ઘેલા સોમનાથ
ઘેલા સોમનાથ | |
घेला सोमनाथ/Ghela Somnath | |
ઘેલો નદી કાઠે સોમનાથના શિવલિંગવાળુ ગામ | |
— ગામ — | |
શ્રી ઘેલા સોમનાથ મંદિર સંકુલનું પ્રવેશદ્વાર
| |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°03′59″N 71°22′02″E / 22.0664°N 71.3673°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ઘેલા સોમનાથ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશનું તીર્થધામ છે.[૧] જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની જોડે આ સ્થળ આવેલું છે. તેમજ જસદણથી એક માર્ગ હીંગોળગઢ તરફ ફંટાય છે. હીંગોળગઢ અને ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલા છે.
કથા
[ફેરફાર કરો]ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા'નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા'ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હીરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી.
અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો જીર્ણોધાર થયો હતો. મંદીરે તેની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદીરની કિર્તી સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદીર ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થઈ. જુનાગઢના રા'ને આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતા સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયોને આહવાન આપ્યું. ઝફરખાન સામેના એ ઇતિહાસ પ્રસિધ્ધ યુધ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોધ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલીંગની રક્ષા કરી. એ સૌમાં શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ. સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપુતીને તેમણે નવું જોમ આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુધ્ધ ખેલાઈ રહ્યુ છે. સોમૈયાના એક એક રખવાળ જીવતી દિવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે. પણ ઝાઝા બળ સામે રાજપુતો વઢાતા જાય છે. બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપુતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યુ. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી સોમનાથના મંદીર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા.
આમ ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખી આવી પહોંચી. ઘેલા સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકુળ જણાતા ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા આવી.[૨] સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલીંગની સ્થાપના બીજે થયાની અને મીનળદેવી તેની પુજા કરે છે એ હકીકતની જાણ થઈ. સૌનિકોએ હલ્લો કર્યો પણ સંગઠીત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડયું. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતા મોતને વહાલું ગણ્યું અને ઘેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી.
આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલીંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલીદાનની ગાથા વણાયેલી છે. આજે પણ સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદીરના દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે.
અન્ય માહિતી
[ફેરફાર કરો]ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ઘેલા સોમનાથનાં મંદીરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદીરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદીરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ઘેલા સોમનાથની નજીકમાં આવેલી છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરમિયાન અહીં મેળો પણ ભરાય છે. આમ ઘેલા સોમનાથ ગુજરાતનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે.
આ પણ જુવો
[ફેરફાર કરો]- હીંગોળગઢ - ઐતિહાસિક કિલ્લો અને પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય - ૨૦ કી.મી. વાયવ્યમાં
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ઘેલા સોમનાથ મહાદેવ મંદિર – સોમ પીપળીયા". મૂળ માંથી 2016-01-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૬.
- ↑ "ઘેલા સોમનાથની સ્થાપના મીનળદેવીએ કરી હતી". મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૬.
| ||||||||||||||||