લખાણ પર જાઓ

અષ્ટમંગળ

વિકિપીડિયામાંથી
તીર્થંકર આદિનાથની પ્રતિમા અને તેની આગળ મૂકાયેલ અષ્ટમંગળ

અષ્ટમાંગલિક ચિન્હોના સમુદાયને અષ્ટમંગળ (હિંદી: अष्टमंगल)કહેવાય છે. આઠ પ્રકારના મંગળ દ્રવ્ય અને શુભકારક વસ્તુઓને અષ્ટમંગળ તરીકે ઓળખાય છે. સાંચીના સ્તૂપ ખાતે તોરણ સ્તંભના ઉત્કૃષ્ટ શિલ્પ પર કોતરેલી બે માળાઓ અંકિત છે. જે પૈકી એકમાં ૧૧ (અગિયાર) ચિહ્ન - સૂર્ય, ચક્ર, પદ્યસર, અંકુશ, વૈજયંતી, કમળ, દર્પણ, પરશુ, શ્રીવત્સ, મીનમિથુન અને શ્રીવૃક્ષ છે તેમ જ બીજી માળામાં કમળ, અંકુશ, કલ્પવૃક્ષ, દર્પણ, શ્રીવત્સ, વૈજયંતી, મીનયુગલ, પરશુ પુષ્પદામ, તાલવૃક્ષ અને શ્રીવૃક્ષ છે. આથી જાણી શકાય છે કે લોકોમાં ઘણા પ્રકારના માંગલિક ચિન્હોને માન્યતા હતી.

વિક્રમ સંવતની શરૂઆતમાં લગભગ મથુરાની જૈન કળામાં અષ્ટમાંગલિક ચિન્હોની સંખ્યા અને સ્વરૂપ નિશ્ચિત બની ગયા. કુષાણકાળના આયાગપટો પર અંકિત ચિન્હો આ પ્રમાણે છે: મીનમિથુન, દેવવિમાનગૃહ, શ્રીવત્સ, વર્ધમાન અથવા શરાવ, સંપુટ, ત્રિરત્ન, પુષ્પદામ, ઇંદ્રયષ્ટિ અથવા વૈજયંતી અને પૂર્ણઘટ. આ આઠ શુભ પ્રતિકોની આકૃતિ વડે બનાવવામાં આવેલ ઘરેણાં અષ્ટમાંગલિક માળા તરીકે ઓળખાતા હતાં. કુષાણકાળના જૈન ગ્રંથ અંગાવિજ્જા, ગુપ્તકાળના બૌદ્ધ ગ્રંથ મહાવ્યુત્પતિ અને બાણકૃત હર્ષચરિતમાં માળા આભૂષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછીના સાહિત્ય અને લોકજીવનમાં પણ આ ચિન્હોની માન્યતા અને પૂજા સુરક્ષિત રહી છે, પરંતુ તેનાં નામોમાં ફેરફારો પણ જોવા મળે છે. શબ્દકલ્પદ્રુમાં ટાંકવામાં આવેલ પ્રમાણ અનુસાર સિંહ, વૃષભ, ગજ, કળશ, વ્યજન, વૈજયંતી, દિપક અને દુદુંભી એ અષ્ટમંગળ હતા.

"नन्दिकेश्वर पुराणोक्त दुर्गोत्सव पद्धति"માં દર્શાવ્યું છે:

म्रुगराजो वृषो नाग: कलशो व्यंजन यथा,
वैजयन्ती तथा भेरी दीप इत्यष्टमंगलम

અર્થાત - સિંહ, બળદ, હાથી, કળશ, પંખો, વૈજન્તી, ઢોલ અને દીપક આ આઠ પ્રકારના મંગળ કહેવાય છે.

"शुद्धित्व"માં આ મુજબ દર્શાવ્યું છે:

लोकेस्मिन मन्ग्लान्यष्टो ब्राह्मणो गौर्हुताशन:
हिरण्यं सर्पिरादित्य आपो राजा तथाष्टम:

અર્થાત - આ વિશ્વમાં બ્રાહ્મણ, ગાય, અગ્નિ, સોનું, ઘી, સૂર્ય, જળ અને રાજા આ આઠ મંગળ કહેવાયા છે.