હરિકૃષ્ણ પાઠક
હરિકૃષ્ણ પાઠક | |
---|---|
હરિકૃષ્ણ પાઠક, જાન્યુઆરી ૨૦૧૮ | |
જન્મ | હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક 5 August 1938 બોટાદ, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એસસી. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો | કુમાર સુવર્ણચંદ્રક (૧૯૬૭) |
જીવનસાથી | ચંદ્રિકા (લ. 1961) |
સહી |
હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક (૫ ઓગસ્ટ ૧૯૩૮) ગુજરાતી ભાષાના કવિ, ટૂંકી વાર્તા લેખક, સંપાદક અને બાળ વાર્તા લેખક છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ મોંઘીબેન અને રામચંદ્રભાઇને ત્યાં થયો હતો.[૧][૨] તેમનું જન્મસ્થળ બોટાદ અને તેમનું વતન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ભોળાદ ગામ છે.[૩] ૧૯૫૬માં મૅટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી.[૧] ૧૯૬૧-૬૨માં સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૩થી તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત્ત થયા હતા. તેમણે મિજલસ અને બૃહસ્પતિ સભા જેવા સાહિત્યિક વર્તુળોનું સંચાલન કર્યું હતું.[૧][૪] તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પણ રહ્યા હતા.[૨] તેઓ ચિત્રકાર, રેખાચિત્રકાર તેમજ ગાયક પણ છે.[૧]
સર્જન
[ફેરફાર કરો]તેમનું પ્રથમ સર્જન નાટકનો તખ્તો ચાંદની માં પ્રગટ થયું હતું, જ્યારે તેમની પ્રથમ કવિતા કુમારમાં પ્રગટ થઇ હતી.[૨]સૂરજ કદાચ ઊગે (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. અડવા પચીસી (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે.[૫][૧][૪] મોરબંગલો (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. નગર વસે છે (૧૯૭૮) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે.
તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં પણ યોગદાન આપ્યું છે. કોઈનું કંઈ ખોવાય છે (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. દોસ્તારની વાતો (૧૯૯૩) બાળકો માટેની વાર્તાઓનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી (૧૯૭૯) નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. હલ્લો-ફલ્લો (૨૦૦૫) પણ બાળસાહિત્યનું પુસ્તક છે.[૧][૪]
પુરસ્કારો
[ફેરફાર કરો]તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭),[૪] ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (૧૯૮૪), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર મળ્યો હતો.[૧]
અંગત જીવન
[ફેરફાર કરો]૧૯૬૧માં તેમના લગ્ન ચંદ્રિકાબેન સાથે ભાવનગર ખાતે થયા હતા અને તેમને ૬ સંતાનો છે.[૨]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ [History of Modern Gujarati Literature – Modern and Postmodern Era]. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 109–110. ISBN 978-93-5108-247-7.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Jani, Suresh B. (૩૧ જાન્યુઆરી ૨૦૦૭). "હરિકૃષ્ણ પાઠક, Harikrishna Pathak". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૮.
- ↑ Love Poems & Lyrics from Gujarati. ૧૯૮૭. પૃષ્ઠ ૩૬૭.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "હરિકૃષ્ણ પાઠક". www.gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૮.
- ↑ Indian Horizons. Indian Council for Cultural Relations. ૧૯૯૯. પૃષ્ઠ ૧૫૦.