વિનોદભાઈ રમેશભાઈ નાયક

વિકિપીડિયામાંથી

વિનોદભાઈ રમેશભાઈ નાયક ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં ઈન્‍ડીયા કોલોની રોડ, બાપુનગર વિસ્‍તારમાં વસવાટ કરતા એક નાટ્ય-કલાકાર છે. લોકનાટ્ય ભવાઈના કલાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા વિનોદભાઈ નાયકે દેશ-પરદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. તેઓ બાળપણથી જ વારસામાં મળેલી લોકનાટ્ય ભવાઈની કલા સાથે સંકળાયેલા છે. તેમણે દર્પણ અકાદમી ખાતે વિદ્યાર્થીઓને ભવાઈની સંપૂર્ણ તાલીમ આપેલ છે.

વર્તમાન સમયમાં લુપ્‍ત થતી ભવાઈની અસર પરંપરાનું મુળ બંધારણ પ્રમાણે વહન કરતા હોય એવા જૂજ કલાકારો પણ જોવા મળતા નથી, એવા સમય-સંજોગોમાં વિનોદભાઈ પોતે ભવાઈની કલાના વારસાને યથાવત જાળવી દિપાવી રહ્યા છે. તેઓ ભવાઇ કલાના વારસાને જાળવવા અને નાયક જ્ઞાતિની વારસામાં મળેલ લોકનાટ્ય ભવાઈની પરંપરાને ટકાવવા તેમ જ પુનર્જીવીત કરવા માટે પણ અથાગ મહેનત કરી રહ્યા છે. ભવાઈનો વેશ ભજવવાની તાલીમ પ્રાપ્‍ત કરી વિનોદભાઈએ ભૂંગળ, કાંસીજોડા અને તબલાં જેવા વાંદ્યો કે જે લોકનાટ્ય ભવાઈના પ્રયોગ દરમિયાન વપરાતાં મૂળ વાજિંત્રો છે, તેને વગાડવામાં પણ પારંગતતા હાંસલ કરેલ છે.

યોગદાન[ફેરફાર કરો]

આકાશવાણી અને દૂરદર્શન કેન્‍દ્ર, અમદાવાદ જેવા દ્રશ્‍યશ્રાવ્‍ય માધ્‍યમો દ્વારા તેમના ભવાઈના કાર્યક્રમોનું અનેકવાર પ્રસારણ થયેલ છે. ૧૯૯૬ના વર્ષમાં અમૂલ ડેરી માટે બનાવવામાં આવેલ દસ્‍તાવેજી ચિત્ર પણ ભવાઈરૂપ હતું, જેમાં વિનોદભાઈએ ડાયરેકટર રાકેશ મહેરા સાથે રહીને કામ કરેલું છે. તેમણે ૧૯૯૮ના વર્ષમાં નેશનલ સ્‍કુલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ ભવાઈ શીખવા આવ્યા હતા, તેમની સમક્ષ ભવાઈના વેશો રજૂ કરી લોકનાટ્યની ઝીણવટભરી તાલીમ આપી હતી. ૨૦૦૬ના વર્ષમાં સો વર્ષમાં એક જ વાર બનાવવામાં આવેલ ભવાઈ ઈતિહાસ કા આયના માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર સાથે રહી લેખનથી માંડી તમામ પાસાંઓમાં વિનોદ નાયકે અસરકારક યોગદાન આપેલ છે.

આ ઉપરાંત ગુજરાત સરકારની અનેક યોજનાઓને ભવાઈના માધ્યમ વડે અસરકારક પાત્રો રંગલો અને રંગલી દ્વારા ગામેગામ પ્રસારિત કરેલ છે અને નામના મેળવેલ છે. તેમણે અનેક ભવાઈ તાલીમશિબિરમાં તજજ્ઞ તરીકે સેવાઓ આપેલ છે.

સન્માન[ફેરફાર કરો]

વિનોદ નાયકે ૧૯૯૦ના વર્ષમાં રાજ્ય કક્ષાની સાહિત્‍ય કલા અને સંગીત યુવા પ્રતિભાની શોધ-સ્‍પર્ધામાં લોકવાદ્ય સંગીતમાં પ્રથમસ્‍થાન મેળવેલ છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "શ્રી વિનોદભાઇ નાયક, લોકકલા ક્ષેત્ર". ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી. મૂળ માંથી 2017-07-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જાન્યુઆરી ૨૦૧૮.