લખાણ પર જાઓ

ઓરિગામિ

વિકિપીડિયામાંથી
ઓરિગામિ વડે બનાવેલ બગલો
ઓરિગામિના કાગળને વાળવાની જુદી જુદી રીતો
ટી બેગમાંથી બનાવેલ ઓરિગામિ

ઓરિગામિ એ કાગળને વાળીને બનાવવામાં આવતા વિવિધ વસ્તુઓની જાપાનીઝ કળા છે. જાપાનીઝ ભાષામાં ઓરિ એટલે વાળવુ અને ગામિ એટલે કાગળ. આ કળામાં કાગળને કાપવાની કે ગુંદર વડે જોડવાની મનાઇ હોય છે. જે રમકડા કે વસ્તુઓ કાગળ કાપીને બનાવવામાં આવે છે તેને 'કારિગામિ' નામે ઓળખવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

જાપાનમાં આ કલાનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ.અ૧૬૮૦ના ઇહારા સાઇકાકુના કાવ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત ચીન અને યુરોપમાં પણ આ પ્રકારની કળાનો ઉપ્યોગ જોવા મળતો હતો. ઇ.સ ૧૮૬૦ માં જાપાનની સરહદો અન્ય દેશો માટે ખુલ્લા મુકયા બાદ યુરોપીય કળાના કેટલાક પાસાઓને ઓરિગામિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વિસમી સદીના પાછલા વર્ષોમાં રોબર્ટ લેંગ, એરિક ડીમેઇન, સિફો માબોના, જીઆંગ ડીન્ડ અને પોલ જેક્સન જેવા અભ્યાસીઓએ ઓરિગામિ અને ગાણીતીક સિધ્ધાંતોનો સમનવય કરીને તેને એક નવી દિશા આપી હતી.

કળા અને જરુરી સામગ્રી[ફેરફાર કરો]

ઓરિગામિમાં કાગળને જુદીજુદી રીતો દ્વારા વાળવામાં આવે છે. સામન્ય રીતે કોઈપણ વાળી શકાય તેવો કાગળ ઓરિગામિ બનાવવામાં વાપરી શકાય છે. ઓરિગામિના કાગળ ૨.૫ સે.મી થી લઈને ૨૫ સે.મીનાં માપમાં આવે છે. ઓરિગામિના કાગળ એકબાજુથી જુદા જુદા રંગવાળો અને બીજી બાજુએ કોરો હોય છે. આ કાગળ રોજીંદા વપરાશના કાગળથી પાતળો હોય છે જેથી જુદાજુદા આકારો બનાવવામાં સરળતા રહે છે. આ ઉપરાંત વાળવા માટે સરળતા રહે તે માટે જાપાનમાં 'વાશી' નામનો કાગળ વપરાય છે જે વાંસના લાકડામાંથી બનેલો હોય છે અને ટકાઉ હોય છે. ઓરિગામિ બનાવવામાં ખાસ કોઇ સાધનો વપરાતા નથી પરંતુ 'બોન ફોલ્ડર', પેપર ક્લીપ અને ચિપિયા જેવા સાધનો વપરાય છે. જુદા જુદા દેશોની ચલણી નોટોમાંથી બનાવેલ ઓરિગામિને ડોલર ઓરિગામિ કે મની ઓરિગામિ કહે છે.

ઓરિગામિના પ્રકારો[ફેરફાર કરો]

  • મોડ્યુલર ઓરિગામિ: આ પ્રકારમાં જુદા જુદા ભાગોને જોડીને મોડેલ બનાવવામાં આવે છે અને સામાન્ય રીતે શણગારમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ક્યારેક ગુંદરથી જોડાયેલ હોય છે.
  • વેટ ફોલ્ડીંગ ઓરિગામિ: આ પ્રકારના ઓરિગામિમાં કાગળને અપુરતો વાળવામાં આવે છે અને કાગળ થોડો ભેજવાળો રાખવામાં આવે છે જેથી કુદરતી ચહેરાવાળા પ્રાણીઓ બનાવવામાં સહેલુ રહે છે.
  • પ્યોરલેન્ડ ઓરિગામિ: આ પ્રકારના ઓરિગામિમાં માત્ર 'માઉન્ટેન' કે 'વેલી' પ્રકારથી વાળેલ હોય તેવા જ ઓરિગામિ હોય છે.
  • ઓરિગામિ ટેસ્ટેલેશન્સ: આ પ્રકારના ઓરિગામિમા સમતલમાં કોઇજ પ્રકારની જગ્યા કે ઉપરવટ કાગળ જાય નહીં તેવુ ધ્યાન રાખવામાં આવે છે.
  • ટીબેગ ફોલ્ડીંગ: આ પ્રકારમાં ટી બેગ રેપરને વાળીને એવી રીતે વાળીને બનાવવામાં આવે છે જેથી ત્રિ-પરીમાણીય આકારો બનાવવામાં સરળ રહે છે.

ઓરિગામિ અને ગણિતનો સંબધ[ફેરફાર કરો]

ઓરિગામિની વાળવાની પધ્ધતીનો ગણિતનાં સંશોધનોમાં ઘણો ઉપયોગ થાય છે. મોટરકારની 'એર બેગ' અને હ્રદયમાં મુકવામાં આવતા 'સ્ટેન્ટ' ની રચનામાં ઓરિગામિનાં સિધ્ધાંતોનો ઉપ્યોગ થયેલ છે.[૧] આ ઉપરાંત 'સેટેલાઈટ ડીસ'ની સૌર પેનલો મુકવામાં પણ ઓરિગામિનો ઉપયોગ થયેલ છે. જે ભૌમિતિક આકારો પરિકર અને ફુટપટ્ટીની મદદથી દોરી શકાતા નથી તે ઓરિગામિની મદદથી દોરી શકાય છે. હાલના સમયમાં ઓરિગામિને મદદરુપ થાય તે માટે વિવિધ 'સોફ્ટવેર' ઉપ્લ્બ્ધ છે. 'ટ્રિ-મેકર' અને 'ઓરિપા સોફ્ટવેર' તેના ઉદાહરણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Cheong Chew and Hiromasa Suziki, Geometrical Properties of Paper Spring, reported in Mamoru Mitsuishi, Kanji Ueda, Fumihiko Kimura, Manufacturing Systems and Technologies for the New Frontier (2008), p. 159.

બાહ્ય કડી[ફેરફાર કરો]