પન્નાલાલ પટેલ

વિકિપીડિયામાંથી
પન્નાલાલ નાનાલાલ પટેલ
જન્મ૭ મે ૧૯૧૨
માંડલી, ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન
મૃત્યુ૬ એપ્રિલ ૧૯૮૯
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયનવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
જીવનસાથીવાલીબેન[૧]

પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯) ગુજરાતી સાહિત્યકાર હતા.[૨] તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે. તેમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.[૨] તેમના સર્જનનું નાટકો અને ચલચિત્રોમાં પણ રુપાંતર થયું છે.[૩]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા.[૧] તેમના પિતા ખેડૂત હતા[૪] અને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. આને કારણે તેમના ઘરની નામના થઇ હતી. તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી.

ઈડરની સર પ્રતાપ હાઇ સ્કૂલ જ્યાં પન્નાલાલે અભ્યાસ કર્યો હતો

તેઓ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોષીના મિત્ર બન્યા હતા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારુના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી.[૫]

૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો અચાનક સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. તેમણે તેમની પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શારદા (૧૯૩૬) લખી. પછીથી, તેમની વાર્તાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઇ.[૬] ૧૯૪૦માં, તેમની પ્રથમ નવલકથા વળામણાં અને મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને અન્ય નવલકથાઓ પ્રગટ થઇ. એક સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૭૧માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરુઆત કરી.[૭] પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિંદુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી.[૫][૮] ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.

તેમણે પોતાના સંઘર્ષના દિવસોને 'વાસંતી દિવસો' ગણાવ્યા હતા. તેમની કૃતિ 'કંકુ' પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.[૫]

સર્જન[ફેરફાર કરો]

તેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો અને અન્ય ઘણું સર્જન કર્યું હતું.[૯] તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે.[૪]

  • નવલકથા - માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ ,ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા,મનખાવતાર, નાછૂટકે.
  • નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ.
  • નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈંતરણી ના કાંઠે,ઢોલીયા સાગ સીસમના.
  • ચિંતન - પૂર્ણયોગનું આચમન
  • આત્મકથા - અલપઝલપ
  • બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલપ્રકીર્ણ, કાશીમાની કૂતરી
  • પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

સન્માન[ફેરફાર કરો]

૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.[૫]

પન્નાલાલ પટેલને 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે[૧૦].

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "પન્નાલાલ પટેલની જીવન ઝરમર". divyabhaskar. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ "Pannalal Patel". veethi.com. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૬.
  3. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૧૭. ISBN 978-0-313-28778-7. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ Pannalal Nanalal Patel (૧૯૯૫). Manavini Bhavai (English translation). New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૫. ISBN 978-81-7201-899-3. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "પન્નાલાલ પટેલ, ગુજરાતી સાહિત્ય પરિષદ". Pannalal Patel, Gujarati Sahitya Parishad. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬.
  6. Dodia, Sanjay (August–September 2012). "'મળેલા જીવ' નવલકથામાં ગ્રામચેતના". Journal of Humanity. Knowledge Consortium of Gujarat, Department of Higher Education, Government of Gujarat. (૩). ISSN 2279-0233. મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 8 ડિસેમ્બર 2016.CS1 maint: date format (link)
  7. Rajesh I. Patel (૨૦૧૧). "Translation of Pannalal Patel's "Malela Jiv" from Gujarati into English with critical introduction" (PDF). Saurashtra University. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૬.
  8. K. M. George (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Surveys and poems. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૧૩૬. ISBN 978-81-7201-324-0. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  9. Pratibha India. A. Sitesh. ૧૯૮૯.
  10. "Untitled" (PDF). Turi Barot Samaj. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]