સૂર્યસંપાત

વિકિપીડિયામાંથી

સૂર્યસંપાત એટલે એવી ખગોળીય ઘટના કે જેમાં દિવસ અને રાત્રિની લંબાઈ એક સરખી હોય. વર્ષમાં બે વખત આવું બનતું હોય છે, માર્ચ અને સપ્ટેમ્બર માસમાં.


વિષુવ કાળ; ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તના વર્તુળો છેદે તે વખત ક્રાંતિવૃત અને વિષવવૃત્ત એકબીજાને એકબીજાને ૨૩ અંશને ખૂણે છેદતાં હોવાથી ક્રાંતિવૃત્તનો અર્ધ વિભાગ વિષુવવૃત્તથી ઉત્તરે અને અર્ધ વિભાગ દક્ષિણે હોય છે અને તે બે છેદનબિંદુઓમાં પૂર્વ તરફનું બિંદુ વસંતસંપાત તેમજ પશ્ચિમ તરફનું છેદનબિંદુ શરત્સંપાત કહેવાય છે. વસંતસંપાતથી શરત્સંપાત સુધી ક્રાંતિવૃત્તનો અર્ધ વિભાગ હમેશા ઉત્તરધ્રુવ તરફ હોય છે. તથા શરત્સંપાતથી વસંતસંપાત સુધીનો અર્ધ વિભાગ નિરંતર વિષુવવૃત્તથી દક્ષિણ તરફ હોય છે. વિષુવવૃત્તથી ઉત્તર તરફનો અર્ધ વિભાગ દેવયાન કહેવાય છે. અને દક્ષિણ તરફનો અર્ધ વિભાગ પિતૃયાન કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે દેવયાનમાં સૂર્ય હોય ત્યાં સુધી દેવોનો દિવસ અને દાનવોની રાત હોય છે. અને પિતૃયાનમાં સૂર્ય હોય ત્યારે દાનવોનો દિવસ તથા દેવોની રાત હોય છે. વસંતસંપાતમાં સૂર્ય આવે ત્યારે દેવલોકમાં એટલે ભૂગોળ ઉપર ધ્રુવમંડળમાં સૂર્યોદય થાય છે, તેમ જ શરત્સંપાતમાં આવે ત્યારે અસ્ત થાય છે. એવી રીતે ઉદયાસ્તમધ્યે દેવયાનમાં વસંત, ગ્રીષ્મ અને વર્ષા એ ત્રણ ઋતુઓ થાય છે. તે પ્રમાણે શરત્સંપાતમાં સૂર્ય આવે ત્યારે દાનવોને સૂર્યોદય થાય છે અને પિતૃયાનમાં શરત્, હેમંત અને શિશિર ઋતુ વહી પુન: વસંતસંપાતમાં આવતાં સૂર્યાસ્ત થાય છે. વસંતસંપાત ૨૧મી માર્ચે થતું જોવામાં આવે છે જયારે શરદ સંપાત ૨૨મી સપ્ટેંમ્બરે થાય છે. આ બંને સંપાત વખતે દિવસ અને રાત્રીની લંબાઈ સરખી રહે છે. સંપાતના સમયમાં કાળે કરીને ફેર પડે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સંપાત". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩.

 ભગવતસિંહજી સંગ્રામસિંહજી, જાડેજા, સંપાદક (૧૯૪૪). "ભગવદ્ગોમંડળ". ભગવદ્ગોમંડળ. પ્રવીણ પ્રકાશન, ગોંડલ. પૃષ્ઠ ૮૬૩૪.