એકાદશી વ્રત

વિકિપીડિયામાંથી

ભારતનાં ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ-પુણ્યનો, સ્વર્ગ-નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે. જેમાં એકાદશીનાં વ્રતનું માહાત્મય ખુબજ મોટું છે. એકાદશી એટલે અગિયારસ. વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના(માસ) હોય છે. જેમાં એક માસમાં બે પક્ષ હોય છે. જેમાં એક શુકલ પક્ષ(સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે. બન્ને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે. એક વર્ષ દરમિયાન કુલ ૨૪ એકાદશી આવે છે. તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિકમાસની બે એકાદશી મળીને કુલ ૨૬ એકાદશી હોય છે. એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારનાં છે. સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે. જયારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતાં સમપત્ર વ્રતનો સંકલ્પ કરે છે. એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષયતિથિ હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે. વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે. આ એકાદશીનું વ્રત શિવ, વૈષ્ણવ અને શૂદ્ર એમ દરેક કરી શકે છે. છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલેકે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલેકે પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ. પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવુ જોઈએ તેવુ મહત્વ છે.

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાસશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે. તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઉપરાંત સંતાનની ઇચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ. આમ પુરાણોમાં લખાયુ છે. દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે જે નીચે મુજબ જોઈએ.

એકાદશીઓ[ફેરફાર કરો]

  1. પ્રબોધિની એકાદશી
  2. ઉત્પતિ એકાદશી
  3. મોક્ષદા એકાદશી
  4. સફલા એકાદશી
  5. પુત્રદા એકાદશી
  6. ષટતિલા એકાદશી
  7. જયા એકાદશી
  8. વિજયા એકાદશી
  9. આમલકી એકાદશી
  10. પાપમોચિની એકાદશી
  11. કામદા એકાદશી
  12. વરુથિની એકાદશી
  13. મોહિની એકાદશી
  14. અપરા એકાદશી
  15. નિર્જળા એકાદશી
  16. યોગિની એકાદશી
  17. શયન એકાદશી
  18. કામિકા એકાદશી
  19. પુત્રદા એકાદશી
  20. અજા એકાદશી
  21. જયંતી એકાદશી
  22. ઈન્દિરા એકાદશી
  23. પાશાંકુશા એકાદશી
  24. રમા એકાદશી
  25. પદ્મિની એકાદશી
  26. પરમા એકાદશી