અન્ના મણિ

વિકિપીડિયામાંથી
અન્ના મણિ
അന്ന മാണി
જન્મની વિગત(1918-08-23)23 August 1918
પીરમડે, કેરળ
મૃત્યુ16 August 2001(2001-08-16) (ઉંમર 82)
રાષ્ટ્રીયતાભારતીય
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રહવામાન વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર
કાર્ય સંસ્થાઓભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ, પુણે અને રામન અનુસંધાન સંસ્થાન, બેંગ્લોર

અન્ના મણિ (૨૩ ઓગસ્ટ, ૧૯૧૮ – ૧૬ ઓગસ્ટ, ૨૦૦૧) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા.[૧] તેઓ ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવાસી પ્રોફેસર તરીકે સેવા આપી હતી[૧] તેમણે હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રીના ક્ષેત્રમાં અનેક પ્રદાન કર્યા, સંશોધન હાથ ધર્યું અને સૌર કિરણોત્સર્ગ, ઓઝોન અને પવન ઊર્જા માપન પર અસંખ્ય શોધપત્રો પ્રકાશિત કર્યા.[૨]

પરિચય[ફેરફાર કરો]

અન્ના મોડિયાલ મણિનો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના કેરળ રાજ્યના પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં થયો હતો.[૩] તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા.

અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે.

ઇ.સ.૧૯૨૫ માં ગાંધીજી અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા.

અભ્યાસ[ફેરફાર કરો]

ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે.

તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી. તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું.[૨] તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા.

લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના સંશોધનો રજૂ કર્યા. આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી.

કારકિર્દી[ફેરફાર કરો]

અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી.

૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા.

સેવા[ફેરફાર કરો]

૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા.

પ્રકાશન[ફેરફાર કરો]

તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા (૧૯૮૦) અને સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા (૧૯૮૧) (Solar Radiation over India x + 548 pp.[૨]) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો દરમિયાન તેઓ સૌર ઊર્જા અને હવામાપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા.

અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો.

સન્માન[ફેરફાર કરો]

તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા.

૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Sur, Abha (14 October 2001). "The Life and Times of a Pioneer". The Hindu. મૂળ માંથી 13 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 October 2012. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. Gupta, Aravind. "Anna Mani" (PDF). Platinum Jubilee Publishing of INSA. Indian National science academy. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૨.
  4. Sur, Abha (૧૪ ઓક્ટોબર ૨૦૦૧). "The Life and Times of a Pioneer". The Hindu. મૂળ માંથી 2014-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૨.