મોતીભાઈ નરસિંહભાઈ અમીન
મોતીભાઈ નરસિંહભાઈ અમીન | |
---|---|
મોતીભાઈ નરસિંહભાઈ અમીન કે મોતીભાઈ અમીન એ ગુજરાતના ચરોતર વિસ્તારના ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા, શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક હતા.[૧]
શરૂઆતનું જીવન
[ફેરફાર કરો]મોતીભાઈ નરસિંહભાઈ અમીનનો જન્મ ૨૯ નવેમ્બર ૧૮૭૩ (કારતક સુદ દસમ વિક્રમ સંવત ૧૯૩૦)ના રોજ એમના મોસાળના ગામ માતર તાલુકાના અલિન્દ્રા ગામમાં થયો હતો.[૧] એમના માતા-પિતાનું વતન એ વખતના પેટલાદ તાલુકાનું વસો ગામ હતુ.[૧] એમના માતાનું નામ જીબા હતું અને પિતાનું નામ નરસિંહભાઈ હતું.[૧] જીબાને આંખે ઓછુ દેખાતું હતું અને કાનની થોડી બહેરાશ પણ હતી.[૧] પિતા નરસિંહભાઈ શરીરે કદાવર અને દેખાવડા હતા અને મોટી મૂછ રાખતા.[૨] અમીન પરિવાર વંશપરંપરાગત વૈષ્ણવ પંથનો અનુયાયી હતો પણ મોતીભાઈએ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા હતા.[૨] નરસિંહભાઈ અમીન પુત્ર મોતીભાઈ અમીનના જન્મ સુધી પેટલાદની વહીવટદારની કચેરીમાં કારકુન હતા અને મોતીભાઈના જન્મ પછી એમની બદલી વસો ગામના મેજીસ્ટ્રેટની કચેરીમાં ફોજદારી કારકુન તરીકે થયેલી.[૨] મોતીભાઈની ઉંમર સાડા-ચાર વરસની થઈ ત્યારે એમના પિતાએ હરખાબા સાથે બીજા લગ્ન કર્યા હતા.[૨] છ વરસની ઉમરે મોતીભાઈના લગ્ન રૂપાબા નામની સોજિત્રાની વતની સાત વરસની કન્યા સાથે થયા હતા.[૨] મોતીભાઈની ઉંંમર સાતેક વરસની આસપાસની હશે એ દરમ્યાન એમના પિતાજીનું મૃત્યુ એક લગ્નપ્રસંગ દરમ્યાન ફટાકડાનો પટારો સળગવાના કારણે દાઝી જવાથી થયેલું.[૩] પોતાના લગ્ન પછી અને પિતાના મૃત્યુ પામ્યાના સમયગાળા દરમ્યાન મોતીભાઈએ પોતાનું શાળાજીવન શરૂ કરેલું.[૩] પહેલી જૂન ૧૮૮૭માં વસોમાં અંગ્રેજી શાળા પણ શરૂ થઈ[૪] એટલે મોતીભાઈ પણ એમાં ભણવા જવા લાગ્યા. પહેલા વર્ષે અંગ્રેજી શાળાને કુલ ૧૫ વિદ્યાર્થીઓ મળેલા.[૪] વસોમાં એ નિશાળ હેડમાસ્તર મગનભાઈ ચતુરભાઈ અમીનના પ્રયત્નોને કારણે શરૂ થઈ હતી.[૪] "દેશી કારીગરોને ઉત્તેજન" નામના પુસ્તકથી મગનભાઈ ચતુરભાઈ અમીન ખૂબ પ્રભાવિત થયેલા હતા અને એમને કારણે મોતીભાઈ અમીન પર પણ એ પુસ્તકની ગાઢ અસર પડેલી. મોતીભાઈ અમીનના શબ્દોમાં એ પુસ્તકમાં કરવામાં આવેલી દેશી કારીગરીના નાશની સમીક્ષા "પથરા પીગળાવે એવી ચોટદાર છે.".[૩] એ પુસ્તકની અસર હેઠળ અને હેડમાસ્તર મગનભાઈની રહબરી હેઠળ મોતીભાઈએ ૧૮૮૮માં વસોમાં વિદ્યાર્થી સમાજની સ્થાપના કરી હતી.[૪] અંગ્રેજીમાં ચોથું કર્યા પછી ૧૮૮૯માં એ આગળ અભ્યાસ માટે વડોદરા ગયા.[૪] વડોદરામાં શિક્ષણ લઈ મૅટ્રિકની પરીક્ષા આપવા માટે મોતીભાઈ અમદાવાદમાં રાયપુરમાં આકા શેઠની પોળમાં ગોપીલાલ ધ્રુવના ઘરની પાસે એક મહિનો રહ્યા. પ્રથમ પ્રયત્નમાં તેઓ નાપાસ થયા હતા.[૫] અમદાવાદમાં તે ગોપીલાલ ધ્રુવના દીકરી વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠના માધ્યમથી પ્રાર્થનાસભાના પરિચયમાં આવ્યા હતા.[૫] ઇ.સ. ૧૮૯૪માં ત્રીજા પ્રયત્ને એમણે મૅટ્રિકની પરીક્ષા વડોદરા રાજ્યમાં પાંચમા ક્રમે પાસ કરી અને ત્યારથી એમને વડોદરા રાજ્યની ઉચ્ચ અભ્યાસ માટેની રૂ.પાંચની શિષ્યવૃત્તિ મળવા લાગી.[૫]
કારકિર્દી
[ફેરફાર કરો]મોતીભાઈ અમીનનો મુખ્ય કાર્યકાળ ૧૯૧૧થી ૧૯૨૨ લેખાય છે.[૬] જેમાં ૪ જાન્યુઆરી, ૧૯૧૧થી ૧૯૧૩ દરમ્યાન તેઓએ વડોદરા રાજ્યના રાજ્ય પુસ્તકાલયોના સંચાલકના મદદનીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.[૭]૧૯૧૩માં એમણે વસો યંગ મેન્સ અસોસિએશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ૨૫ એપ્રિલ ૧૯૧૫, રવિવાર ને દિવસે એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી.[૮] જેમાં વસો મુકામે જગજીવનદાસ દામોદરદાસ શાહને આચાર્ય તરીકે નીમ્યા.[૮] એ ચરોતર એજ્યુકેશન સોસાયટી હેઠળ ૨ ઓગસ્ટ ૧૯૧૫થી વસો મુકામે ગુજરાતી માધ્યમની મોન્ટેસરી શાળા શરૂ કરવામાં આવી.[૯] ૧૬ અને ૧૭ એપ્રિલ ૧૯૧૬ના દિવસે ચરોતર એજ્યુકેશન સોસાયટીને પુણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટી જેવું જ વિધિવત્ સ્વરૂપ આપવામાં આવ્યું.[૧૦] ૧૫ ઓક્ટોબર ૧૯૧૭ના દિવસે એમણે ચરોતર યુવક મંડળની સ્થાપના કરી.[૧૧] જૂન ૧૯૧૮માં વસો કેળવણી મંડળની સ્થાપના કરી.[૧૨] ૧૯૨૦થી અસહકાર આંદોલને વેગ પકડતાંં ચરોતર એજ્યુકેશન સોસાયટીના સભ્યો પણ એમાં રસ ધરાવવા લાગ્યા જ્યારે મોતીભાઈનો મત શિક્ષણ અને રાજકારણ બન્નેને અલગ રાખવાનો હતો. એ માટે સોસાયટીને બોમ્બે યુનિવર્સીટી સાથે જોડાણ તોડીને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાણ કરવું પડે એમ હતું. બાકીના બધા સ્વયંસેવકોનો મત પોતાના કરતાંં અલગ લાગતાંં ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૧ના દિવસે મોતીભાઈએ ચરોતર એજ્યુકેશન સોસાયટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું.[૧૩].
રાજીનામા સાથેનું સૂચના પત્ર
[ફેરફાર કરો]મારી સાથે કામ કરનારા મારા મિત્રોને ...
૧. કોઈ પણ પરમાર્થ પ્રવૃત્તિમાં બની શકે ત્યાં સુધી કોઈ વ્યક્તિનું નામ બહાર નહી આવવા દેતાંં ફક્ત કાર્ય વખતોવખત આગળ ધરવું.
૨. કાર્ય માટે પણ આપણે બોલીએ એના કરતાંં કાર્ય તેની પોતાની મેળે, અથવા જેમને માટે તે કાર્ય થાય છે તેઓ, અથવા તેમના સબંધીઓ જ બોલે એવી ભાવના રાખવી જોઈએ.
મૃત્યુ
[ફેરફાર કરો]૧ ફેબ્રુઆરી ૧૯૩૯ને દિવસે અમદાવાદમાં મોતીભાઈ અમીન અવસાન પામ્યા.[૨]
નોંધ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૯.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૦.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૧.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૮.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૨૮.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૫૬.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૫૯.
- ↑ ૮.૦ ૮.૧ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૮૧.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૮૬.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૮૮.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૯૯.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૨૧૦.
- ↑ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૨૪૨.
સંદર્ભ
[ફેરફાર કરો]- અમીન, આપાજી બાવાજી (ફેબ્રુઆરી ૧૯૪૨). મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય (PDF). કાળુપુર, અમદાવાદ: નવજીવન મુદ્રણાલય. મેળવેલ 10 August 2015.