કાનજી સ્વામી

વિકિપીડિયામાંથી

કાનજી સ્વામી જૈન ધર્મના સંત હતાં જેઓનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ની વૈશાખ સુદ બીજને રવિવારને દિવસે સૌરાષ્ટ્રના ઉમરાળા નામના નાનકડા ગામમાં શ્રી મોતીચંદભાઈ તથા ઉજમબા માતાને ત્યાં થયો હતો. લૌકિક અભ્યાસની સાથે-સાથે જૈનશાળામાં પણ અભ્યાસ કરવા જતા. વ્યવસાય અર્થે તેમના પિતા મોતીચંદભાઈ સંવત ૧૯૫૯માં પાલેજ આવ્યાં તેથી તેઓ પણ પાલેજ આવી ગયાં.

વિ.સં. ૧૯૭૦, માગશર સુદ નોમના દિવસે હાથીના હોદ્દે તેમણે દીક્ષા ગ્રહણ કરી. સંવત ૧૯૯૧ના ચૈત્ર સુદ તેરસને મંગળવારે મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિને, સોનગઢમાં 'સ્ટાર ઓફ ઇન્ડીયા' નામના મકાનમાં ભગવાન પાર્શ્વનાથના ચિત્રપટ સમક્ષ તેમણે પરિવર્તન કર્યું. સંપ્રદાયનું ચિહ્ન એવી મુહપત્તિનો તેમણે ત્યાગ કર્યો અને પોતાને સનાતન દિગંબર જૈનધર્મના અવ્રતી શ્રાવક ઘોષિત કર્યા.

પૂ. ભગવતી માતા ચંપાબહેન તથા પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજી તેમના અનુયાયીઓ હતાં. શ્રીમદ્ રાજચંદ્રજીએ વર્તમાનકાળમાં તેમની વાણી યથાર્થ રૂપે પ્રસિદ્ધ કરી તેનો મર્મ સમજાવવાનું અનેરું કાર્ય કર્યું.

સંવત ૨૦૩૭ના કારતક વદ ૭ને શુક્રવારના દિવસે તેઓનો દેહ વિલય પામ્યો.

પરિચય[ફેરફાર કરો]

સંવત 1946, વૈશાખ સુદ બીજ, રવિવારનો દિવસે ભારતવર્ષમાં બે સૂર્ય એક સાથે ઉદિત થયા. એક સૂર્ય આકાશમાં કાળઝાળ ગરમી રેલાવા ઉદય પામ્યો, જ્યારે બીજો સૂર્ય લોકોના અજ્ઞાન-અંધકારને હરી સમ્યક્જ્ઞાનપ્રકાશ પાથરવા માટે ઉદિત થયો. અનાદિ કાળથી પરમાંથી સુખ લેવા માટે આકુલિત થયેલી પરિણતિને પરમ શાંત-રસમય અમૃતપાન કરાવવા માટે આ સૂર્યનો ઉદય થયો હોય એમ લાગે છે. સૌરાષ્ટ્રના ઉમરાળા નામના નાનકડા ગામમાં આજે લોકોના આનંદનો પાર નથી. કુદરત આનંદથી પ્રમુદિત થઈ ઊઠી છે. રોજ કાળઝાળ ગરમી રેલાવતો સૂર્ય પણ આજે પ્રમાણમાં કાંઈક શાંત હોય તેમ લાગી રહ્યું છે. શું કારણ છે આનું ? શા માટે લોકો આનંદથી ઉલ્લસિત થઈ રહ્યાં છે? વાતાવરણમાં પ્રફુલ્લિતતા શા માટે છે ? ભારતવર્ષની બહુરત્ન વસુંધરા શા માટે આજે થનગની રહી છે? આકાશમાં શા માટે દુંદુભીનાદ સંભળાઈ રહ્યો છે? કારણ કે આજે મોતીચંદભાઈ તથા ઉજમબા માતાને ત્યાં એક પવિત્ર આત્માનું આગમન થયું છે. સગાસંબંધીઓ બાળકની મુખમુદ્રા જોતાં તૃપ્તિ પામતા નથી. માતા-પિતાના હર્ષનો પાર નથી. જોષી જોષ જોવા આવ્યા છે. બાળકને વિસ્મિત નેત્રથી જોઈ રહે છે અને કહે છે કે, 'આ બાળક તો જગત તારણહાર છે. જાણે કોઈ અસાધારણ આત્મા પધાર્યા છે.' જોષીના વચનો સાંભળીને માત-પિતાનો આનંદ બમણો થાય છે. બાળકનું નામ 'કાનજી' રાખવામાં આવે છે.

ઉમરાળા જેવા ધૂળીયા ગામમાં 'કાનજી'નું જીવન આનંદથી વ્યતીત થઈ રહ્યું છે. અતિશય ગોરો વાન અને કોમળ શરીર જોઈને 'કાનજી'ના મિત્રો તેને 'મઢમ' કહીને ચીડવે છે અને ઘરના સંબંધીઓ પણ 'પૂઈ' કહીને ક્યારેક બોલાવે છે. અંતરંગમાં છવાયેલી પવિત્રતા, કોમળતા, નિઃસ્પૃહતા તથા ઉદાસીનતા જાણે કે બાહ્ય દેહમાં પણ પ્રસરી રહી છે. તેજ બુદ્ધિમત્તાને કારણે નિશાળમાં પ્રાયઃ પ્રથમ નંબરે પાસ થાય છે. સૌ પ્રથમવાર પોતે શીખે છે : 'सिद्धोवर्णसमाम्नायः' ( વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સવ્યંસિધ્ધ છે). લૌકિક અભ્યાસની સાથે-સાથે જૈનશાળામાં પણ અભ્યાસ કરવા જાય છે અને ત્યાં પણ પ્રથમ નંબર રાખે છે. જૈનશાળામાં અભ્યાસ કરતાં-કરતાં લૌકિક અભ્યાસમાંથી રસ ઉડી જાય છે અને ૧૩ વર્ષની ઉંમરે છ ધોરણ સુધી ભણીને અભ્યાસ છોડી દે છે. જે લોકોનો તારણહાર છે તેને આવા તુચ્છ લૌકિક ભણતરમાં ક્યાંથી રસ આવે ? ગામમાં પ્લેગ નામનો રોગચાળો ફાટી નીકળતાં ગારિયાધાર આવે છે. વ્યવસાય અર્થે પિતા મોતીચંદભાઈ સંવત ૧૯૫૯માં પાલેજ આવે છે તેથી પોતે પણ પાલેજ આવી જાય છે.

‘કાનજી’ પ્રથમથી જ સૌમ્યતા, નિર્દોષતા, નિડરતા, પ્રમાણિકતા, નિઃસ્પૃહતા જેવા અને સદગુણો ધરાવે છે. આ ગુણો નિમ્નલિખિત પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે.

૧૭ વર્ષની ઉંમર છે. 'કાનજી' દુકાન ઉપર બેઠા છે, એવામાં પોલીસ દિવાળીની બક્ષિસ લેવા આવે છે. બક્ષિસ માટે રકઝક ચાલે છે અને પોલીસવાલા નારાજ થઈને ચાલ્યા જાય છે. પોલીસ 'કાનજી' ઉપર અફીણનો ખોટો કેસ દાખલ કરે છે. વડોદરાની કોર્ટમાં સાક્ષી આપવાની આવે છે. 'કાનજી'ની પ્રતિભા, નિર્દોષતા તથા નિડરતા જોઈને ન્યાયાધીશ એમ કહે છે કે આમને પાંજરામાં નહીં, પણ બહાર ઉભા રાખો. ત્રણ કલાક ચાલેલી ઉલટ-તપાસમાં 'કાનજી' બહુ જ નિડરતાથી, નિઃશંકતાથી તથા પ્રમાણિકતાથી બધા જ પ્રશ્નોના જવાબ આપે છે. ત્યારબાદ અદાલત પાલેજમાં આવે છે અને ચુકાદો આપે છે કે આ કેસ તદ્દન ખોટો છે. આ કેસ માટે થઈને જે કાંઈ ખર્ચ થયો હોય તે પોલીસ પાસેથી વસુલ કરી શકે છે. પરંતુ આ તો વિદેહના વાસી, કરુણાના સાગર, લૌકિક ન્યાય-નીતિ પર ચાલવાવાળા અલૌકિક પુરુષ. તે સામાન્ય લોકોની તોલે કઈ રીતે આવી શકે ? પોતે પોલીસ પાસેથી કાંઈ પણ લેતા નથી અને કેસ પૂરો થાય છે. એક વખત ભાગીદાર સાથે દુકાનનો માલ લેવા માટે મુંબઈ જાય છે. માલ ખરીદીને મુંબઈથી ટ્રેન દ્વારા પાછા ફરતી વખતે માલ-સામાન ઘણો વધી જાય છે. એટલે ભાગીદારને વધારાના વજનની ટિકિટ લેવા જવા કહે છે. ત્યારે ભાગીદાર કહે છે કે 'વધારે વજનની ટિકિટ શું કરવા લેવી ? અહીંથી બેઠા પછી કોણ પૂછવાનું છે ? અને પાલેજના સ્ટેશન માસ્તર આપણા ઓળખીતા છે માટે આપણને કાંઈ નહીં કરે, જવા દેશે.' ત્યારે તરત જ 'કાનજી' કહે છે કે 'નહીં, આપણે આવું ખોટું ન કરાય. વધારે વજનના જેટલા પૈસા લાગે તેટલા ભરી દ્યો.

સંવત ૧૯૬૩માં પાલેજમાં રામલીલા ભજવતી નાટક મંડળી આવે છે. રાત્રે પોતે રામલીલા જોવા જાય છે. આ બાજુ વૈરાગ્યથી સભર રામલીલા ભજવાઈ રહી છે અને બીજી બાજુ 'કાનજી'ની હૃદયોર્મિઓ વૈરાગ્યના શાંતરસથી તરબોળ થઈ રહી છે. મંગળમય ઉજ્જવળ ભાવિનો સૂચક અને પૂર્વે આરાધનાથી સીંચેલો પૂર્વજ સંસ્કારનો એક અંકુર ફૂટી નીકળે છે. વૈરાગ્યની એવી તો ધૂન ચડે છે કે અંદરથી સ્ફૂરણા થાય છે અને રોમ-રોમમાંથી એક ધ્વનિ સરી પડે છે : 'શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ...' રોમાંચ ઉલ્લસિત થાય છે અને ભાવનાના પ્રવાહમાં ને પ્રવાહમાં બાર લીટીની છ કડી બની જાય છે અહો ! ધન્ય છે એ ઉદાસીનતાને !! મુખમુદ્રા ઉપર સદાય અંકિત રહેતી વૈરાગ્યરસસભરતા તથા નેત્રોમાં તરવરતું બુદ્ધિ તેમ જ વીર્યનું તેજ કોઈ અસાધારણતાના અને અલૌકિકતાના દર્શન કરાવે છે.

સંવત ૧૯૬૪માં ૧૮ વર્ષની ઉંમર છે. વડોદરામાં 'સતી અનસુયા'નું નાટક જોવા જાય છે. નાટક ચાલી રહ્યું છે. સતિ અનસુયા એના પુત્રને ઘોડિયામાં સુવડાવીને હિંચકાવી રહી છે અને હાલરડું ગાઈ રહી છે : 'બેટા ! ........' (બેટા ! તું શુદ્ધ છો, બુદ્ધ - જ્ઞાનમય છો, નિર્વિકલ્પ છો, ઉદાસીન છો) બસ ! પછી તો વહેતાં વૈરાગ્યના ઝરણાંને ઢાળ મળી ગયો અને પૂરની જેમ વહેતાં આ વૈરાગ્યના ઝરણાં વચ્ચે પોતે જાણે કે શુદ્ધ હોય, બુદ્ધ હોય એવો કાંઈક ભાસ થવા લાગ્યો. રુચિપૂર્વક ઝીલાયેલા પૂર્વના અધ્યાત્મના સંસ્કાર ફરીવાર થનગને છે. એકવાર પણ યથાર્થ રુચિપૂર્વક ગ્રહણ કરેલા સ્વરૂપના સંસ્કાર નિષ્ફળ જતા નથી.

પાલેજમાં દુકાનનો વ્યવસાય સંભાળતા-સંભાળતા આ પ્રકારે વૈરાગ્યના પ્રવાહને કારણે વ્યાપારમાં ક્યાંય રસ આવતો નથી. દુકાનના કામમાંથી નવરાશ મળતાં પોતે સ્વાધ્યાય કરે છે. અંતરંગ ઉદાસીનતા સહિત બાહ્યમાં આવા પ્રકારની રસરહિત પ્રવૃત્તિ જોઈને ઘરના લોકો તેમને 'ભગત' કહીને બોલાવે છે. વ્યવ્હારિક રીતે ડાહ્યા કહેવાતા લોકોને તે ઘેલા લાગે છે, પરંતુ લોકો જેને ઘેલા માને છે એવા 'ભગત' પ્રભુ પાસે વહેલા છે. આવા વૈરાગ્ય-ઉદાસીન-રસથી તરબોળ 'કાનજી'ને દીક્ષા લેવાના ભાવ આવે છે. પાલેજમાં પાંચ વર્ષ પ્રમાણિકતાથી ધંધો કરે છે તે દરમ્યાન, જેના સંસારનો હવે છેડો આવી ગયો છે અને જે થોડાં જ સમયમાં મુક્તિરૂપી કામિનીને વરવાના છે એવા 'કાનજી' માટે લાખોપતિની કન્યાનું કહેણ આવે છે. પરંતુ પોતાની ભાવના દીક્ષા લઈ જાવજીવ બ્રહ્મચર્ય પાળવાની હોવાથી લગ્નની સાફ ના કહી દે છે. પ્રિયજનોના અભિપ્રાય વિરૂદ્ધ એવી પોતાની ભાવનામાં - પોતે પોતાના નિર્ણયમાં - મક્કમ રહે છે અને દીક્ષા લેવા માટે કોઈ યોગ્ય ગુરુની શોધમાં નીકળી પડે છે. ઘણા સાધુઓ જોયા, પરંતુ મન ક્યાંય ઠર્યું નહિ. અંતત: બોટાદ સંપ્રદાયના હીરાચંદજી મહારાજના સંપર્કમાં આવ્યા અને ત્યાં મન ઠરતાં તેમની પાસે દીક્ષા લેવાનું નક્કી કર્યું.વિ.સ.૧૯૭૦, માગસર સુદ નોમના દિવસે હાથીના હોદ્દે દીક્ષા પ્રસંગ ચાલી રહ્યો છે. હાથી ઉપર ચડવા જતાં નિસરણીમાં ધોતિયું ભરાવાથી ફાટે છે. મનમાં પ્રશ્ન ઉદભવે છે : કંઈક ખોટું થાય છે. કુદરતનો સંકેત શું છે ? શું વસ્ત્ર સહિત મુનિપણું નહિ હોય ? તેમના થકી સનાતન દિગંબર જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર થવાનો છે તેનો આ કુદરતી સંકેત છે.

દીક્ષા લીધા બાદ તરત જ શ્વેતાંબર શાસ્ત્રોનો ગહન અને ઊંડો અભ્યાસ શરૂ થાય છે. અભ્યાસની ધૂન પાછળ બીજો નકામો સમય વેડફાય તે પોષાતું નથી. અંતરંગમાં સત્ય શું છે ? તેની ખોજ ચાલી રહી છે. સંપ્રદાયની રીત પ્રમાણે પાતરા રંગવામાં સમય જાય છે તે પણ ગમતું નથી. એકવાર બોલ્યા કે `આ શું ? સ્વાધ્યાય છોડીને આ કરવું ?' ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે 'તો પછી પાતરા વિનાના ગુરુ શોધી લાવજે.' કોને ખબર કે આ જ કાનજી મહારાજ પાતરા વિનાના કુંદકુંદાચાર્યદેવનો માર્ગ પ્રવર્તાવશે. સંપ્રદાયની દરેક ક્રિયાઓનું કડકપણે ને ચુસ્તતાથી પાલન કરે છે. થોડા જ વખતમાં તો લોકોમાં એમ વાતો ચાલવા લાગે છે કે 'કાનજીસ્વામી ફરતે કેવળજ્ઞાન આંટા મારે છે.' આવી પ્રસિદ્ધિ અને પ્રભાવ વચ્ચે પણ પોતાને જે સત્યની શોધ ચાલે છે તે ચાલુ જ રહે છે. સંપ્રદાયના શાસ્ત્રોમાં આવતી વાતોમાં મેળ બેસતો નથી અને સ્વયંના અંતરપટમાંથી જ સિદ્ધાંતિક વાતો સ્ફૂરતિ થવા લાગે છે. જે નીચેના પ્રસંગ ઉપરથી જોઈ શકાશે.

દીક્ષા લીધા બાદ જાહેર પ્રવચનમાં કહે છે કે 'જીવ સ્વતંત્રપણે વિકાર કરે છે, કર્મ વિકાર કરાવતું નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી જીવ વિકાર કરે છે અને સ્વયંના પુરુષાર્થથી તે વિકારને ટાળે છે.' આવી સિંહગર્જના સાંભળતા કાયરોના કાળજાં કાંપી ઊઠે છે. પરંતુ તેમના પ્રભાવ સામે કોઈ બોલી શકતું નથી. હજી તો દિગંબર શાસ્ત્રો હાથમાં આવ્યા નથી તે પહેલાં અંદરના સંસ્કાર કેવા જાગૃત થઈને બહાર આવી રહ્યાં છે !! જે પોતે પૂર્ણ વીતરાગ થવા નીકળ્યા તેમને વીતરાગતાના સંસ્કાર અંદરથી જ સ્ફૂરિત થાય છે. જે પોતે પ્રચંડ પુરુષાર્થ ફોરવીને પૂર્ણ થવાને પંથે નીકળ્યા તેમની વાણીમાં પુરુષાર્થહીનતાની વાત કેવી રીતે આવે ? જેનું વીર્ય અંદરથી ફાટ-ફાટ થતું હોય તેને કોણ રોકી શકે ? અહો ધન્ય છે તેમની શૂરવીરતાને !

સંવત 1971માં વેજલકા ગામે એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એમ દેખાય છે કે આખું આકાશ શાસ્ત્રોથી ભરાઈ ગયું છે. જાણે કે પરમાગમ મંદિરના સંકેત આવ્યા !! અહો ! જેમની નિર્મળ શ્રુતજ્ઞાનની ધારામાંથી સમ્યક્ મોક્ષમાર્ગના રહસ્યોદઘાટન થવાના છે અને ભરતક્ષેત્રમાં જેમના થકી શાસ્ત્રોની પ્રભાવના થવાની છે તેમની કુદરતી સંકેત જાણે કે આવવા લાગ્યા !!

સંવત 1972ના ફાગણ માસમાં ચર્ચા ચાલે છે. ગુરુભાઈ વારંવાર એમ કહે છે કે 'કેવળીએ દીઠું હશે તેમ થશે. આપણે શું કરી શકીએ ? કેવળીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે.' થોડો વખત તો પોતે આવી વાત સાંભળી લે છે. પરંતુ એક દિવસ તેમને કહે છે કે, 'કેવળીએ જોયું હશે તેમ થશે તે વાત તો બરાબર, પણ કેવળજ્ઞાન જગતમાં છે તેની પ્રતીતિ કોને થાય ? કે જ્ઞાનસ્વભાવી આત્માની દ્રષ્ટિ જેને થઈ તેને જ તેવી પ્રતીતિ થાય છે અને ત્રણકાળ-ત્રણલોકને જાણે એવું કેવળજ્ઞાન જેને અંતરમાં બેઠું તેના ભવ ભગવાને જોયા જ નથી.' અહા ! દીક્ષી લીધાને હજુ બે વર્ષ થયા છે, તેમ છતાં તેમના અંતરંગમાંથી કેવી પુરુષાર્થપ્રેરક વાતો આવે છે ! કોઈ ક્યારેક પુરુષાર્થહીનતાની વાતો કહે તો ગમતી નથી. આમ અનેક પ્રકારે પૂર્વ સંસ્કારો બહાર આવતા રહે છે અને અંતરંગમાં સત્યની શોધ ચાલુ રહે છે. સંપ્રદાયના શાસ્ત્રોમાં આવતું જિનપ્રતિમાં સંબંધી વિપરીત નિરૂપણ, સિદ્ધાંતિક વિપરીતતા ઇત્યાદિક માલૂમ પડતાં સંપ્રદાય ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. એકવાર ગુરુ હીરાચંદજી મહારાજ કહે છે કે, 'કાનજી તું સંભામાં વાંચ.' ત્યારે કહે છે કે, 'મહારાજ ! હું વાંચવા નથી આવ્યો, પણ હું મારા આત્માનું કરવા આવ્યો છું.' છતાં કોઈ-કોઈવાર ન છૂટકે જાહેરમાં વાંચવું પડે છે. અંતરંગ વારંવાર પોકારે છે કે સત્યને મારે જ શોધવું પડશે. ગામેગામ વિહાર કરે છે. વિહાર કરતી વખતે પણ પોતે ક્રિયાઓનું કડક પાલન કરે છે અને દિવસે-દિવસે તેમની ખ્યાતિ તથા પ્રસિદ્ધિ વૃદ્ધિગત થાય છે.

સંવત 1976માં દામનગરમાં ચર્ચા ચાલે છે કે, 'મિથ્યાદ્રષ્ટિ હોય ત્યાં સુધી જ મૂર્તિપૂજા હોય, સમકિત થયા પછી મૂર્તિપૂજા ન હોય.' ત્યારે પોતે કહે છે કે, 'સમકિતીને જ સાચી મૂર્તિપૂજા હોય, મિથ્યાદ્રષ્ટિને ન હોય. કારણ કે મૂર્તિ એ સ્થાપના છે, સ્થાપના એ નિક્ષેપનો ભેદ છે અને નિક્ષેપ જેને નય હોય તેને જ લાગુ પડે છે. નય સમ્યક્ શ્રુતજ્ઞાન હોય તેને જ હોય છે, મિથ્યાદ્રષ્ટિને નહિ. માટે સાચી મૂર્તિપૂજા સમ્યક્દ્રષ્ટિને જ હોય છે'

આ જ પ્રકારે બીજી ચર્ચામાં કોઈ કહે છે કે, 'વિકાર થવામાં કર્મના 49% અને જીવના પુરુષાર્થના 51% રાખો.' ત્યારે પોતે કહે છે કે, 'ના, વિકાર થવામાં એક પણ ટકો કર્મનો નથી. સોએ સો ટકા જીવના જીવમાં છે અને સોએ સો ટકા કર્મના કર્મમાં છે.' અહો ! કેવા અદભુત સિદ્ધાંતો અંદરથી સ્ફૂરાયમાન થાય છે !

સંવત 1977માં વાંકાનેરમાં સ્થિરતા દરમ્યાન એક અદભુત પ્રસંગ બને છે. ઓમકાર ધ્વનિ સંભળાય છે અને સ્વપ્નમાં ઊંચા દેહવાળો તથા ઝરીવાળા કપડાં પહેરેલ એક રાજકુમાર આવે છે. કોઈવાર 'હું તીર્થંકર છું.' એમ પણ આવે છે અને ત્યારે પોતે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પરંતુ કોઈ મેળ ખાતો નથી.

જે સત્યને પોતે શોધે છે તે મળતું નથી અને મનમાં ચાલી રહેલા અસમાધાન તથા શંકાઓનું નિરાકરણ થતું નથી, ક્યાંય ચેન પડતું નથી. પરંતુ જ્યાં ચાહ છે ત્યાં રાહ છે અને ભાવના સાથે કુદરત બંધાયેલી છે એ સિદ્ધાંત અનુસાર એ મંગળ ઘડી આવી પહોંચી. સંવત 1978ના ફાગળ માસમાં દામનગરમાં ત્યાંના દામોદર શેઠ આવીને સમયસાર શાસ્ત્ર આપે છે. જેમનો માર્ગ પ્રવર્તવવાનું સૌભાગ્ય તેમના લલાટે લખાયેલું છે એવા ભરતના સમર્થ આચાર્ય કુંદકુંદાચાર્યદેવ દ્વારા વિરચિત ગ્રંથાધિરાજ સમયસાર હાથમાં આવ્યું. શાસ્ત્ર જોતાં જ હૃદયોદગાર સરી પડે છે : 'શેઠ ! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે.' અહો ! કેવા પૂર્ણતાના ભણકાર આવે છે ! અહો ! જેને પોતે ઝંખી રહ્યાં હતાં, જેને માટે દિવસ-રાત ખોજ ચાલતી હતી તે હાથમાં આવતાં અંતરમાં આનંદનો પાર રહેતો નથી. બસ ! પછી તો સમયસારના એક-એક વાક્યમાં, એક-એક પંક્તિમાં નિહિત અમૃતનું પાન કરવા અર્થે પોતે સવારે આહાર લઈને ગામની બહાર એક ઊંડા ખાડામાં જઈને સ્વાધ્યાય કરે છે. જેમ ઝવેરીની નજર સાચા મોતીમાં કે માણેકમાં રહેલી ચમકને પારખીને તેની કિંમત કરે છે તેમ સમયસારમાં રહેલ રત્નોની કિંમત તેમના જ્ઞાનરૂપી નેત્રમાં અંકિત થઈ જાય છે. સમયસાર વાંચે છે ત્યારથી જ પર્યાય ક્રમસર-ક્રમબદ્ધ થાય છે તેમ અંતરંગમાંથી આવે છે. સંવત 1978માં વિંછીયામાં વૈશાખ વદ આઠમના દિવસે ફરી એકવાર ઓમકાર ધ્વનિ આવે છે. પહેલા આખો ઓમ આવે છે અને ત્યારબાદ અડધો ઓમ આવે છે. આ વખતે તો સાથે સાડા બાર કરોડ વાજાં પણ સંભળાય છે. સંપ્રદાયમાં ઓમકારની માન્યતા નથી તો પછી આ શું આવે છે ? અંતરંગમાં બધો ફેરફાર થવા લાગે છે. ત્યારબાદ તો અનેક દિગંબર શાસ્ત્રો હાથમાં આવે છે અને પ્રત્યેક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરે છે. સંપ્રદાયમાં જાહેર પ્રવચનોમાં અનેક સિદ્ધાંતિક રહસ્યોનું ઉદઘાટન થવા લાગે છે.

સંવત 1983માં એકવાર ચર્ચા ચાલે છે. તેમાં એક શેઠ એમ કહે છે કે, 'કાળલબ્ધિ પાકશે ત્યારે મોક્ષ થશે. તેમાં પુરુષાર્થ શું કરવો ?' ત્યારે પોતે મોક્ષમાર્ગ પ્રકાશકનો આધાર આપે છે. તેમ છતાં વધારે દલીલ થાય છે અને પોતે કહે છે કે, 'શેઠ ! વાદવિવાદ ન કરો. કેમ કે ખોજી જીવે છે અને વાદી મરે છે.'

સંવત 1985માં બોટાદમાં એકવાર પ્રવચનમાં કહે છે કે, 'જે ભાવે તીર્થંકરપ્રકૃતિ બંધાય તે ભાવ ધર્મ નથી. જે ભાવથી બંધ થાય તે ધર્મ ન હોય અને મીઠાશથી કહીએ તો તે અધર્મ છે.' અહો ! આવું કહેવાનું સામર્થ્ય તીર્થંકરદ્રવ્ય સિવાય કોનું હોય ? આમ અનેકાનેક દિગંબર જૈન સિદ્ધાંતોનું યથાર્થ પ્રતિપાદન થવા લાગે છે.

સંવત 1990માં રાજકોટમાં સમયસાર ઉપરના જાહેર પ્રવચનો દરમ્યાન કહે છે કે, 'પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.' પૂર્ણતા એટલે સાધ્યરૂપ મોક્ષ, સ્વયંના ઘણા જ ઊંડા મંથનમાંથી નીકળેલું આ સૂત્ર મુમુક્ષુજીવ માટે દિશાબોધ સમાન છે તેમ જ ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરવી તેનું સૂચક છે.

આ જ અરસામાં તેઓશ્રી જાહેર કરે છે કે 'હું સંપ્રદાયમાં રહેવાનો નથી.' બસ ! ખળભળાટ થઈ ગયો ! સંપ્રદાયનો કોહિનૂર હીરો સંપ્રદાય છોડવાની વાત કરે છે ?! જેમને પૂર્ણતા સાધ્ય કરવી છે, જેમને પૂર્ણ વીતરાગ થવું છે તે લોકોના કે સંપ્રદાયના બંધનમાં કેવી રીતે રહી શકે ? જે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે તે સમાજના પ્રતિબંધમાં કેવી રીતે બંધાય ? આ તો સિંહને વાડામાં પૂરવા જેવી વાત છે. આમ સમાજમાં માન મળતું હોવા છતાં પોતે પરમ નિઃસ્પૃહતાથી સત્યને ખાતર સંપ્રદાય છોડવા તૈયાર થાય છે. સંપ્રદાય છોડવાના નિર્ણયથી અનેક પ્રકારના વિરોધ થાય છે, લોકો ધમકીઓ આપે છે, છતાં પોતે નિઃશંકતાથી તથા નિર્ભયતાથી સંપ્રદાય છોડવાનો નિર્ણય ઉપર મક્કમ રહે છે.

સંવત 1991ના ચૈત્ર સુદ તેરસ, મંગળવાર, શાસનનાયક, મહાવીરસ્વામી ભગવાનના જન્મકલ્યાણક દિને, જ્યાં નિકટમાં શત્રુંજય જેવી પવિત્ર તીર્થભૂમિ છે, જે શાંત વાતાવરણથી શોભાયમાન છે, જે સોનાના ગઢમાંથી આ અધ્યાત્મસૂર્યની કાંતિ ફેલાવાની છે એવા સોનગઢમાં 'સ્ટાર ઓફ ઇન્ડીયા' નામના મકાનમાં ભગવાન પાર્શ્વનાથના ચિત્રપટ સમક્ષ પરિવર્તન કર્યું. સંપ્રદાયનું ચિહ્ન એવી મુહપત્તિનો ત્યાગ કર્યો અને પોતાને સનાતન દિગંબર જૈનધર્મના અવ્રતી શ્રાવક ઘોષિત કર્યા.

અંતરંગ સાધનાની સાથે-સાથે બાહ્યમાં જિનેન્દ્રદર્શન, પ્રવચન, તત્વચર્ચા તથા ભક્તિ ઇત્યાદિક કાર્યકર્મ નિયમિત થવા લાગ્યા અને પ્રભાવના દિન-પ્રતિદિન વધવા લાગી. પ્રથમ વિ.સં.1994ના વૈશાખ વદ આઠમના દિવસે સ્વાધ્યાય મંદિરનું નિર્માણ થયું. તે વખતે તેઓશ્રી કહે છે કે, 'તમે ભલે આ બધું બંધાવો, પરંતુ અમે કોઈ બંધનમાં રહેવાના નથી. વીતરાગતા વધી જશે તો ચાલ્યા જશું.' અહો ! ધન્ય છે તેમના વૈરાગ્યને તથા ધન્ય છે તેમની નિઃસ્પૃહતાને !! તે જ દિવસે તેમાં પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના પવિત્ર કરકમળે શ્રી સમયસારજીની સ્થાપના થઈ. ત્યારબાદ સંવત 1997માં જિનમંદિર બંધાયું અને તેમાં વહાલા વિદેહીનાથ શ્રી સીમંધર ભગવાનની સ્થાપના કરી ભગવાનના વિરહ ભૂલાવ્યા. અધ્યાત્મથી તેમ જ સ્વાનુભવથી ઓતપ્રોત વાણીથી તથા શ્રુતની લબ્ધિ સાથે છૂટતી દિવ્યધ્વનિથી લોકો આકર્ષિત થઈને સોનગઢ આવવા લાગ્યા અને સમાજમાં એક યુગ પરિવર્તન આવ્યું. જે સત્ય અંધારામાં ડૂબેલું હતું તેને પોતે પોતાના અંતરંગમાં ઉદિત જ્ઞાનપ્રકાશ દ્વારા બહાર કાઢે છે. અનાદિથી પરિભ્રમણ કરતાં તથા દુઃખ ભોગવતાં જીવને શાશ્વત સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તે માર્ગનું પ્રકાશન કરે છે. અચૂક લક્ષ્યવેધી રામબાણ જેવી વાણીથી મિથ્યાત્વના પડળ ભેદાવા લાગે છે. સોનગઢમાં જ સમવસરણ, માનસ્તંભજી, પરમાગમ મંદિરના રચના થાય છે. પરમાગમ મંદિર એટલે ભારતવર્ષની એક અદ્વિતીય રચના !! આચાર્ય શ્રી કુંદકુંદેવની વાણીને અમર રાખવા અર્થે નિર્માણ થયેલ આ પરમાગમ મંદિરમાં પોણાચાર લાખ અક્ષરોની કોતરણી થાય છે, જે વડે પાંચે પરમાગમો ધવલ સંગેમરમરમાં કોતરાય છે. 25,000 જેટલા વિશાળ જનસમુદાયની હાજરીમાં ઉજવાયેલ પરમાગમ-મંદિરનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુદેવશ્રીના તીર્થંકરદ્રવ્યની પ્રતીતિ કરાવે છે. ગામેગામથી લોકો આવીને સોનગઢમાં જ સ્થાયી થાય છે અને પૂજ્ય ગુરુદેવશ્રીની દેશનાનો લાભ લે છે. સૂરજ જેમ છાબડે ઢાંક્યોં રહે નહિ તેમ પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રભાવના ઉદય સોળે કળાએ ખીલી ઊઠે છે અને તેઓશ્રીનાં પવિત્ર કરકમળથી 33 પંચકલ્યાણક પ્રતિષ્ઠા અને 33 વેદી પ્રતિષ્ઠા થાય છે. પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો જાહેર કરતો આ કહાનસૂર્ય પોતાની આભાને પ્રસરાવતો જિનમાર્ગની પ્રભાવનામાં અગ્રેસર થાય છે. ગામેગામ જિનમંદિરોની સ્થાપના, પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, લાખ્ખોની સંખ્યામાં શાસ્ત્રોનું પ્રકાશન, હજારો ભક્તો સહિતની તીર્થયાત્રા ઇત્યાદિ તેમના ભાવિ તીર્થંકરપણાની સૂચક છે. જે ગામ કે જે શહેર તેમના ચરણારવિંદથી પવિત્ર થાય છે ત્યાં માનવ મહેરામણ ઉભરાય છે. ભોપાલમાં તેઓશ્રીનાં દર્શન કરવા અને વાણી સાંભળવા અર્થે 40,000ની મેદની ઉભરાય છે. મુંબઈ જેવી મહામોહમયી નગરીમાં તેઓશ્રીની પવિત્ર દેશનાનો લાભ લેવા અર્થે 10 થી 15 હજાર માણસો આવે છે. ધવલ જેવા મહાસિદ્ધાંત શાસ્ત્ર તેમ જ અન્ય પરમાગમો ઉપર જાહેર પ્રવચન થાય છે. ગ્રંથાધિરાજ સમયસાર ઉપર તો જાહેરમાં 19 વખત પ્રવચનો થાય છે. સમુદ્રમાં મધ્યબિંદુમાંથી ઉપડેલી ભરતી આકાશને આંબવા પ્રયત્ન કરે છે, પરંતુ તેનાથી તેમ થી શકતું નથી. પરંતુ અહીંયાં તો પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રુતજ્ઞાનસમુદ્રમાંથી ઉપડેલી ભરતી ચારે દિશાઓમાં અમૃતની છોળો ઉડાડતી ગગનને આંબી જાય છે !! અંતરંગમાં ઉછળતી સુખ-શાંતિની છોળો બહારમાં વાણી સાંભળનારને પણ શાંતિ પમાડે છે અને તે સુખ-શાંતિની છોળથી પવિત્ર થઈ ધન્યતાનો અનુભવ કરે છે.

સંવત 2013 તથા 2023માં ભક્તોના વિશાળ સંઘ સહિત સમ્મેદશિખર, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી, મંદારગિરિ ઇત્યાદિ તીર્થોની યાત્રા કરે છે. ગામેગામ સ્વાગત કરવા આવતા લોકો અધ્યાત્મ-યુગસૃષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રીને આશ્ચર્યચકિત નેત્રોથી જોઈ રહે છે !! આ તે કોણ પુરુષ છે ?! શું આ કોઈ તીર્થંકર છે ? ભવ્ય વિશાળ દેહ, અધ્યાત્મરસથી ભરપૂર શાંત મુખમુદ્રા, નેત્રોમાં દૈદીપ્યમાન પવિત્રતા અને અંતરંગ મિથ્યાત્વને ભેદી નાખતી વાણી, - આ બધો પ્રભાવ જોઈને લોકોના હૈયા થનગની ઊઠે છે.

સંવત 2015 તથા 2020માં દક્ષિણમાં શ્રવણબેલગોલા, મૂડબીદ્રિ અને સ્વયંના ઉપકારી તારણહાર કુંદકુંદાચાર્યદેવની તપોભૂમિ પોન્નુરગિરિ તથા સમાધિસ્થળ કુંદાદ્રિની યાત્રા કરે છે. તે ઉપરાંત હજારો ભક્તો સહિત ગીરનારજી, શત્રુંજય, તારંગા, પાવાગઢ આદિ સિદ્ધક્ષેત્રો તથા અન્ય તીર્થક્ષેત્રોની યાત્રા કરે છે. સમ્યકજ્ઞાન સહિત ભક્તિનો સમન્વય થાય છે. તીર્થંકર ક્યારેય એકલા મોક્ષમાં નથી જતાં એ વાતની ત્યારે પ્રતીતિ થાય છે.

પૂજ્ય ગુરુદેવશ્રીનાં ભાવશ્રુતસમુદ્રમાંથી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધપર્યાય, કારણશુદ્ધપર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શન, સ્વાનુભવ ઇત્યાદિક અનેક રત્નોની છોળો ઉઠી. તને ઝીલી પ્રશમમૂર્તિ પૂ. ભગવતી માતા ચંપાબહેને તથા પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીએ સમ્યકત્વરૂપી મહાન નિધિને ધારણ કરી અને શ્રીગુરુની ગરિમા વધારી. અંતર્બાહ્ય પ્રભાવનાના ઇતિહાસમાં સોનામાં સુગંધ મળવા જેવું કાર્ય થયું. પૂજ્ય ગુરુદેવશ્રીની શાંતસુધારસમયી વાણીને અંતરંગમાં ધારણ કરીને, અનાદિના અજ્ઞાન-અંધકારને ભેદી નાખ્યો અને સમ્યકત્વરૂપી સૂર્યનો પ્રકાશ ફેલાવી શ્રીગુરુની યથાર્થ પ્રભાવના કરી. પૂજ્ય ગુરુદેવશ્રીનાં સ્વર્ણમયી ઇતિહાસમાં ઉદિત થયેલા આ બે મહાન તારલાઓ કહાનરૂપી સૂર્યના પ્રકાશને શાશ્વત ફેલાવતાં જ રહેશે.

જેમ એક હીરાને અનેક પાસાઓ હોય છે તેમ પૂજ્ય ગુરુદેવશ્રીરૂપી કોહિનૂર હીરો સ્વયંના અનેક અલૌકિક ગુણોથી અલંકૃત થઈ આ ભરતભૂમિમાં શોભી રહ્યો છે. સદાય ઝળકતી આત્મસ્વરૂપની મહિમા, સ્વાનુભવથી ઓતપ્રોત હૃદય, કોમળતા, મધ્યસ્થતા, ન્યાય અવિરૂદ્ધતા, ભાવના તથા ભક્તિથી ભીંજાયેલું અંતરપટ, નિર્માનતા, વિશાળતા, નિ:સ્પૃહતા, નિડરતા, નિ:શંકતા ઇત્યાદિ અનેક ગુણોથી સુશોભિત પૂજ્ય ગુરુદેવશ્રીની આભા સકળ ભારતવર્ષમાં ફેલાયેલી છે અને તે વૃદ્ધિગત થતી રહેશે.

શ્રીમદ્ રાજચંદ્રજીને વર્તમાનકાળમાં પ્રસિદ્ધ કરી તેઓશ્રીની વાણીનો યથાર્થ મર્મ સમજાવવાનું અનેરું કાર્ય પૂજ્ય ગુરુદેવશ્રીની યશગાથામાં કલગી સમાન છે.

વિરોધીઓ દ્વારા ગમે તેટલો વિરોધ થાય તોપણ તેમના પ્રત્યેનું કોમળ સંબોધન 'ભગવાન ! અમે તો કોઈના પર્યાયને જોતાં નથી. તેમ છતાં અમારાથી જોવાઈ ગયો હોય તો અમને માફ કરશો' તેઓશ્રીનાં ક્ષમાભાવને, નિષ્કારણ કરુણાશીલતાને તથા કોમળતાને પ્રદર્શિત કરે છે. ગમે તેટલા શ્રીમંત કે અધિકારી હોય, તેમના હિતાર્થે કહેવાયેલા કઠોર વચનમાં પણ તેઓશ્રીની કરુણા, નિ:સ્પૃહતાના દર્શન થાય છે.

આમ અનેકાનેક સદગુણોથી શોભાયમાન પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રભાવના ભારતમાં તેમ જ વિદેશમાં ફેલાઈ રહી છે. લાખ્ખોની સંખ્યામાં શાસ્ત્રો છપાય છે. જે ક્રિયાકાંડમાં ધર્મ મનાઈ રહ્યો હતો ત્યાંથી લોકોને છોડાવી સત્યના પંથે વાળી છે. લોકોની રુચિ સ્વાધ્યાય પ્રત્યે જાગૃત થાય છે. નાયરોબી જેવા અનાર્યક્ષેત્રમાં પણ જિનમંદિરની સ્થાપના તથા લંડન આદિ સ્થાનોમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેઓશ્રીના અદ્વિતીય પ્રભાવના યોગને તથા તીર્થંકર યોગને સૂચવે છે. ચારેય દિશાઓમાં જિનધર્મની પ્રભાવનાનો ઝંડો લહેરાવતાં-લહેરાવતાં આત્મસાધના સાધી રહ્યાં છે. રોજ વહેલી સવારે 4 વાગે ઉઠીને નિજ જ્ઞાયકસ્વરૂપના ધ્યાનમાં આરૂઢ થઈ આનંદામૃતનું આસ્વાદન કરી દિવસની શરૂઆત કરે છે. અંતર્મુખના પ્રખર પુરુષાર્થ દ્વારા સ્વયંના ધ્યેયની સમીપ પહોંચે છે. વીતરાગી પરમાત્માઓના સ્મરણ સાથે, સમયસારની 1 થી 16 ગાથાઓનો સ્વાધ્યાય કરે છે. સમયસારજીની 47 શક્તિઓના સ્મરણ સાથે નિજ સ્વરૂપના મહિમાને દિન-પ્રતિદિન વૃદ્ધિગત કરે છે. પ્રવચનસારના 47 નય દ્વારા આત્મસાધનાને સાધે છે. સાથે-સાથે અલિંગગ્રહણના 20 બોલ, અવ્યક્તના 6 બોલ તથા શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા લખાયેલા 'સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન-ભિન્ન જુઓ'ના 10 બોલનો પણ સ્વાધ્યાય ચાલે છે અને પુરાણપુરુષ એવા 24 તીર્થંકરોના નામ સ્મરણ સાથે સ્વયં બાલ બ્રહ્મચારી હોવાથી પાંચ બાલ બ્રહ્મચારી તીર્થંકરોનું સ્મરણ પણ કરે છે. આમ આ અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવશ્રીનું જ્ઞાન-ધ્યાનમય જીવન નિ:સ્પૃહી સાધકના જીવનનું દર્શન કરાવે છે.

આવા સત્પુરુષ આ ધરાતલ ઉપર શાશ્વત વિદ્યમાન રહે એવી સર્વ મુમુક્ષુઓની ભાવના હોવા છતાં, આ જિનશાસનનો ચમકતો તારો પોતાના વહાલા વિદેહીનાથને મળવા જાણે કે તત્પર થયો. દેહની સ્થિતિમાં ફેરફાર થવા છતાં પોતે કહે છે કે, 'અહીંયા અમને તો કાંઈ ખબરેય પડતી નથી.' અહો ! ધન્ય છે આ દેહાતીત દશાને ! દેહ અને આત્મા જ્યાં ભિન્નપણે અનુભવમાં આવ્યા ત્યાં ગમે તેવી સ્થિતિમાં પણ પુરુષાર્થવંત આત્માને દેહાદિ ભિન્નપણે અનુભવાય છે. આ દેહ છોડીને જવાની ઘડી આવી પહોંચી. આજીવન સાધેલી અખંડ સાધનાની ફળશ્રુતિરૂપે ઉગ્ર પુરુષાર્થનો પ્રવાહ શરૂ થયો. નિજ પરમાત્મસ્વરૂપમાં લીનતા અર્થે ઉપયોગને સર્વ બાજુથી સમેટી લઈ પોતે અંતર્મુખ થવાના પુરુષાર્થમાં યોજાયા. સ્વસંવેદનનો આવિર્ભાવ થયો, નિર્વિકલ્પ જ્ઞાનવેદન આનંદ સહિત પ્રગટ થયું અને પરિણતિ પરિતૃપ્તતાનો અનુભવ કરવા લાગી. અનંત ગુણોની પરિણતિ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં લીન થઈ રસાસ્વાદન કરવા લાગી. બહારમાં મુમુક્ષુઓ અનંત ઉપકારી શ્રીગુરુની વસમી વિદાય અસહાય નજરથી જોતાં રહ્યાં અને આ ચમકિત તારો સંવત 2037ના કારતક વદ 7, શુક્રવારના દિવસે અસ્ત પામ્યો.

શ્રીગુરુએ વિદાય લીધી. વિદેહીનાથને મળવા અર્થે પોતે વિદેહીદશામાં આરૂઢ થઈ નિર્વિકલ્પ આનંદનું ભેટણું લઈ પ્રયાણ કર્યું. ભરતક્ષેત્રના ભક્તો અનાથપણાનો અનુભવ કરવા લાગ્યા. ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ ઉભી થઈ. સ્વાધ્યાય મંદિર, પરમાગમ મંદિર તથા મુમુક્ષુઓના મનમંદિર સુના થઈ ગયા. રહી ગયો માત્ર 'ભગવાન આત્મા'નો ગુંજારવ ! રહી ગઈ માત્ર સ્મૃતિઓ ! રહી ગયો વિરહ અને રહી ગયા મુમુક્ષુઓના સજલ નેત્રોમાં નિરૂત્તર પ્રશ્નો !! હવે કોણ કહેશે કે 'તું પરમાત્મા છો' ? કોણ હવે 'ભગવાન આત્મા' કહીને બોલાવશે ? શું આ હકીકત છે કે સ્વપ્ન છે ? શું આવું થઈ શકે ખરું ?

આમ સીમંધરલઘુનંદન સર્વને અનાથ મુકીને ચાલ્યા ગયા. આ તો વિદેહના વાસી જન્મ-મરણથી મુક્ત થવા નીકળેલા મહાપુરુષ. તેમને આવી જગ્યામાં રહેવું ક્યાંથી પોસાય ? હવે તેઓશ્રી શું, 'ભગવાન આત્મા' કહીને વહાલભર્યું, મીઠું, પુરુષાર્થપ્રેરક સંબોધન નહીં કરે ? એવો પ્રશ્ન મુમુક્ષુઓના હૃદયને સતાવવા લાગ્યો. કાળની ગતિ અકળ છે. લૌકિક જનોના મૃત્યુ તો જન્મ-મરણની શ્રૃંખલા મટાડ્યા વિના જ થાય છે, જ્યારે આ તો મૃત્યુ-મહોત્સવ ઉજવનારા અલૌકિક પુરુષ - તેમના મરણની કલ્પના ક્યાંથી થાય ? અંતરંગમાં જેમણે વિદેહીપણું પ્રગટ કર્યું તેમને હવે નવો દેહ મળે તો પણ શું ? તે તો જ્ઞાનનું જ્ઞેય રહી જાય છે.

જેમ આ કાળમાં અને આ ક્ષેત્રે તીર્થંકરનો વિરહ છે, પણ આચાર્યો વડે ગુંથાયેલ પરમાગમોથી તીર્થંકરની વાણીનો વિરહ નથી. તેવી જ રીતે મંગલમય કહાન ગુરુદેવની અત્યારે પ્રત્યક્ષ હાજરી નથી, પરંતુ તેઓશ્રીની વાણી તેમના જ અવાજમાં સંગ્રહાયેલ છે. તે ઉપરાંત તેઓશ્રીનું પ્રવચન સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેના કારણે કલ્યાણમૂર્તિ ગુરુદેવશ્રી દ્વારા ઉદ્યોત પામેલ સનાતન વીતરાગ જૈનધર્મ આ યુગના છેડા સુધી ટકશે અને ભવ્ય જીવોને સુખનો પંથ બતાવશે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]