ઇએમઇ મંદિર
ઇ.એમ.ઇ. (EME) મંદિર અથવા દક્ષિણામૂર્તિ મંદિર પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના મુખ્ય મથક વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ સંપૂર્ણપણે એલ્યુમિનિયમનાં પતરામાંથી બનેલ, ભારતીય થલસેના દ્વારા સંચાલિત શિવ મંદિર છે. ઇએમઇ મંદિરમાં પગદંડીની આસપાસ સુંદર રીતે મઢીને સાચવી રાખવામાં આવેલી ૧૪મી સદીથી લઇને ૧૭મી સદી સુધીની પુરાણી શિલ્પકૃતિઓ મંદિરની સુંદરતા અને રમણીયતાને અનેક ઘણી વધારે છે. મંદિરનો આકાર સર્વધર્મના ધાર્મિક બાંધકામની લાક્ષણીકતાને આવરી લઇને બનાવવામાં આવ્યો છે. મંદિરમાં ભગવાન શિવના દક્ષિણામૂર્તિ સ્વરુપનું પુજન થાય છે. આ ઉપરાંત અહીં રાધા-કૃષ્ણ, ગણેશજી તેમ જ હનુમાનજીની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. આ મંદિર ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનીકલ એન્જિન્યરીંગ વિભાગના તાલિમ મથકના વિસ્તારમાં આવેલું છે. લશ્કરના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ હોવાથી મંદિર સુધી પહોંચવા કેટલીક ઔપચારીકતાનું પાલન કરવું પડે છે, પરંતુ તેમાંથી પસાર થયા બાદ મંદિરનાં વાતાવરણનો આહલાદક અનુભવ જીવન પર્યંત યાદ રહે તેવો છે. અહીંનું આકર્ષક સ્થાપત્ય નિહાળવા માટે આસ્થાળુઓ ઉપરાંત અન્ય પ્રવાસીઓ પણ આવતા હોય છે. આ મંદિરમાં કેમેરાનો ઉપયોગ કરવા પર કડક પ્રતિબંધ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ઇએમઇ મંદિર વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી] ગુજરાત પ્લસ ડોટકોમ પર