે. આવા જૂથની રચના અમુક હેતુસર થઈ હોય છે. રાજકીય પક્ષ, ધાર્મિક સંસ્થા, જ્ઞાતિસંસ્થા, ક્લબ વગેરે પરોક્ષ જૂથના ઉદાહરણ છે. પરોક્ષ જૂથો મોટાભાગે વિકસિત સમાજમાં નિર્માણ પામતા હોય છે. આવા જૂથ સાથે વ્યક્તિનો ગાઢ સંબંધ હોતો નથી. એથી એ જૂથની વ્યક્તિ ઉપરની અસર મર્યાદિત સ્વરૂપની હોય છે, એટલે કે સંસ્થાના ઉદ્દેશ પૂરતી જ હોય છે. જેમ કે, ક્લબની એના સભ્ય ઉપર ફક્ત રમતગમત અથવા મનોરંજનના ક્ષેત્ર પૂરતી જ અસર હોય છે.[]

સ્વકીય જૂથ અને પરકીય જૂથ

[ફેરફાર કરો]

જે જૂથને વિશે વ્યક્તિના મનમાં એવો ભાવ હોય કે 'આ મારું જૂથ છે', તો તેને સ્વકીય જૂથ કહે છે. સ્વકીય જૂથના સભ્યો વચ્ચે અમેપણાની ભાવના હોય છે. જે જૂથ વિશે વ્યક્તિને એમ લાગે કે 'આ મારું જૂથ નથી, પારકું છે', તેને પરકીય જૂથ કહે છે. પોતાનું કુટુંબ, પોતાની જ્ઞાતિ, પોતાની શાળા, પોતાનો ધર્મ, પોતાનો દેશ વગેરે સ્વકીય જૂથ છે, જ્યારે બીજાનું કુટુંબ, બીજી જ્ઞાતિ, બીજાની શાળા, બીજાનો ધર્મ, પારકો દેશ વગેરે પરકીય જૂથના ઉદાહરણો છે. સ્વકીય અને પરકીય એ સાપેક્ષ ખ્યાલો છે. મહોલ્લાના એક કુટુંબ માટે બીજું કુટુંબ પરકીય જૂથ છે; પણ બંને કુટુંબો માટે મહોલ્લો સ્વકીય જૂથ છે. અમદાવાદ માટે મુંબઈ પરકીય જૂથ છે; તે જ રીતે ગુજરાત માટે મહારાષ્ટ્ર પરકીય જૂથ છે; પણ બધા માટે ભારત સ્વકીય જૂથ છે.[]

સ્વકીય જૂથ પ્રત્યે આપણા મનમાં આત્મીયતાની ભાવના હોય છે. તેથી સ્વકીય જૂથના વિચારો અને વલણો આપણે તરત જ અપનાવી લઈએ છીએ. પરકીય જૂથ વિશે આપણા મનમાં ઓછાવત્તા પ્રમાણમાં જુદાપણાની ભાવના હોય છે; અને કેટલીક વાર વિરોધની પણ ભાવના હોય છે; એટલે એના સારા ગુણો પણ આપણે કેટલીક વાર અપનાવતા નથી.[]

સર્વસ્પર્શી જૂથ અને અંશસ્પર્શી જૂથ

[ફેરફાર કરો]

કેટલાક જૂથો વ્યાપક સ્વરૂપના હોય છે કે જેમાં વ્યક્તિની સર્વ જરૂરિયાતો સંતોષાય છે. આવા જૂથોને સર્વસ્પર્શી જૂથ કહેવામાં આવે છે. રાષ્ટ્ર (અથવા રાજ્ય) આવા પ્રકારનું જૂથ છે. રાષ્ટ્રમાં નાગરિકોની સર્વ પ્રકારની જરૂરિયાતો સંતોષાય છે. દાખલા તરીકે, રાષ્ટ્રમાં વ્યક્તિનું ભરણપોષણ થાય છે, કેળવણી મળે છે, લગ્નની જોગવાઈ થાય છે, જીવનના ઉચ્ચ મૂલ્યો સંતોષવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.[]

અંશસ્પર્શી જૂથ જીવનની અમુક જ જરરિયાતો સંતોષી શકે છે. દાખલા તરિકે, શાળા એ અંશસ્પર્શી જૂથ છે. જીવનને આવશ્યક એવી એક મહત્ત્વની જરૂરિયાત—એટલે કેળવણીની—શાળામાં સંતોષાય છે. પણ જીવનની બીજી અનેક નાનીમોટી જરૂરિયાતો શાળામાં સંતોષાતી નથી. તે જ પ્રમાણે કુટુંબ અંશસ્પર્શી જૂથ છે. વ્યક્તિના ઘડતર અને વિકાસ માટે કુટુંબ સૌથી મહત્ત્વનું જૂથ છે. પણ જીવનની અન્ય જરૂરિયાતો જેમ કે; શિક્ષણ માટે, ઉદર નિર્વાહ માટે, લગ્નના સંબંધો માટે વગેરે અનેક હેતુઓ માટે વ્યક્તિએ કુટુંબથી બહારના જૂથનો આસરો લેવો પડે છે.[]

અસરકારક જૂથ

જે જૂથ પોતાના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરે, અસરકારક પ્રવૃત્તિઓ કરે, જૂથના સભ્યોને સંતોષ આપે કે તેમની સર્જનાત્મક શક્તિઓનો વિકાસ કરે તેને અસરકારક જૂથ કહેવામાં આવે છે. ડગ્લાસ મૅકગ્રેગરના મતે આવા જૂથોમાં નિરાંતભર્યું વાતાવરણ હોય છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ દવે, સી. બી. (૧૯૯૬). "જૂથ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (ચ – જ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૩૫–૭૩૭. OCLC 248967600. Unknown parameter |publication-location= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૮૨–૮૩.
  3. ૩.૦ ૩.૧ વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૦૬–૧૦૭.