લખાણ પર જાઓ

રા' ખેંગાર દ્વિતીય

વિકિપીડિયામાંથી
રા' ખેંગાર દ્વિતીય
ચુડાસમા રાજા
પુરોગામીરા' નવઘણ
અનુગામીરા' નવઘણ (તૃતીય)
જન્મ૧૦મી સદી
મૃત્યુ૧૦મી સદી

રા' ખેંગાર દ્વિતીય કે રા' ખેંગાર (બીજો) (૧૦૯૮ - ૧૧૨૫) ગુજરાતના જુનાગઢમાં આવેલા વનસ્થલી (હાલનું વંથલી)નો ચુડાસમા રાજા અને રા' નવઘણ (દ્વિતીય)નો પુત્ર હતો.

રા' ખેંગારના પિતા રા' નવઘણ દ્વિતીયએ ચાર પ્રતિજ્ઞા લીધી હતી, ૧. હરરાજ મહિડાનો વધ કરવો, ૨. ભોંયરાનો ગઢ ભાંગવો, ૩. મિસાણ ચારણના ગાલ ફાડવા અને ૪. પાટણનો દરવાજો પાડવો. તેમણે રા' ખેંગાર અને એના ત્રણે ભાઈઓને બોલાવી કહ્યું કે "જૂનાગઢના રા' પોતાના પુત્રને ગાદી નહીં પણ પ્રતિજ્ઞા આપે છે", કહી ચાર પ્રતિજ્ઞા સંભળાવી, પ્રથમ ત્રણ પુત્રો એ કોઈ એક કે બે કે ત્રણ પ્રતિજ્ઞા સુધી હામી ભરી એ પ્રમાણે ગરાસ આપ્યો અને સૌથી નાના પુત્ર ખેંગારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન આપ્યું જેથી ગાદીએ બેઠો. સૌથી પહેલા સેના સજ્જ કરી હરરાજ મહિડા પર હુમલો કર્યો. હરરાજનો વધ કરીને ભોંયરા તરફ પ્રસ્થાન કર્યું. કિલ્લો ભાંગ્યો, જૂનાગઢ પરત ફર્યો. કચેરી ભરી મિસાણ ચારણને બોલાવાયો. પિતા રા' નવઘણના પ્રશસ્તિ ગીત ગવડાવી ચારણના મોઢામાં હીરા, મોતી, માણેક ભરાવ્યા, એટલે ગઢવીના ગાલ ફાડવાની પ્રતિજ્ઞા પણ પૂર્ણ થઇ. ચોથી અને અંતિમ પ્રતિજ્ઞા પાટણ ગઢનો દરવાજો પડવાની હતી. રા' ખેંગારને જાણ હતી કે આ કામ ઘણું કપરું હતું, પાટણનો દરવાજો તોડવાથી ગુજરાતનો અધિપતિ સિદ્ધરાજ જયસિંહ શાંત નહીં રહે અને જૂનાગઢ પર હુમલો કરશે. તેથી સર્વપ્રથમ ઉપરકોટ કિલ્લાનું સમારકામ કરાવ્યું, પાણીની પૂરતી વ્યવસ્થા કરી, અનાજના કોઠારો ભરી લેવામાં આવ્યા, ચારેકોરથી ઉપરકોટ સુરક્ષિત દેખી પાટણ પર ચડાઈ કરી. આ સમયે જયસિંહ માળવા યુદ્ધમાં વ્યસ્ત હોવાથી રા' ખેંગારે નિર્વિધ્ને પાટણનો દરવાજો કાઢી લીધો અને જૂનાગઢનો કાળવા દરવાજો બંધાવ્યો. જયસિંહ માળવા યુદ્ધ જીતીને આવ્યા બાદ ખબર મળતા સીધા જુનાગઢ ફરતે ઘેરો નાખ્યો. જયસિંહના જુનાગઢ આક્રમણ પાછળ એક બીજુ કારણ રાણકદેવી હતા, જેને સિદ્ધરાજ ચાહતો હતો. પણ રાણકદેવી રા' ખેંગારને પ્રેમ કરતી તેથી રા' સાથે વિવાહ થયા હતા. ઉપરકોટને સિદ્ધરાજે ઘેરી લીધા છતાં વિજય નહોતો મળતો. ત્યારે દેશળ અને વિશળને બોલાવ્યા જે રા' નાં ભાણેજ અને જયસિંહના ભત્રીજા થતા હતા. દેશળ-વિશળે ગઢમા પ્રવેશ કરી દરવાજા ખુલ્લા મૂકી દીધા, જેથી સોલંકીઓનું સૈન્ય ગઢમાં પ્રવેશી ગયું અને યુદ્ધમાં રા' ખેંગારનું મૃત્યુ થયું.[]

યુદ્ધ પછી રા' ખેંગારની રાણી રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદી નજીક સતી થઇ હોવાનું મનાય છે.[][]

રા' ખેંગાર પછી રા' નવઘણ (તૃતીય) ગાદીએ આવ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency, Volume 8. પૃષ્ઠ 493–494. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૬.
  2. "સોરઠની એક રૂપાળી અને તેજીલી સ્ત્રીની દાસ્તાં". ૧૭ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૬.