મૌર્ય સામ્રાજ્ય
મૌર્ય સામ્રાજ્ય | |
---|---|
રાજધાની | પાટલીપુત્ર (હાલ પટના, બિહાર) |
ધર્મ | બૌદ્ધ જૈન આજીવિકા હિંદુ |
સરકાર | ચાણક્યના અર્થતંત્રમાં વર્ણવ્યા પ્રમાણે પૂર્ણ રાજતંત્ર |
વિસ્તાર | |
• કુલ | 5,000,000 km2 (1,900,000 sq mi) (ભારતમાં પ્રથમ) |
ચલણ | પણ (ઉદા. કર્ષાપણ) |
મૌર્ય સામ્રાજ્ય (ઈ.પૂ. ૩૨૨–૧૮૦) | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||
મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્યને જાય છે.
આ સામ્રાજ્ય પૂર્વમાં મગધ રાજ્યના ગંગા નદીના મેદાનો (આજના બિહાર અને બંગાળ) થી શરૂ થયું હતું. તેની રાજધાની પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ.પૂ. ૩૨૨માં આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેણે સિકંદરના આક્રમણ બાદ નાના રાજ્યોના પારસ્પરિક મતભેદોનો ફાયદો ઉઠાવી ખૂબ જ ઓછા સમયમાં પશ્ચિમ તરફ સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો. ઈ.સ.પૂ. ૩૧૬ સુધીમાં મૌર્ય વંશે પૂરા ઉત્તર-પશ્ચિમી ભારત પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચક્રવર્તી રાજા અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્ય તેના શિખર પર હતું.
ઈતિહાસના સ્રોત
[ફેરફાર કરો]- શિલાલેખ
શિલાલેખએ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ વિશે અત્યંત પ્રામાણિક અને વિશ્વસનીય સ્ત્રોત છે. અશોકના શિલાલેખ એ ભારતના પ્રાચીનતમ તિથિયુક્ત આલેખ છે. ૧૮૩૭માં જેમ્સ પ્રિંસેપે આ અભિલેખોની બ્રાહ્મી લિપિના વાચન દ્વારા ઇતિહાસ સંબંધિત કડીઓ પૂરી પાડી છે. આ શિલાલેખોમાં શાસનની મહત્ત્વપૂર્ણ ઉદ્ઘોષણાઓ, વ્યાપાર, ધર્મ સંબંધિત બાબતો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૧]
- સાહિત્યિક સ્ત્રોત
મૌર્યોના ઇતિહાસ સંબંધી સાહિત્યિક સ્ત્રોતોને ધાર્મિક અને લૌકિક સાહિત્ય એમ બે ભાગમાં વહેંચી શકાય. ધાર્મિક સ્ત્રોતોમાં બૌદ્ધ અને જૈન ગ્રંથ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અશોકાવદાન તથા દિવ્યાવદાન નામના બૌદ્ધ ગ્રંથોમાં અશોકના વ્યક્તિત્ત્વના સંબંધમાં ઘણીબધી દંતકથાઓ મળી આવે છે. આ અવદાનોમાં બિંદુસારના શાસનકાળ દરમિયાન થયેલા તક્ષશિલા વિદ્રોહ અને તેના દમન માટે કરાયેલાં અશોકના સૈનિક અભિયાનો વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમાં અશોકના બૌદ્ધ ધર્મ અંગિકાર વિશે પણ માહિતી મળે છે. શ્રીલંકાના સ્ત્રોત દીપવંશ અને મહાવંશમાં શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચારમાં અશોકની ભૂમિકાનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. મંજૂશ્રીમૂલકલ્પ માં ઇ.સ.પૂ. સાતમી સદીથી લઈને ઇ.સ. આઠમી સદી સુધીના દીર્ઘકાલીન ઇતિહાસના મહત્ત્વપૂર્ણ તથ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં નંદો અને મૌર્યોના સંબંધમાં જાણકારી પ્રાપ્ત થાય છે. જૈન વિદ્વાન હેમચન્દ્ર દ્વારા લિખિત પરિશિષ્ઠપર્વણમાં ચંદ્રગુપ્ત મૌર્યના પ્રારંભિક જીવન, મગધ વિજય તથા શાસનકાળના અંતિમ દિવસોમાં જૈન ધર્મ અંગિકાર કરવાના સંદર્ભમાં ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુપુરાણમાં નંદવંશની ઉત્પત્તિ તથા ચાણક્ય અને ચંદ્રગુપ્ત દ્વારા તેમને સત્તાથી વિલગ કરવાનું વર્ણન છે.[૨]
મૌર્યોના ઇતિહાસ સંબંધિત લૌકિક સાહિત્યિક સ્ત્રોતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રોત ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર છે. ૧૫ ખંડો અને ૧૮૦ પ્રકરણોમાં વિભાજીત આ ગ્રંથમાં મૌર્ય શાસકોનો કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. અર્થશાસ્ત્રની રચનાના સમયગાળા માટે પણ વિવાદ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ચિન્ટરનીત્જ જૉલી, એચ.સી.રાય ચૌધરી તથા અન્ય ઇતિહાસકારો એવો તર્ક રજૂ કરે છે કે અર્થશાસ્ત્રએ એક પરવર્તી રચના છે તથા તેને મૌર્ય કાળની સ્ત્રોત સામગ્રી તરીકે સ્વીકાર કરી શકાય નહિ. જ્યારે આર.કે.મુખર્જી, કે. નિલકંઠ શાસ્ત્રી, કૃષ્ણા રાવ, રોમિલા થાપર તથા અન્ય વિદ્વાનોનું માનવું છે કે અર્થશાસ્ત્રએ મૂળ મૌર્યકાળની રચના છે તથા તેના લેખક ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી કે મુખ્ય સલાહકર્તા હતા. અર્થશાસ્ત્ર અને અશોકના શિલાલેખોમાં પ્રયોજાયેલી પ્રશાસનિક શબ્દાવલીની સમાનતાઓ એ સ્પષ્ટ કરે છે કે મૌર્ય શાસકો આ રચનાથી પરિચિત છે.[૩]
અન્ય સાહિત્યિક સ્ત્રોતોમાં ચોથી શતાબ્દીના વિશાખાદત્ત રચિત સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસમાં કૌટિલ્ય દ્વારા નંદવશને સત્તાચ્યુત કરવાનું વર્ણન છે. લૌકિક સાહિત્યિક સ્ત્રોતોમાં ૧૨મી શતાબ્દીમાં કલ્હણકૃત રાજતરંગિણી, સોમદેવકૃત કથાસરિતસાગર અને ક્ષેમચંદ્રકૃત બૃહત્કથા–મંજરી મુખ્ય છે.[૩]
- વિદેશી સ્ત્રોત
સિકંદરના ભારત પરના આક્રમણના ફળ સ્વરૂપે ભારતમાં અનેક યુનાની યાત્રીઓનું આગમન થયું હતું. બહારની દુનિયાને ભારતનો વાસ્તવિક પરિચય કરાવામાં તેઓ પહેલાં હતા. સિકંદરના સૈન્ય અભિયાનોમાં સાથે રહેનારા લેખકો નિર્યાસક, ઓનેસીક્રીટ્સ અને એરિસ્ટોબુલ્સની કૃતિઓમાં ભારત સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત મૌર્ય દરબારમાં આવેલાં યુનાની રાજ્યના રાજદૂતોના ભારત સંબંધી દૃષ્ટિકોણ અને ભારતની સુક્ષ્મ અને વ્યાપક જાણકારી પણ એટલી જ મહત્ત્વની છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ફારસ તથા બેબિલોનના યુનાની શાસક સેલ્યુકસ નિકેટર દ્વારા મેગસ્થનીજને રાજદૂત તરીકે મોકલવામાં આવ્યો હતો. મેગસ્થનીજનું ભારત વિષયક વિવરણ ઈન્ડિકા સૌથી મહત્ત્વપૂર્ણ વિદેશી વૃતાંત છે. તેમાં મૌર્યકાળના ભારત વિશે સંકલન જોવા મળે છે. મૂળ કૃતિ (ઈન્ડીકા) અપ્રાપ્ય હોવાથી પરવર્તી યુનાની લેખકોના ઉદ્ધરણોથી તેના વિવરણો વિશે ભારત સંબંધિત જાણકારી મળે છે. મેગસ્થનીજ બાદ ડેઇમોક્સ બિંદુસારના દરબારમાં રાજદૂત તરીકે પાટલીપુત્રમાં લાંબો સમય સુધી રહ્યો હતો.[૩]આ ઉપરાંત અન્ય વિદેશી લેખકો સ્ટ્રેબો, ડિયોડોરસ, પ્લિની, એરિયન, પ્લૂટાર્ક, જસ્ટીન વગેરે મુખ્ય છે. ચીની યાત્રી ફાહિયાન અને હુએન-ત્સાંગના યાત્રા વિવરણ પણ મૌર્ય કાળના ઇતિહાસના અધ્યયન માટે પ્રાંસંગિક છે.[૪]
- પુરાતાત્વિક ઉત્ખનન
છેલ્લાં ૬૦ વર્ષોમાં ઉત્તર−પશ્ચિમ ભારત તથા ગંગાના મેદાનોમાં મૌર્ય કાળના અનેક સ્થળો પર પુરાત્તાત્વિક ઉત્ખનન કરવામાં આવ્યા છે. પટના નજીક કુમરાહાર તથા બુલન્દીબાગના ઉત્ખનનોમાં ચંદ્રગુપ્ત મૌર્યના ભવ્ય મહેલના અવશેષો મળી આવ્યા છે. કૌશામ્બી, રાજગૃહ, પાટલિપુત્ર, હસ્તિનાપુર, તક્ષશિલા વગેરે સ્થળોના ઉત્ખનનથી સમકાલીન ઇતિહાસના પુનર્નિમાણમાં બહુમૂલ્ય સહાયતા મળે છે.[૪]
- કલા સંબંધી પૂરાવા
પુરાતાત્વિક પ્રમાણની જેમ જ મૌર્ય કાળના સ્તૂપ, વિહાર તથા અશોકના સ્તંભોમાં શીર્ષ પર સ્થાપિત પશુ મૂર્તિઓના કલાત્મક અવશેષોથી ઇતિહાસ સંબંધી સમકાલીન માહિતી મળી આવે છે.[૪]
- રાજ્ય મુદ્રાઓ
મૌર્ય સામ્રાજ્ય મૌદ્રિક અર્થવ્યવસ્થા પર આધારિત હતું. અર્થશાસ્ત્રમાં ચાંદીના પણ અને તેના ઉપ−વિભાજનો સહિત માનક મુદ્રાઓનો સ્વીકાર કર્યાનો ઉલ્લેખ છે. જ્યારે તાંબાના મશક તથા તેના ઉપ−વિભાજનોનો સાંકેતિક મુદ્રા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. મૌર્ય કાળના પ્રચલિત સિક્કાઓ પર મૌર્ય શાસકો કે તિથિનો ઉલ્લેખ જોવા મળતો નથી. મોટાભાગના સિક્કાઓ પર વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, પર્વત, પશુ-પક્ષી જેવા પ્રતિક ચિહ્નો જોવા મળે છે. મૌર્ય કાળના સ્થળોના ઉત્ખનનમાં પણ સમકાલીન સિક્કાઓ મળી આવ્યા છે. તક્ષશીલામાંથી મળી આવેલા સિક્કાઓનો ભંડાર મૌર્ય કાળની સમૃદ્ધિ દર્શાવે છે.[૪]
સ્થાપના અને શાસકો
[ફેરફાર કરો]- ચંદ્રગુપ્ત મૌર્ય (-૩૨૨ થી -૨૯૭)
- બિન્દુસાર (-૨૯૭ થી -૨૭૨)
- અશોક (-૨૭૨ થી -૨૩૨)
- દશરથ મૌર્ય (-૨૩૨ થી -૨૨૪)
- સંપ્રતિ (-૨૨૪ થી -૨૧૫)
- શાલીશુક્લા (-૨૧૫ થી -૨૦૨)
- દેવવર્મન (-૨૦૨ થી -૧૯૫)
- શતાધવાન (-૧૯૫ થી -૧૮૭)
- બૃહદ્રથ મૌર્ય (-૧૮૭ થી -૧૮૫)
-
ઇ.સ.પૂ. ૩૦૫, સેલ્યુકસ-મૌર્ય યુદ્ધ બાદ મૌર્ય સામ્રાજ્યની સીમા
-
ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના મૃત્યુ સમયે મૌર્ય સામ્રાજ્યની સીમા ઇ.સ.પૂ. ૨૬૮
-
Joseph E. Schwartzberg's અનુસાર મૌર્ય સામ્રાજ્ય અને તેના પૂર્વવર્તિઓનો વિકાસ (ઇ.સ.પૂ. ૬૦૦-૧૮૦)
-
Hermann Kulke અને Dietmar Rothermund દ્વારા રચિત ભારતના ઇતિહાસ અનુસાર મૌર્ય સામ્રાજ્ય કે જેમાં વિવાદીત જનજાતીયો અને અન્ય વિસ્તારોનો મૌર્ય સામ્રાજ્યમાં સમાવિષ્ટ નથી
પ્રશાસન
[ફેરફાર કરો]મૌર્ય સામ્રાજ્યનું પ્રશાસન સંઘીય અને એકતંત્રીય હતું. સત્તાની સર્વોચ્ચ શક્તિ રાજા પાસે હતી. આમ છતાં સુચારું શાસન વ્યવસ્થા માટે કેન્દ્રીય તેમજ પ્રાંતીય એમ પૃથક વ્યવસ્થા કરવામાં આવી હતી.
- કેન્દ્રીય પ્રશાસન
મૌર્ય શાસનમાં સમ્રાટ સર્વોચ્ચ પદાધિકારી અને સેનાનાયક હતો. ઉપરાંત કાર્યપાલિકા, વ્યવસ્થાપિકા અને ન્યાયપાલિકાનો પ્રધાન હતો. સમ્રાટની સહાયતા માટે મંત્રીપરિષદ હતી. અશોકના છઠ્ઠા શિલાલેખ પરથી અનુમાન કરી શકાય કે, મંત્રીપરિષદના નિર્ણયો વિચારવિમર્શ બાદ બહુમતના આધારે કરવામાં આવતા હતા. મંત્રીઓનું મુખ્ય કાર્ય રાજાને સલાહ–પરામર્શ આપવાનું હતું. પરંતુ અંતિમ નિર્ણય રાજાને આધીન રહેતો. મંત્રીઓનો પ્રભાવ તેમની યોગ્યતા અને કર્મઠતા પર નિર્ભર હતો. અર્થશાસ્ત્ર અનુસાર સૌથી ઊંચા મંત્રીઓ માટે ‘તીર્થ’ શબ્દ પ્રયોજાતો હતો. આ તીર્થોમાં પ્રધાનમંત્રી, પુરોહિત, સેનાપતિ ,યુવરાજ, સમાહર્તા, સન્નિધાતા તથા પરિષદાધ્યક્ષ મુખ્ય હતા. તીર્થોને ૧૨૦૦૦ ‘પણ’ વાર્ષિક વેતન આપવામાં આવતું હતું. આ પ્રકારના તીર્થોની કુલ સંખ્યા ૧૮ હતી.[૫]
કેન્દ્રીય શાસનનો મહત્ત્વનો વિભાગ સેના હતી. યુનાની લેખકોના મતાનુસાર ચંદ્રગુપ્ત પાસે ૬૦,૦૦૦ પાયદળ, ૫૦,૦૦૦ અશ્વદળ, ૯૦૦૦ હાથી તથા ૪૦૦ રથોની એક સ્થાયી સેના હતી.[૬]
- પ્રાંતીય શાસન
ચંદ્રગુપ્તના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યમાં અવંતિરાષ્ટ્ર, ઉત્તરાપથ, દક્ષિણાપથ અને મધ્ય દેશ એમ ચાર પ્રાંત હતા. અશોકના સમયમાં પાંચમા પ્રાંત કલિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રાંતોનું શાસન સમ્રાટ દ્વારા નિયુક્ત યુવરાજો દ્વારા કરવામાં આવતું હતું. અશોકના અભિલેખોમાં તેમને ‘કુમાર’ અથવા ‘આર્યપુત્ર’ કહેવામાં આવ્યા છે. કેન્દ્રીય શાસનની જેમ જ પ્રાંતીય શાસનમાં પણ મંત્રીપરિષદ હતી. રોમિલા થાપરના મત અનુસાર પ્રાંતીય મંત્રીપરિષદ કેન્દ્રીય પરિષદની સરખામણીમાં વધુ સ્વતંત્ર હતી.[૭]
- નગર પ્રશાસન
મૌર્ય કાળમાં પ્રાંત જનપદોમાં વિભાજીત હતા. જેની ચાર શ્રેણીઓ હતી : સ્થાનીય, દ્રોણમુખ, ખારવટિક અને સંગ્રહણ. જનપદનો પ્રધાન અધિકારી પ્રદેષ્ટા કહેવાતો. જ્યારે સંગ્રહણનો પ્રમુખ અધિકારી ગોપ કહેવાતો. ગોપ ઉપર સ્થાનીય અને તેની ઉપર નગરાધ્યક્ષનું પદ હતું. ‘સ્થાનીય’ અંતર્ગત ૮૦૦ ગામ, ‘દ્રોણમુખ’ના અંતર્ગત ૪૦૦ ગામ, ‘ખારવટિક’ અંતર્ગત ૨૦૦ ગામ તથા ‘સંગ્રહણ’ને અંતર્ગત ૧૦૦ ગામો રહેતાં.
- સ્થાનીય શાસન
મૌર્ય સામ્રાજ્યનો સૌથી નાનો એકમ ગામ હતું. ગામના પ્રમુખ પ્રશાસનિક પદાધિકારીને ગ્રામણી કહેવામાં આવતો. પ્રત્યેક ગામમાં ગામના વરિષ્ઠ વ્યક્તિઓની બનેલી એક ગામ પરિષદ રહેતી જે પ્રશાસનમાં સહાયક ભૂમિકા ભજવતી.
મૌર્ય સામ્રાજ્યના નિભાવ-સંચાલન માટે ઘણા ધનની આવશ્યકતા રહેતી પરિણામે રાજસ્વ પ્રણાલીની રૂપરેખા ઘડાઈ હતી. જેનું વિસ્તારથી વિવરણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે.[૮]
અર્થવ્યવસ્થા
[ફેરફાર કરો]રાજ્યની અર્થવ્યવસ્થા કૃષિ, પશુપાલન અને વેપાર-વાણિજ્ય પર આધારિત હતી. જે પૈકી કૃષિ એ મુખ્ય વ્યવસાય હતો. દક્ષિણ એશિયામાં પહેલી વાર રાજકીય એકતા અને સૈન્યસુરક્ષાના પરિણામે એક સર્વસામાન્ય આર્થિક પ્રણાલીને અનુમોદન મળ્યું. પરિણામે વેપાર−વાણિજ્ય અને કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો. આ પૂર્વેની સેંકડો રાજ્યો, નાનાં નાનાં સૈન્યદળો, શક્તિશાળી ક્ષેત્રીય પ્રમુખો અને આંતરિક યુદ્ધોની પરિસ્થિતિઓને કારણે કેન્દ્રીય પ્રશાસનને પ્રોત્સાહન મળ્યું. ચંદ્રગુપ્ત મૌર્યએ સમગ્ર ભારતમાં એક જ ચલણની શરૂઆત કરી. ક્ષેત્રીય રાજ્યપાલ, પ્રશાસક અને નાગરિક સેવાના એકસૂત્રી પ્રશાસન દ્વારા ખેડૂતો, વેપારીઓ તથા વ્યવસાયકર્તાઓને ન્યાય તથા સુરક્ષા પ્રદાન થઈ.
મૌર્ય સામ્રાજ્યની આર્થિક સ્થિતિ ઘણા વર્ષો પછીના રોમન સામ્રાજ્યને અનુરૂપ હતી. બંનેના વ્યાપારિક સંબંધો વ્યાપક હતા. તથા બંનેની પ્રશાસનિક સંસ્થાઓમાં પણ સમાનતા હતી. રોમની સંગઠનાત્મક સંસ્થાઓ મોટેભાગે રાજ્ય સંચાલિત સાર્વજનિક પરિયોજનાઓ માટે ઉપયોગી હતી જ્યારે મૌર્ય સામ્રાજ્યમાં ઘણી વ્યક્તિગત વાણિજ્યિક સંસ્થાઓ હતી.
- કૃષિ
મૌર્ય શાસનમાં રાજસ્વનો સૌથી મોટો હિસ્સો ભૂ−રાજસ્વનો રહેતો હતો. જમીનના મુખ્ય બે પ્રકાર હતા. રાજાની જમીન અને ખેડૂતોની જમીન. રાજકીય જમીન પર ગુલામો તથા કેદીઓ દ્વારા ખેતી કરવામાં આવતી હતી જેના વળતરરૂપે ગુલામો તથા કેદીઓને ભોજન તથા માસિક રોકડ વેતન આપવામાં આવતું હતું. આ પ્રકારની જમીન પરથી થતી આવકને સીતા કહેવામાં આવતી હતી. ખેડૂતોની જમીનથી મળતા કરને ભાગ કહેવામાં આવતો હતો.
મેગસ્થનીજ, સ્ટ્રાબો, એરિયન વગેરે યૂનાની લેખકોના મતે બધી જ જમીન રાજ્યને હસ્તક હતી તથા તેના પર કૃષિ કામ કરનાર આવકનો ૧૪ ભાગ રાજાને કર પેટે જમા કરાવતા. કૌટિલ્યના મતે જો બીજ, બળદ અને કૃષિ માટેના સાધનો ખેતી કામ કરનારના હોય તો તે ઉપજના ૧૨ ભાગનો અધિકારી રહેતો. જો કૃષિ ઉપકરણ રાજ્ય દ્વારા આપવામાં આવ્યા હોય તો તેને ૧૩ કે ૧૪ ભાગ મળતો. અંગત માલિકીની જમીન પર ખેતી કામ કરનાર પાસેથી ઉપજનો ૧૬ ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો હતો. નિયામક અધિકારી, સમાહર્તા, સ્થાનક અને ગોપ ગામ્ય ભૂમિ તથા સંપતિના આંકડાઓનો હિસાબ રાખતા. રાજ્યની જમીનનો વહીવટ સીતાધ્યક્ષ દ્વારા કરવામાં આવતો.[૯]
રાજ્યમાં સિંચાઈ વ્યવસ્થા સેતુબંધ તરીકે ઓળખાતી. જે અંતર્ગત તળાવ, કૂવા અને સરોવરો પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ−નિયંત્રણ કરવામાં આવતો. મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના સુદર્શન તળાવ પર બાંધવામાં આવેલો બંધ એ સેતુબંધનું ઉદાહરણ છે. સિંચાઈ માટે પણ કરવેરો આપવો પડતો હતો. જે ઉપજના ૧૫ થી ૧૩ ભાગ સુધીનો રહેતો. રાજ્ય ઉપરાંત નાગરિકો સ્વયં પણ તળાવ કે વાવ બનાવીને સિંચાઈની વ્યવસ્થા કરી શકતા હતા. તેમને શરુઆતમાં સિંચાઈ કરમાંથી મુક્તિ આપી પ્રોત્સાહિત કરાતા પરંતુ કેટલાક સમય બાદ તેમની પાસે પણ સિંચાઈ કર લેવામાં આવતો હતો.[૧૦]
- વ્યાપાર
મૌર્ય સામ્રાજ્યની વિશાળ એકસૂત્રીય શાસન વ્યવસ્થાના પરિણામે વ્યાપારને પ્રોત્સાહન મળ્યું. અશોકના સમયગાળા દરમિયાન મૌર્ય–ગ્રીક મૈત્રી સંધિના ફળસ્વરૂપ આંતરિક વ્યાપારની સાથે સાથે વિદેશી વ્યાપારને પણ ઉત્તેજન મળ્યું. ઉનના વસ્ત્રો, ઘોડા, ચામડું, મોતી, સુવર્ણ, હીરા, શંખ તથા બહુમૂલ્ય રત્નોનો વ્યાપાર મુખ્ય હતો. કૌશામ્બી, પાટલિપુત્ર, તક્ષશિલા, કાશી, ઉજ્જૈન તથા તોશલિ એ વ્યાપારના મુખ્ય કેન્દ્રો હતા. આ સમયગાળામાં વસ્ત્ર વ્યવસાય સૌથી મુખ્ય હતો. વિદેશી વ્યાપાર મુખ્યત્વે મિસ્ર, સીરિયા, યૂનાન, રોમ, હારસ, શ્રીલંકા, સુમાત્રા, જાવા અને બોર્નિયો જેવા પ્રદેશો સાથે થતો હતો. આ સમયમાં ધાતુ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ તથા કાષ્ઠ ઉદ્યોગ પ્રચલિત હતા.[૧૧]
મૌર્ય કાળ દરમિયાન વ્યાપારીઓ સંસ્થાધ્યક્ષની પરવાનગી વગર માલની આયાત-નિકાસ કે સંગ્રહ કરી શકતા નહોતા. માપ તોલનું દર ચાર મહિને રાજ્ય કર્મચારીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવતું હતું. ઓછું વજન તોલનારને દંડની જોગવાઈ હતી. લાભનો દર નિશ્ચિત હતો. સ્વદેશી વસ્તુઓ પર ૪% અને અન્ય દેશોમાંથી આયાત કરેલી વસ્તુઓ પર ૧૦% વેચાણકર લેવામાં આવતો હતો. મેગસ્થનીજના મત અનુસાર વેચાણકર ન ચૂકવનારને મૃત્ત્યુદંડની સજા કરવામાં આવતી હતી.[૧૨]
મૌર્ય સામ્રાજ્યના સિક્કા |
|
સમાજ
[ફેરફાર કરો]પૂર્વવર્તી ધર્મશાસ્ત્રોની જેમ જ વર્ણ વ્યવસ્થા એ મૌર્યકાળનો સામાજીક આધાર હતી. ધર્મશાસ્ત્રો પ્રમાણે કૌટિલ્યએ પણ ચાર વર્ણોના વ્યવસાય નિર્ધારિત કર્યા હતા. સમાજમાં બ્રાહ્મણોનું સ્થાન વિશિષ્ટ મનાતું હતું. તેઓ શિક્ષક તેમજ પુરોહિત હતા. ઉપરાંત સમાજનું બૌદ્ધિક અને ધાર્મિક નેતૃત્ત્વ પણ કરતા હતા. મેગસ્થનીજના વર્ણનોમાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞવિધિ કરાવાનો ઉલ્લેખ છે.[૧૪]
કૌટિલ્યની વર્ણ વ્યવસ્થા અનુસાર શુદ્રોને શિલ્પકલા અને સેવાવૃત્તિ ઉપરાંત વૈશ્યોના સહાયકના રૂપમાં અથવા સ્વતંત્ર રીતે કૃષિ, પશુપાલન અને વાણિજ્ય દ્વારા આજીવિકા ચલાવવાની અનુમતિ હતી. આ વ્યવસ્થાને પરિણામે શુદ્રોના આર્થિક સુધારાનો પ્રભાવ તેમની સામાજીક સ્થિતિ પર પણ પડતો હતો. અર્થશાસ્ત્ર અનુસાર શુદ્રોને આર્ય પણ કહેવામાં આવતા હતા અને તેમને મ્લેચ્છથી ભિન્ન માનવામાં આવતા હતા.[૧૪]
ચાર વર્ણો ઉપરાંત કૌટિલ્યએ વર્ણસંકર જાતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમની ઉત્પત્તિ વિભિન્ન વર્ણોના અનુલોમ–વિલોમ વિવાહ દ્વારા થઈ હોવાનું દર્શાવ્યું છે. આ વર્ણસંકર જાતિઓમાં અમ્બષ્ઠ, નિષાદ, પારશવ, રથકાર, ક્ષતા, વેદેહક, માગધ, સૂત, પુલ્લકસ, વેણ, ચાંડાલ,સ્વપાક વગેરેનો સમાવેશ થાય છે. કૌટિલ્યએ ચાંડાલ સિવાયની તમામ જાતિઓને શુદ્ર ગણી છે.[૧૪]આ સિવાય તંતુવાય (વણકર), રજક (ધોબી), દરજી, સોની, લુહાર વગેરે વ્યવસાય આધારિત વર્ગો, જાતિ સ્વરૂપે સમાજમાં સ્થાન ધરાવતા હતા.
જાતિપ્રથાની કેટલીક વિશેષતાઓનું વર્ણન મેગસ્થનીજના પુસ્તક ઈંડિકામાં જોવા મળે છે. મેગસ્થનીજના વર્ણન અનુસાર કોઈ પણ વ્યક્તિ જાતિ બહાર વિવાહ કરી શકતો ન હતો. એ જ રીતે વ્યવસાયમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યવસાયને અન્ય જાતિના વ્યવસાયમાં બદલી શકતો ન હતો. કેવળ બ્રાહ્મણોને જ એ વિશેષ અધિકાર પ્રાપ્ત હતો જેથી તેઓ આપાતકાલીન પરિસ્થિતિમાં ક્ષત્રિય તેમજ વૈશ્યનો વ્યવસાય અપનાવી શકતા હતા. ભારતીય ગ્રંથોથી ભિન્ન મેગસ્થનીજે ભારતીય સામાજીક વર્ગીકરણને સાત જાતિઓમાં વિભક્ત કર્યો છે. જેમાં દાર્શનિક, કિસાન, આહીર, કારીગર કે શિલ્પી, સૈનિક, નિરીક્ષક, સભાસદ તથા અન્ય શાસક વર્ગોનો સમાવેશ થાય છે. દાર્શનિકોને બ્રાહ્મણ અને શ્રમણ એમ બે શ્રેણીમાં વિભાજીત કરાયા છે. મેગસ્થનીજ દ્વારા મૌર્યકાલીન સમાજનું સપ્તવર્ગી ચિત્રણ ભારતીય વર્ણવ્યવસ્થાથી તદ્દન વિપરિત જણાય છે.[૧૪]
સ્ત્રીઓ પુનર્વિવાહ તથા રોજગાર કરી શકતી. આમ છતાં સ્ત્રીઓને બહાર જવાની અનુમતી નહોતી. તે પતિની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરી શકતી નહોતી. ઘરમાં જ રહીને જીવન પસાર કરતી સ્ત્રીઓને કૌટિલ્યએ ‘અનિષ્કાસિની’ તરીકે ઓળખાવી છે. અર્થસાસ્ત્રમાં સતીપ્રથા ચાલુ હોવાના કોઈ પુરાવા મળતા નથી. પરંતુ યુનાની લેખકોએ ઉત્તર-પશ્ચિમના સૈનિકોની સ્ત્રીઓનો સતી થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્યકાળમાં કેટલીક સ્ત્રીઓ ગણિકા અથવા વેશ્યા તરીકે પોતાનું જીવન પસાર કરતી હતી. વેશ્યાવૃત્તિ કરનારી સ્ત્રીઓ રુપાજીવા તરીકે ઓળખાતી. તેમના કાર્યોના નિરીક્ષણ ગણિકાધ્યક્ષ કરતા હતા. કેટલીક ગણિકાઓ ગુપ્તચર વિભાગમાં કાર્ય કરતી હતી.[૧૫]
નટ, નર્તક, ગાયક, વાદક, રસ્સી પર ચાલનારા તથા મદારીઓ પોતાની કલાનું પ્રદર્શન ગામ અને શહેરોમાં કરતા. સ્ત્રી અને પુરુષ કલાકાર બન્ને આ પ્રદર્શનોમાં ભાગ લેતા. પુરુષો રંગોપજીવી તથા સ્ત્રીઓ રંગોપજીવીની તરીકે ઓળખાતા.
મૌર્યકાળની સમાજ વ્યવસ્થામાં ગૃહસ્થ જીવન પરિત્યાગ કરવાની પ્રથા પર નિષેધ હતો. આ નિયમ અનુસાર કેવળ વૃદ્ધ વ્યક્તિ પોતાના આશ્રિતો માટે ભરણપોષણની પર્યાપ્ત વ્યવસ્થા કર્યા પછી જ તથા ધર્મસ્થળ પાસેથી અનુમતિ મેળવ્યા બાદ જ સંન્યાસ ગ્રહણ કરી શકતી.[૧૬]
સંયુક્ત પરિવાર પ્રથા પ્રચલિત હતી. કુમારિકા બાર વર્ષની આયુએ તથા કુમાર ૧૬ વર્ષની અવસ્થાએ વયસ્ક માનવામાં આવતા હતા. આ સમયમાં આઠ પ્રકારના વિવાહ પ્રચલિત હતા તે પૈકી ચાર જ પ્રકારના વિવાહ વિધિસંમત માનવામાં આવતા હતા.[૧૬]
કલા
[ફેરફાર કરો]હડપ્પા સભ્યતા બાદ ૧૫૦૦ વર્ષના ગાળા સુધી કલાના કોઈ ભૌતિક પૂરાવા પ્રાપ્ત થયા નથી. પરંતુ મેગસ્થનીજ, એરિયન, સ્ટ્રેબો તથા અન્ય વિદેશી લેખકો દ્વારા પાટલીપુત્ર નગરના પ્રાચીન સ્થળો તથા રાજમહેલોના વિવરણ અને વર્તમાન ઉત્ખનનોના પૂરાવાઓના આધારે મૌર્યકાળ દરમિયાન વાસ્તુકલા અને મૂર્તિકલાની પ્રવૃત્તિઓ જોવા મળે છે. ઈતિહાસકાર આનંદ કુમારસ્વામી મૌર્યકલાને દરબારી (રાજકીય) કલા અને લોકકલા એમ બે ભાગમાં વિભાજીત કરે છે.
- રાજકીય કલા
આ પ્રકારની કલામાં મૌર્યશાસકો દ્વારા નિર્માણ કરવામાં આવેલા રાજમહેલો તથા અશોકના શિલાલેખોનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્મિત રાજમહેલ ૧૪૦ ફૂટ લાંબો અને ૧૨૦ ફૂટ પહોળો હતો. વર્તમાન પટણાની નજીક બુલંદીબાગ અને કુમ્રહાર ગામ પાસેથી મળી આવેલા મહેલના અવશેષોમાં સભાખંડ અને પથ્થરના ૪૦ જેટલા કોતરકામ કરેલા કલાત્મક સ્તંભ મળી આવ્યાં છે. ફાહિયાને આ મહેલને "દેવતાઓ દ્વારા નિર્મિત" બતાવ્યો છે. અશોક દ્વારા નિર્મિત સ્તૂપ અને શિલાલેખોની કોતરણી, પોલીશ, પશુ આકૃતિઓ એ રાજકીય કલાનુ ઉત્તમ ઉદાહરણ છે.[૧૭]
- લોકકલા
આ પ્રકારની કલામાં મથુરા, પાટલિપુત્ર, વિદિશા, કલિંગ તથા પશ્ચિમ સુર્પારકમાંથી મળી આવેલી યક્ષ-યક્ષીણીની મુર્તિઓનો સમાવેશ થાય છે. આ મહાકાય મૂર્તિઓ ખુલ્લા આકાશ નીચે આવેલી છે. તેની ચમકદાર પોલીશ મૌર્યકાળની વિશેષતા છે. દીદારગંજ પટણાથી મળેલી આવેલી ચામરગ્રાહિણી યક્ષીણીની મૂર્તિ ૬ ફૂટ ૯ ઈંચ ઊંચી છે. પાટલિપુત્રના ભગ્નાવેશેષોમાં જૈન તિર્થંકરોની અનેક વિશાળ મૂર્તિઓ મળી આવેલી છે. જે પૈકીની એક મૂર્તિ કાર્યોત્સર્ગ મુદ્રામાં છે તથા તેની પોલીશ સંપૂર્ણ સુરક્ષિત છે. કુમ્રહાર પાસેથી મળેલી ખંડિત મૂર્તિના માથા પર પાઘડી, કાનના આભૂષણ કોતરેલા જોવા મળે છે. અન્ય કેટલીક મૂર્તિઓ પર હાર, કર્ણકુંડલ, ખભા તેમજ બાજુઓ પર અંગદ અને ઉત્તરીય વસ્ત્રો તેમજ ધોતી જોવા મળે છે.[૧૮]
-
સારનાથનો સ્તંભ
-
ઈ.સ.પૂ. ત્રીજી શતાબ્દીની ગુફાનુ દ્વાર
-
વૃષભનું શિલ્પ અને પિલરની કોતરણી
-
તક્ષશિલા ખાતેનો એક સ્તૂપ
-
મૌર્ય પ્રતિમા,
ઇ.સ.પૂ. દ્વિતીય શતાબ્દી -
મૌર્ય યુગની પ્રતિમાઓ
-
યક્ષ
પતનના કારણો
[ફેરફાર કરો]અશોકના મૃત્યુ બાદ મૌર્ય સામ્રાજ્યના પતનનો આરંભ થયો હતો અને મૃત્યુના ૫૦ વર્ષના ગાળામાં જ સંપૂર્ણપણે પતન થઈ ગયું હતું. વિશાળ મૌર્ય સામ્રાજ્યના ત્ત્વરિત પતન માટે ઇતિહાસકારો પરસ્પર વિરોધી મત ધરાવે છે.
- અશોકની શાંતિવાદી નીતિઓ
અનેક વિદ્વાનોએ મૌર્ય સામ્રાજ્યના પતન માટે અશોકને જવાબદાર ઠેરવ્યો છે. હેમચંદ્ર રાયચૌધરીના મત અનુસાર અશોકની શાંતિવાદી નીતિઓ સામ્રાજ્યની શક્તિને ક્ષીણ કરવામાં જવાબદાર હતી. તેમના મતે, "બિંદુસારના શાસનથી લઈને કલિંગના યુદ્ધ સુધીનો ભારતનો ઇતિહાસ દક્ષિણ બિહારના મગધના એક નાનકડા હિન્દુકુશ પર્વતથી લઈને તમિલ પ્રદેશની સીમાઓ સુધી ફેલાયેલા વિશાળ સામ્રાજ્યના વિસ્તારની કથા છે." પરંતુ કલિંગ યુદ્ધ બાદ મૌર્ય સામ્રાજ્ય દિશાહીન થઈને પતન તરફ ધકેલાઈ ગયું હતું. જોકે, ઇતિહાસકાર નિલકંઠ શાસ્ત્રી રાયચૌધરીની આ દલીલને તર્કસંગત માનતા નથી. શાસ્ત્રીના મતે કલિંગ યુદ્ધ બાદ અશોકે ફક્ત સામ્રાજ્યવાદી નીતિનો ત્યાગ કર્યો હતો. તેણે શાંતિપ્રિયતા અને યુદ્ધત્યાગની નિતિઓને સામ્રાજ્યની સીમાઓ સુધી મર્યાદિત રાખી હતી. યુદ્ધ બાદ સૈન્ય વિઘટનના કોઈ પૂરાવા મળતા નથી. એજ પ્રમાણે ધમ્મનીતિને અપનાવ્યા પછી પણ પ્રશાસનમાં કઠોર દંડ કે મૃત્યુદંડને સમાપ્ત કરવામાં આવ્યો નથી.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ अगिहोत्री 2009, p. 219.
- ↑ अगिहोत्री 2009, p. 222.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ अगिहोत्री 2009, p. 223.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ अगिहोत्री 2009, p. 224.
- ↑ श्रीमाली & झा 2009, p. 212.
- ↑ श्रीमाली & झा 2009, p. 213.
- ↑ श्रीमाली & झा 2009, p. 215.
- ↑ श्रीमाली & झा 2009, p. 216.
- ↑ श्रीमाली & झा 2009, p. 202.
- ↑ श्रीमाली & झा 2009, p. 203.
- ↑ श्रीमाली & झा 2009, p. 205.
- ↑ श्रीमाली & झा 2009, p. 206.
- ↑ CNG Coins સંગ્રહિત ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ વેબેક મશિન
- ↑ ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ श्रीमाली & झा 2009, p. 199.
- ↑ श्रीमाली & झा 2009, p. 200.
- ↑ ૧૬.૦ ૧૬.૧ अगिहोत्री 2009, p. 242.
- ↑ श्रीमाली & झा 2009, p. 220.
- ↑ श्रीमाली & झा 2009, p. 222.
સંદર્ભ સૂચિ
[ફેરફાર કરો]- अगिहोत्री, डॉ वी के (2009), "मौर्य साम्राज्य", भारतीय इतिहास (चौदहवा संस्करण ed.), एलाइड पब्लिशर्स प्राइवेट लिमिटेड, ISBN 978-81-8424-413-7
- श्रीमाली, क्रिश्नमोहन; झा, द्विजेन्द्रनारायण (2009), "मौर्य साम्राज्य", प्राचीन भारत का ईतिहास (३०वां ed.), नई दिल्ली: दिल्ली विश्वविध्यालय