રામસિંહ માલમ

વિકિપીડિયામાંથી

રામસિંહ માલમ અથવા રામસંગ માલમ ભારતના ૧૮મી સદીના કચ્છ પ્રદેશ (હવે કચ્છ જિલ્લો, ગુજરાત ) ના સાગરખેડૂ, સ્થપતિ અને કારીગર હતા. જ્યારે તેમનું વહાણ સફરમાં તૂટી પડ્યું, ત્યારે તેમને એક ડચ જહાજ દ્વારા બચાવી લેવામાં આવ્યા અને તેઓ હોલેન્ડ પહોંચ્યા. તેમણે ત્યાં યુરોપિયન હસ્તકલા કૌશલ્યો શીખ્યા અને પરત ફર્યા પછી કચ્છમાં તે કૌશલ્યો દાખલ કર્યા. કચ્છના શાસક દ્વારા તેમને આશ્રય આપવામાં આવ્યો અને તેમના માટે તેમણે આયના મહેલ સહિતના અન્ય મહેલો અને સ્મારકો બાંધ્યા છે. તેમને દરિયાઈ લોકનાયક તરીકે યાદ કરવામાં આવે છે અને તેમનો કલાત્મક પ્રભાવ હજી પણ પ્રદેશમાં જોવા મળે છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

રામસિંહ માલમનો જન્મ કદાચ ઓખામંડળ [lower-alpha ૧] પ્રદેશમાં ૧૮મી સદીની શરૂઆતમાં વાઘેર જાતિમાં થયો હતો અને તેણે નાનપણથી જ દરિયાઈ મુસાફરી શરૂ કરી હતી.[૧][૨][૩][૪]

નાની ઉંમરે આફ્રિકાની સફર દરમિયાન વાવાઝોડામાં તેમનું વહાણ ડૂબી ગયું અને હોલેન્ડ (હવે નેધરલેન્ડ) જતા એક ડચ જહાજે તેમને બચાવી લીધા.[૨][૩][૫] તે જહાજ પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતા પરંતુ તેઓ બચી ગયા હતા. જહાજ સાથે હોલેન્ડ પહોંચ્યા અને લગભગ ૧૮ વર્ષ રહ્યા.[૩] ત્યાં તેમણે કાચશૈલી, સ્થાપત્ય, પથ્થરની કોતરણી, ઘડિયાળ બનાવવી, ટાઇલ કામ, દંતવલ્ક કામ, બંદૂક બનાવવી અને ધાતુ ઓગાળવી સહિત અનેક યુરોપિયન હસ્તકલા કૌશલ્યો શીખ્યા.[૧][૪][૬][૭]

ભારત પરત ફર્યા બાદ[ફેરફાર કરો]

તેઓ ત્રીસેક વર્ષના હતા ત્યારે ભારત પાછા ફર્યા હતા[૩] અને ઘણા રાજકુમારોને મળ્યા હતા, પરંતુ કોઈને તેમની કુશળતામાં રસ નહોતો. તેઓ કચ્છના માંડવી ગયા જ્યાં તેમની કુશળતાની સ્થાનિકોએ પ્રશંસા કરી. ત્યાં તેઓ ભુજમાં કચ્છના જાડેજા શાસક મહારાવ લખપતજીને મળ્યા, જેમણે તેમને સેવામાં લીધા. તેમણે તેમના મહેલમાં દંતવલ્ક કામની એક વર્કશોપની સ્થાપના કરી અને રાજ્યભરના સોના અને ચાંદીના કારીગરોને તેમની પાસેથી શીખવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.[૨][૬][૮] જ્યારે લખપતજીએ બળવાને કાબૂમાં લેવા તેરા કિલ્લાના સુમરાજી ઠાકોર સામે સૈન્ય મોકલ્યું, ત્યારે તેમણે રામસિંહ માલમ દ્વારા સ્થાપિત તોપખાનાનો ઉપયોગ કર્યો. કચ્છના ઈતિહાસમાં તોપોનો પ્રથમ વખત નોંધાયેલ ઉપયોગ હતો.[૯]

મહારાવની મદદથી તેમણે તેમની કુશળતાને વધુ વિકસાવવા માટે બે વખત યુરોપની મુલાકાત લીધી. કેટલાક વિદ્યાર્થીઓ સાથે તેમણે વેનિસ અને ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે માંડવી નજીક એક તોપ બનાવવાની તેમજ ટાઇલ અને કાચની ફેક્ટરીઓ સ્થાપી કારણકે માંડવીમાં ઉત્પાદન માટે યોગ્ય રેતી મળતી હતી. ત્યાં તેમણે ઘડિયાળો બનાવી અને યુરોપિયન કૃતિઓ અને આકૃતિઓની ઝીણામાં ઝીણી નકલો બનાવી.[૮][૬][૪] તેમણે ભુજમાં હસ્તકલા શાળાની પણ સ્થાપના કરી.[૬] તેમની સેવા બદલ મહારાવ દ્વારા તેમને મુન્દ્રા નજીક કલ્યાણપુર ગામની જાગીર આપવામાં આવી હતી. તેઓ વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા.[૨][૧૦]

સ્થાપત્ય અને વારસો[ફેરફાર કરો]

રામસિંહ માલમને દરિયાઈ લોક નાયક તરીકે યાદ કરવામાં આવે છે અને તેમના પર લખાયેલા ગીતો આજે પણ ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશોમાં ગવાય છે.[૬] કચ્છના સ્થાપત્ય અને શણગાર પર તેમનો પ્રભાવ હજુ પણ જોવા મળે છે.[૧] દંતવલ્ક કામ કરવાની તેમની તકનીક હવે 'કચ્છ વર્ક' તરીકે ઓળખાય છે. તેમની કાર્યશાળામાં બનાવેલા નમૂનાઓ હવે વિવિધ સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યા છે.[૩]

ભુજમાં મહારાવ લખપતજી માટે ૮૦ લાખ કોરીના ખર્ચે તેમણે આયના મહેલની રચના અને સજાવટ કરી હતી. તે ઈન્ડો-યુરોપિયન શૈલીમાં બાંધવામાં આવ્યું હતું અને તેને કાચ, અરીસાઓ અને ચાઈના ટાઈલ્સથી શણગારવામાં આવ્યું હતું અને તેમાં એક આનંદ ખંડ પણ હતો. આ મહેલ હવે એક સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો છે જેમાં ઘડિયાળો, વાસણો, યાંત્રિક રમકડાં, ચિત્રો અને ફોટા સહિત "યુરોપિયનરી" [lower-alpha ૨] સંગ્રહ છે.[૧૧][૧૨][૪] તેમણે માંડવીમાં આવેલા જૂના મહેલ અને ભુજમાં દેશલજી અને લખપતજીના સ્મારક છત્રીઓ પણ તૈયાર કરી હતી.[૨] આ બાંધકામોની રચના અને શણગારમાં યુરોપિયન પ્રભાવ દેખાય છે. તેમના સ્થાપત્યમાં એક લાક્ષણિક નિશાની ચોક્કસ જોવા મળે અને એ છે વાઇનની બોટલ અને કપ સાથે મજા કરતા ડચ છોકરાઓ, જેમની પાસેથી તેમણે તેમની કુશળતાઓ શીખી હતી. પછી વર્ષોમાં આવેલાં ભૂકંપમાં આ ઇમારતોને નુકસાન થયું છે.[૨][૬][૭][૧૩]

નોંધો[ફેરફાર કરો]

  1. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત
  2. ૧૮મી સદીમાં ભારતીય ઉમરાવોમાં યુરોપિયન વસ્તુઓ ભેગી કરવાના વળગાડને "યુરોપિયનરી" કહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Rushbrook Williams 1958, p. 138.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Sastri, K. A. Nilakanta (1959). "Ram Singh Malam of Mandvi". Journal of the Assam Research Society. Kamarupa Anusandhan Samiti (The Assam Research Society). XIII: 19–21. OCLC 565646864.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ પરીખ, પ્રવીણચંદ્ર (January 2002). ઠાકર, ધીરુભાઇ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XV. અમદાવાદ: Gujarati Vishwakosh Trust. પૃષ્ઠ 806. OCLC 248968453.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Jethi, Pramod; London, Christopher W. (2000). "A Glorious Heritage: Maharao Lakhpatji and the Aina Mahal". માં London, Christopher W. (સંપાદક). The Arts of Kutch. Mumbai: Marg Publications and National Centre for the Performing Arts. પૃષ્ઠ 48–61. ISBN 8185026483. OCLC 44835875. મૂળ માંથી 2019-03-26 પર સંગ્રહિત – EBSCOHost વડે.
  5. મહેતા, મકરંદ (2018-10-03). "આજથી અઢીસો વર્ષ પહેલાં યુરોપની ટેકનોલોજી ભારતમાં લઈ આવનાર કચ્છ-માંડવીનો વહાણવટી અને યંત્રશાસ્ત્રી રામસિંહ માલમ". ગુજરાત સમાચાર. મેળવેલ 2023-08-11.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ Vashi, Ashish; Mehta, Harit (2010-02-20). "Gujarati Sindbad built Aina Mahal". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મેળવેલ 2019-02-07.
  7. ૭.૦ ૭.૧ Mehta, Makrand (2009). "Ports and Maritime Trade of Kutch". History of International Trade and Customs Duties in Gujarat. Vadodara: Darshak Itihas Nidhi. પૃષ્ઠ 55. OCLC 439922062.
  8. ૮.૦ ૮.૧ Rushbrook Williams 1958, pp. 138-139.
  9. Lethbridge, Roper (1893). The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated, of the Indian Empire. London: Macmillan. પૃષ્ઠ 274. OCLC 3104377.
  10. "કચ્છમાં છેક અઢારમી સદીમાં ઉદ્યોગ સ્થાપવાનું સપનું માલમે જોયું હતું". નવગુજરાત સમય. 2018-08-22. મૂળ માંથી 2019-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-11.
  11. Rushbrook Williams 1958, pp. 140-142.
  12. Watson, Paul (2001-02-11). "Treasures of India's Royal Past Among Quake Losses". Los Angeles Times. ISSN 0458-3035. મેળવેલ 2019-03-26.
  13. Rushbrook Williams 1958, p. 140.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]