લખાણ પર જાઓ

અરદેશર ખબરદાર

વિકિપીડિયામાંથી
(ખબરદાર થી અહીં વાળેલું)
અરદેશર ફરામજી ખબરદાર
અરદેશર ખબરદાર
અરદેશર ખબરદાર
જન્મ૬ નવેમ્બર, ૧૮૮૧
દમણ, પોર્ટુગીઝ ભારત
મૃત્યુ૩૦ જુલાઇ, ૧૯૫૩
મદ્રાસ, ભારત
ઉપનામઅદલ
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • કાવ્યરસિકા (૧૯૦૧)
  • રાસચંદ્રિકા (૧૯૨૯, ૧૯૪૧)

ખબરદાર અરદેશર ફરામજી (૬ નવેમ્બર ૧૮૮૧ - ૩૦ જુલાઇ ૧૯૫૩) (ઉપનામો: અદલ, મોટાલાલ, ખોજો ભગત, ક્ષેમાનંદ ભટ્ટ, નરકેસરીરાવ, શંભુનાથ, શ્રીધર, શેષાદ્રિ, લખા ભગત, વલ્કલરાય ઠઠ્ઠાખોર, હુન્નરસિંહ મહેતા) ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર હતા. તેમની ગુજરાતી કવિતા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અત્યંત લોકપ્રિય બની છે.[]

તેમનો જન્મ ગુજરાતના દમણ ગામમાં ૬ નવેમ્બર ૧૮૮૧ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ દમણમાં પૂર્ણ કર્યા પછી તેમણે માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી લીધું. કૉલેજમાં અભ્યાસની તકથી વંચિત રહ્યા પછી ૧૯૦૯માં મદ્રાસ ‍(હવે ચેન્નઈ) માં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો. તેઓ મદ્રાસ અને પછી મુંબઈમાં સ્થાયી થયા. ૧૯૨૪માં અંધેરી, મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

૩૦ જુલાઇ ૧૯૫૩ના રોજ મદ્રાસમાં તેમનું અવસાન થયું હતું.[]

યુવાન વયે અરદેશર ખબરદાર

એમના પહેલા કાવ્યસંગ્રહ કાવ્યરસિકા (૧૯૦૧)માં એમણે દલપતશૈલીને અનુસરીને કાવ્યો આપ્યાં, વિલાસિકા (૧૯૦૫)માં નરસિંહરાવ દિવેટિયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં, તો પ્રકાશિકા (૧૯૦૮) માં અન્ય કાવ્યો ઉપરાંત કાન્ત-કલાપીની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં. ભારતનો ટંકાર (૧૯૦૯)માં રાષ્ટ્રભક્તિનાં ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો આપી આપણાં પહેલા રાષ્ટ્રશાયર બન્યા. ૧૯૨૦ માં ન્હાનાલાલની ડોલનશૈલીના વિડંબનલેખે ગુજરાતનો તપસ્વી ને બ્રહ્મદીક્ષાનાં પ્રતિકાવ્યોરૂપે અનુક્રમે પ્રભાતનો તપસ્વી અને કુકકુટદીક્ષા નામક ઉપહાસ-કટાક્ષકાવ્યો આપ્યાં. સંદેશિકા (૧૯૨૫)માં ઈતરકાવ્યો સાથે દેશભક્તિ રેલાવી, તો કલિકા (૧૯૨૬)માં અંગ્રેજી બ્લેન્ક વર્સમાં વિશિષ્ટ કલ્પના રૂપક-સભર સુદીર્ઘ પ્રેમકાવ્ય આપ્યું. ભજનિકા (૧૯૨૮)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો આપ્યાં, તો રાસચંદ્રિકા ભાગ-૧ (૧૯૨૯) તથા ભાગ-૨ (૧૯૪૧)માં એમણે સવાસો જેટલા રાસ ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે આપ્યા. પુત્રી તેહમીનાનું દુઃખદ અવસાન થતાં દર્શનિકા (૧૯૩૧) નામનો સળંગ ઝૂલણા છંદમાં ધર્મ-તત્ત્વજ્ઞાનથી મંડિત આંતરજીવનના પ્રશ્નો ચર્ચતો, સાત્ત્વિક ચિંતનમય સ્નેહનો વિશ્વધર્મ પ્રબોધતો કાવ્યસંગ્રંથ આપ્યો. રાષ્ટ્રિકા (૧૯૪૦)માં શૌર્ય-સ્વાર્પણ પ્રેરતાં રાષ્ટ્રકાવ્યગીતો આપ્યાં. કલ્યાણિકા (૧૯૪૦) માંનાં તત્ત્વદર્શનયુક્ત ભક્તિકાવ્યો એમની પ્રભુપિપાસા દાખવે છે. શ્રીજી ઈરાનશાહનો પવાડો (૧૯૪૨) મરાઠી પવાડી ઢબનું, ઈરાનશાહ અને પારસી કોમના ઇતિહાસ વિષેનું વર્ણનકાવ્ય છે, તો ગાંધી બાપુનો પવાડો (૧૯૪૮) એ જ ઢબે ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય છે. નંદનિકા (૧૯૪૪)માં જીવન-મંથન આદિ જુદાં જુદાં ખંડોમાં વહેંચાયેલાં પ્રભુવિષયક સૉનેટકાવ્યો છે. ગાંધી બાપુ (૧૯૪૮) માં ગાંધીજીનું મહિમાગાન કરતાં એકત્રીસ કાવ્યો છે. અવસાનવર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ કીર્તનિકા (૧૯૫૩)માં વંદન, સ્પંદન, ક્રંદન, મંથન, ચિંતન, રંજન અને નંદન એમ સાત વિભાગોમાં પ્રભુભક્તિનાં પંચોતેર કીર્તનકાવ્યો છે.

અંગ્રેજી કાવ્યસંગ્રહ ધ સિલ્કન ટેસલ (૧૯૧૮) માં જુદાં જુદાં વિભાગો થઈ પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી વિષયક ૫૯ તેમ જ જરથ્રુસ્ર-ધ ફર્સ્ટ પ્રોફેટ ઓવ ધ વલર્ડ (૧૯૫૦)માં પયંગબર જરથ્રુસ્ર વિષયક ૧૦૧ સોનેટો મળી ને કુલ ૧૨૦ અંગ્રેજી કાવ્યો એમણે આપ્યાં છે.[] અષો જરથ્રુસ્રની ગાથાઓ પર નવો પ્રકાશ (૧૯૪૯)માં ગુજરાતી ભાષામાં એમણે ગાથાવિષયક અભ્યાસમય વિદ્રત્તાસભર લેખો સાથે અઠુનવઈતિ ગાથા કવિતામાં આપી છે અને ૧૯૫૧ માં એનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. કવિ બહેરામજી મલબારીનાં કાવ્યોમાંથી પસંદ કરેલાં કાવ્યો લાંબા અભ્યાસલેખ સાથે મલબારીનાં કાવ્યરત્નો (૧૯૧૩) નામક ગ્રંથમાં સંપાદિત કર્યા છે.

એમણે ૧૯૩૬ માં લખવા માંડેલું મનુરાજ અથવા વિશ્વનાટિકા નાટક છેવટ સુધી અપૂર્ણ રહેલું છે, જે ગ્યોથના ફાઉસ્ટ અને ન્હાનાલાલના ભાવનાપ્રધાન નાટકની શૈલીમાં અખંડપદ્ય મહાછંદમાં લખાયું છે અને અદ્યાપિ અપ્રગટ છે. એમણે ૧૯૨૪ માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે અને ૧૯૪૧ માં ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલાં વ્યાખ્યાનો, તેમ જ ૧૯૩૮ માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા નાં ગુજરાતી કવિતાની રચનાકળા પરનાં પાંચ વ્યાખ્યાનો ધ્યાનપાત્ર છે.

મલબારીનાં કાવ્યરત્નો (૧૯૧૭) મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ઈશ્વરસ્તુતિ અને કુદરત, સ્નેહ સંબંધી, સંસારસુધારો, સ્વદેશસેવા સંબંધી, નીતિ સંબંધી, નામાંકિત મનુષ્યો સંબંધી, સંસારની વિચિત્રતા, ઈશ્વરજ્ઞાન અને ભક્તિ, હિંદી કાવ્યો, પારસી શૈલીનાં કાવ્યો વગેરે શીર્ષકો હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓમાં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાનો ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભક્તિ એમનાં ઘણાંખરાં કાવ્યોનાં મૂળ છે.

ગુજરાતી કવિતાની રચનાકળા (૧૯૪૧) અરદેશર ફરામજી ખબરદારનો વિવેચનગ્રંથ. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત અપાયેલાં પાંચ વ્યાખ્યાનોનો એમાં સમાવેશ છે. કે.હ.- ધ્રુવ પછી પદ્યરચના પરની આ બીજી મહત્ત્વની આલોચના છે. કવિતાનું અને કવિતારચનાનું મૂળ, પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ, અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરુપો અખંડ પદ્યની રચનાના પ્રયોગો અને તેનું સંશોધન તેમ જ કવિતાની રચનાવિધિ અને ભાષાસરણી એમ કુલ પાંચ રેખામાં આનું વિભાજન છે. ભ્રામક અને પૂર્વગ્રહયુક્ત એકપક્ષી અભિગમ, નિરર્થક તીખાશ અને કટુતા તેમ જ કટુપ્રહારોને બાદ કરતાં સાદી અને સરલ શૈલીએ લખાયેલા, એક જ વિષય પરના સળંગ ગ્રંથ તરીકે આનું ઐતિહાસિક મહત્ત્વ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Raymond Brady Williams (૧૯૮૪). A New Face of Hinduism: The Swaminarayan Religion. CUP Archive. પૃષ્ઠ ૧૭૦–. ISBN 978-0-521-27473-9. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૪.
  2. Jeṭhālāla Nārāyaṇa Trivedī (૧૯૮૭). Love Poems & Lyrics from Gujarati. Gurjar Grantha Ratna Karyalaya. પૃષ્ઠ ૧૮૧.
  3. Aradeśara Pharāmajī Khabaradāra; Dharmendra M. Master (૧૯૯૦). The Migrating Bird. Ajit Prakashan on behalf of A.F. Khabardar Birth-Centenary Publications.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]