લખાણ પર જાઓ

માઇક્રોસોફ્ટ

વિકિપીડિયામાંથી

માઈક્રોસોફ્ટ કોર્પોરેશન (Microsoft Corporation, ટૂંકમાં MS) ટેકનોલોજી ક્ષેત્રની એક અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે. વોશિંગ્ટન સ્થિત રેડમન્ડ શહેરમાં તેનું વડું મથક આવેલું છે. આ કંપની કમ્પ્યુટર સોફ્ટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કમ્પ્યુટર અને તેને સંબંધિત સેવાઓ વિકસાવે છે, ઉત્પાદન કરે છે, લાઇસન્સ આપે છે, સહાયક બને છે તેમજ વેચાણ કરે છે. માઇક્રોસોફ્ટનાં સૌથી જાણીતાં સોફ્ટવેર ઉત્પાદનોમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ (Microsoft Windows) ઓપરેટિંગ સિસ્ટમ્સની શૃંખલા, માઇક્રોસોફ્ટ ઓફિસ (Microsoft Office) સુટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર (Internet Explorer) અને એજ (Edge) વેબ બ્રાઉઝરનો સમાવેશ થાય છે. એક્સબોક્સ (Xbox) વિડીયો ગેમ કોન્સોલ અને માઇક્રોસોફ્ટ સરફેસ (Microsoft Surface) ટેબ્લેટ એ કંપનીની મુખ્ય હાર્ડવેર પ્રોડકટ્સ છે. 2016ની સ્થિતિ અનુસાર, આવકની દષ્ટિએ માઇક્રોસોફ્ટની ગણના સોફ્ટવેર બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની તરીકે થાય છે. વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાં તે નિશ્ચિત સ્થાન ધરાવે છે. "માઇક્રોસોફ્ટ" શબ્દ "માઇક્રોકમ્પ્યુટર" અને "સોફ્ટવેર"ને સમાનાર્થી બની ગયો છે.

માઇક્રોસોફ્ટની સ્થાપના પોલ એલન અને બિલ ગેટ્સ દ્વારા 4 એપ્રિલ, 1975ના રોજ થઈ હતી. એમનો પ્રારંભિક હેતુ ઓલ્ટેર 8800 માઇક્રોકમ્પ્યુટર માટે બેઝિક (BASIC) ઇન્ટરપ્રિટર્સ વિકસાવીને તેનું વેચાણ કરવાનો હતો. 1980ના દાયકાના મધ્યમાં એમએસ-ડોસ (MS-DOS)ના પ્રતાપે માઇક્રોસોફ્ટે પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું. 1986માં કંપનીનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) આવ્યો અને ક્રમશઃ કંપનીના શેરના ભાવ એટલી હદે ઊંચકાયા કે માઇક્રોસોફ્ટના ત્રણ કર્મચારીઓ અબજોપતિ અને 12,000 કર્મચારીઓ કરોડપતિ બન્યા. 1990ના દાયકા પછી માઇક્રોસોફ્ટે ઓપરેટિંગ સિસ્ટમની માર્કેટની બહાર પણ સતત વિસ્તરણ કર્યું અને કેટલીય કોર્પોરેટ કંપનીઓ હસ્તગત કરી. માઇક્રોસોફ્ટે સૌથી વધુ 26.2 બિલિયન ડોલર ખચીને સંપાદિત કરેલી કંપની લિન્ક્ડઇન (LinkedIn) છે. લિન્ક્ડઇન કંપની ડિસેમ્બર 2016માં માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનો હિસ્સો બની. અગાઉ મે 2011માં સ્કાઇપ ટેકનોલોજીઝ (Skype Technologies)ને માઇક્રોસોફ્ટે 8.5 મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. 

2015ની સ્થિતિ અનુસાર, આઇબીએમ પીસી (IBM PC)-કમ્પેટિબલ ઓપરેટિંગ સિસ્ટમના માર્કેટ અને ઓફિસ સોફ્ટવેર સુટ માર્કેટમાં માઇક્રોસોફ્ટ વર્ચસ્વ ધરાવે છે. અલબત્ત, સમગ્રપણે ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટના મોટો હિસ્સો એન્ડ્રોઇડ (Android) પાસે જતો રહ્યો છે. માઇક્રોસોફ્ટ ડેસ્કટોપ અને સર્વર માટે કન્ઝ્યુમર તેમજ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર સંબંધિત વૈવિધ્યપૂર્ણ પ્રોડકટ્સ બનાવે છે, જેમાં ઇન્ટરનેટ સર્ચ (બિંગ - Bing - સાથે), ડિજિટલ સર્વિસ માર્કેટ (એમએસએન - MSN - દ્વારા), મિક્સ્ડ રિયાલિટી (હોલોલેન્સ - HoloLens), ક્લાઉડ કમ્પ્યુટિંગ (એઝ્યોર - Azure), સોફ્ટવેર ડેવલપમેન્ટ (વિઝ્યુઅલ સ્ટુડિયો- Visual Studio) વગેરેનો સમાવેશ થાય છે.

2000ની સાલમાં માઇક્રોસોફ્ટના સીઈઓ તરીકે સ્ટીવ બોમર, બિગ ગેટ્સના ઉત્તરાધિકારી બન્યા, જેમણે આગળ જતાં “ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ” વ્યૂહનીતિ વિશે કલ્પના કરી. આની શરુઆત 2008ની સાલમાં ડેન્જર ઇન્કોર્પોરેટેડને હસ્તગત કરવાથી થઈ. ત્યાર બાદ જૂન 2012માં માઇક્રોસોફ્ટ સરફેસ (Microsoft Surface) શૃંખલાના ટેબ્લેટ્સ લોન્ચ કરીને કંપનીએ પહેલી વાર પસર્નલ કમ્પ્યુટર પ્રોડક્શનના માર્કેટમાં પ્રવેશ કર્યો. તે પછી નોકિયાના ડિવાઇસીસ અને સર્વિસીસ ડિવીઝનને હસ્તગત કરીને માઇક્રોસોફ્ટ મોબાઇલ (Microsoft Mobile)ની રચના કરવામાં આવી. 2014માં સત્યા નાડેલા માઇક્રોસોફ્ટના સીઇઓ બન્યા.  તે પછી કંપનીએ હાર્ડવેર સંબંધિત ગતિવિધિઓ ઘટાડીને ક્લાઉડ કમ્પ્યુટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પગલાંને કારણે કંપનીના શેરના ભાવ 1999 પછીની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યા.