આદિલ મન્સુરી

વિકિપીડિયામાંથી
આદિલ મન્સુરી
આદિલ મન્સુરી અમદાવાદ ખાતે, ૨૦૦૫
આદિલ મન્સુરી અમદાવાદ ખાતે, ૨૦૦૫
જન્મફકીરમહમ્મદ ગુલાબનબી મન્સુરી
૧૮ મે ૧૯૩૬
અમદાવાદ, ગુજરાત
મૃત્યુ૬ નવેમ્બર ૨૦૦૮
ન્યૂ જર્સી, યુનાઇટેડ સ્ટેટ્સ
ઉપનામઆદિલ મન્સુરી
વ્યવસાયકવિ, નાટ્યલેખક, કલાકાર
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારગઝલ
નોંધપાત્ર પુરસ્કારો
વેબસાઇટ
www.adilmansuri.com

ફકીરમહમ્મદ ગુલાબનબી મન્સુરી, ‘આદિલ’ (હિંદી: आदिल मन्सूरी, ઉર્દૂ: عادِل مَنصوُریِ) (૧૮ મે ૧૯૩૬ - ૬ નવેમ્બર ૨૦૦૮) ગઝલકાર, કવિ, નાટ્યકાર હતા.[૧] મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તેઓની લોકપ્રિય ગઝલ છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં કર્યો. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર અને પછી ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો.

તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાચી જવાનો નિર્ણય લીધો. ૮ વર્ષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા. અમદાવાદમાં આવ્યા પછી તેમણે ગુજરાતી ભાષામાં લખાણો, કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી.[૨]

આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર ૬ નવેમ્બર ૨૦૦૮ ના દિવસે ન્યૂજર્સીમાં અવસાન થયું હતું.[૩]

સર્જન[ફેરફાર કરો]

તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી હતા. ‘વળાંક’ (૧૯૬૩), ‘પગરવ’ (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલસંગ્રહો છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી તેમ જ પોતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવો શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પોતાના કથનાર્થે તેમ જ કોઈ રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે.

ગઝલના રચનાકસબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય એટલી ગઝલો રચી છે. ‘પગરવ/સંભવ/પાલવ’ તથા ‘મૂંગો/ભડકો/લહિયો’ જેવા કાફિયામાં અને ‘વરસાદમાં’, ‘સૂર્યમાં’, ‘ભીંડીબજારમાં’ તથા ‘અ’, ‘પરંતુ’ જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દોના યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી ‘મળે ન મળે’ રદીફવાળી ગઝલ લોકપ્રિય થઈ છે. ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટૂંકા છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુક્તકો પણ એમણે આપ્યાં છે.

‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) એમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘જે નથી તે’ (૧૯૭૩) એમનો બીજો એકાંકીસંગ્રહ છે.[૪]

  • વળાંક (૧૯૬૩)
  • પગરવ (૧૯૬૬)
  • સતત (૧૯૭૦)
  • હાથ પગ બંધાયેલા છે (૧૯૭૦)
  • જે નથી તે (૧૯૭૩)

આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા ચિત્રકાર પણ હતા[૧] અને કેલીગ્રાફીમાં નિપુણ હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું.

પુરસ્કારો[ફેરફાર કરો]

૧૯૯૮માં તેમને કલાપી પુરસ્કાર અર્પણ થયો હતો. ૨૦૦૮માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: Parshwa Publication. પૃષ્ઠ ૯૧–૯૪. ISBN 978-93-5108-247-7.
  2. "Adil Mansuri". adilmansuri.com. મૂળ માંથી 2008-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૮.
  3. http://www.vishvagujarativikas.com/adil-farid-mansur[હંમેશ માટે મૃત કડી]
  4. "સવિશેષ પરિચય: આદિલ મન્સૂરી, ગુજરાતી સાહિત્ય પરિષદ". ૬ જાન્યુઆરી ૨૦૧૪. મૂળ માંથી ૬ જાન્યુઆરી ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૯ જુલાઇ ૨૦૧૫.
  5. "World Gujarati Conference - Vali Gujarati Award". Times of India. ૭ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2013-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-14.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]