પાટણ

વિકિપીડિયામાંથી
પાટણ
—  નગર  —
પાટણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′53″N 72°07′20″E / 23.8481837°N 72.1223259°E / 23.8481837; 72.1223259
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
વસ્તી

• ગીચતા

૧,૩૩,૭૩૭[૧] (૨૦૧૧)

• 7,513/km2 (19,459/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

17.8 square kilometres (6.9 sq mi)

• 76 metres (249 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૪૨૬૫
    વાહન • GJ-24c/d

પાટણ (audio speaker iconઉચ્ચારણ) સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મુખ્યમથક છે. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.[૨] પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. અલાઉદ્દીન ખીલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને સાબરમતીને તીરે અહમદાબાદ (અમદાવાદ) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો.

સાહિત્યમાં[ફેરફાર કરો]

  • કનૈયાલાલ મુનશીની વિખ્‍યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના સમયમાં મહમદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી જય સોમનાથમાં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે.
  • પાટણમાં કાદંબરી જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણ થઇ ગયા હતા.
  • જૈન સાધુઓ - હેમચંદ્રાચાર્ય ઉપરાંત રામચંદ્ર, ગુણચંદ્ર અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

રાણકી વાવ[ફેરફાર કરો]

રાણીની વાવ

રાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ ભીમદેવની યાદમાં ઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.[૩] આ વાવ પછી નજીકની સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં રાણકી વાવ તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.[૪]

સહસ્ત્રલિંગ તળાવ[ફેરફાર કરો]

આ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.

પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. ક.મા. મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક રચવામાં આવ્યું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે.

ઉદ્યોગ[ફેરફાર કરો]

અહીંના વિશ્વવિખ્‍યાત પટોળાનો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Patan City Population Census 2011 | Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૭.
  2. Anthony Kennedy Warder (૧૯૮૮). Indian Kāvya Literature: The bold style (Śaktibhadra to Dhanapāla). Motilal Banarsidass Publ. પૃષ્ઠ ૧૯૪–૧૯૫. ISBN 978-81-208-0450-0.
  3. Jarzombek, Mark M.; Prakash, Vikramaditya (૨૦૧૧). A Global History of Architecture. Ching, Francis D. K. (૨ આવૃત્તિ). John Wiley & Sons. પૃષ્ઠ ૯૦૭. ISBN 9780470902486.
  4. "Gujarat's Rani ki Vav added to UNESCO World Heritage site List". IANS. news.biharprabha.com. મેળવેલ ૨૨ જૂન ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: