કાકુસ્વર

વિકિપીડિયામાંથી

ભારતીય શાસ્ત્રીય સંગીત મુજબ એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતા સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત કાકુસ્વરોથી સભર હોય છે. સ્વ. પં. ઓમકારનાથ ઠાકુર રાગ અને રસ પુસ્તિકામાં કાકુસ્વરની વિસ્તૃત સમજુતી આપતાં લખે છે કે, સ્વરનો ત્રીજો ગુણ કાકુ. સંગીતની ભાષામાં કાકુ શબ્દનો અર્થ સમજાવવા માટે સ્વરભેદ શબ્દની યોજના સમુચિત્ત લાગે છે. ગાતાં, બોલતાં કે નાટ્યમાં અભિનય કરતાં અવાજમાં, અવાજની જાતમાં જે જુદાં જુદાં ફેરફારો કરવામાં આવે છે, તેને સંગીતની ભાષામાં કાકુ કહેવામાં આવે છે. સુખદુઃખાદિ સંવેદન પ્રસંગે કંઠમાં એ જાતનાં પરિવર્તનો કરવાની આવશ્યકતા રહે છે.

તેવી જ રીતે ગુંગળાયેલા, અકળાયેલાં, ક્રોધે ભરાયેલ, શાન્ત, ચિન્તિત, નૈરાશ્ય, નિર્વેદ, ખેદ, પ્રસ્વેદ વગેરે જે જે અવસ્થાઓ દર્શાવવી હોય, તે તે અવસ્થાઓ માટે કંઠમાં તેવી ક્રિયાઓ કર્યા વગર-સ્વરભેદ દર્શાવ્યાં વગર રસોત્ત્પત્તિ સંભવી જ શકે નહિ. એ બધાં સ્વરભેદની અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં મૂકવાને અર્થે એને "કાકુ" સંજ્ઞાથી ઓળખવામાં આવે છે."