ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર (હવે બનાસકાંઠા જિલ્લામાં) ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો.[૧] તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા.[૨]
કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું.[૩] ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા.[૧][૨]
૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી.[૩] ૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૧][૪][૫]
તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા.
તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર કરતા નહોતા. તેમનાં લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ રહેતું.[૬] તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું જીવન જીવતા દર્શાવાયા છે. તેમણે ઐતહાસિક નવલકથાઓ અતીતવન અને અયનવૃત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાર્શ્વભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું છે. રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પનાને કારણે પ્રગટ નહોતા કરવામાં આવ્યા.[૪][૭]
૧૯૬૮માં પેરેલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ૧૯૮૪માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું, તેમના મત મુજબ આ ઈનામો યુવા લેખકોને આપવા જોઈએ.[૮]
ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો.[૪] તેમણે આ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધા હતા.[૭]
તેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂતકુમાર માસિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.[૮]
ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન વિષય પ્રમાણે નીચે પ્રમાણે છે:[૯]
૨૬ એપ્રિલ, ૨૦૦૮ ના રોજ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ, રાજકોટ દ્વારા ચંદ્રકાંત બક્ષીનાં જીવન પર બે ડીવીડી બહાર પાડવામાં આવી હતી.
ચંદ્રકાંત બક્ષીના જીવન પર આધારિત એકાંકી નાટક હું ચંદ્રકાંત બક્ષી જૂન ૨૦૧૩માં રજૂ થયું હતું.[૧૨][૧૩] આ એકાંકીમાં પ્રતિક ગાંધીએ ચંદ્રકાંત બક્ષીની ભૂમિકા ભજવી હતી, જ્યારે શિશિર રામાવત આ એકાંકીના લેખક હતા.[૧૪]